Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

ક્રાઇમ બ્રાંચે પકડી યુનિવર્સિટી પોલીસને સોંપ્યોઃ બુટલેગર હર્ષદ ઉર્ફ મહાજનના રિમાન્ડ મંગાયા

અઢી મહિના પહેલા પકડાયેલા દારૂમાં નામ ખુલતાં ફરાર હતો : રાજસ્થાન તરફથી જથ્થો મંગાવતો હોવાનું રટણઃ અગાઉ દારૂના ૨૫ ગુનાઃ હત્યાની કોશિષ, મારામારીના ૩ ગુનામાં સંડોવણીઃ આઠ વાર પાસાની હવા પણ ખાધી'તી

રાજકોટ તા. ૨૭: શહેર અને સોૈરાષ્ટ્રભરમાં પંકાયેલા કુખ્યાત બુટલેગરને ક્રાઇમ બ્રાંચે દેવપરામાંથી પકડી લીધો છે. અઢી માસ પહેલાના યુનિવર્સિટી પોલીસના દારૂના ગુનામાં તે ફરાર હોઇ તેને ત્યાં સોંપવામાં આવતાં રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે. રાજસ્થાન તરફથી પોતે જથ્થો લાવતો હોવાનું રટણ કર્યુ હોઇ સાચી વિગતો ઓકાવવા વધુ તપાસ હાથ ધરાઇ છે.

જંગલેશ્વર અંકુર સોસાયટી-૧ લુહાર વાડીની બાજુમાં રહેતો હર્ષદ ઉર્ફ મહાજન માણેકલાલ માંડલીયા (સોની) (ઉ.વ.૪૩) ગત તા.૧૫/૬ના રોજ યુનિવર્સિટી પોલીસ મથકના ૧૧૪ બોટલ દારૂના ગુનામાં નામ ખુલ્યા બાદ ભાગતો ફરતો હોઇ તે દેવપરા મેઇન રોડ પર આવ્યાની પાક્કી બાતમી ડીસીબીના ક્રિપાલસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા અને દેવાભાઇ ધરજીયાને મળતાં તેને પકડી લેવાયો હતો અને યુનિવર્સિટી પોલીસને સોંપાયો હતો.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરી તથા પીઆઇ વી. કે. ગઢવીની સુચના હેઠળ પીએસઆઇ પી. બી. જેબલીયા, જેને બાતમી મળી તે ત્રણ કર્મચારીઓ તથા અંશુમનભા ગઢવી, વિક્રમભાઇ ગમારા, જીજ્ઞેશભાઇ મારૂ, સુભાષભાઇ ઘોઘારી અને નિતેશભાઇ બારૈયાએ આ કામગીરી કરી હતી.

વધુ તપાસ પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એ. બી. જાડેજા, રાજેશભાઇ મિંયાત્રા, હરપાલસિંહ જાડેજા, જયંતિગીરી ગોસ્વામી સહિતની ટીમે હાથ ધરી છે. હર્ષદે એવું રટણ કર્યુ હતું કે તેણે રાજસ્થાન તરફથી જથ્થો મંગાવ્યો હતો. સાચી વિગતો મેળવવા રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરાઇ છે.

હર્ષદ વિરૂધ્ધ અગાઉ રાજકોટ શહેર વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં તથા ગોંડલ ગ્રામ્યના એક મળી દારૂના ૨૫ જેટલા ગુના અને હત્યાની કોશિષ તથા મારામારીના ત્રણ ગુના નોંધાઇ ચુકયા છે. તે આઠ વખત પાસાની હવા પણ ખાઇ આવ્યો છે.

(12:57 pm IST)