Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

શહેરમાં છેલ્લા સપ્‍તાહમાં ઝાડા - ઉલ્‍ટી - તાવના ૫૦૯થી વધુ દર્દીઓ

કોરોનાએ ફૂંફાડો માર્યો : બે દી'માં ૫૮ લોકો કોરોના સંક્રમિત

રાજકોટ, તા. ૨૭ : શહેરમાં છેલ્લા સપ્‍તાહમાં આરોગ્‍ય વિભાગના ચોપડે શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્‍ટીના ૫૦૯થી વધુ કેસ નોંધાયા છે. જ્‍યારે મચ્‍છરજન્‍ય રોગચાળાનો ૧ દર્દી નોંધાયો છે. દરમિયાન  છેલ્લા ૨ દિવસમાં શહેરના ૫૮ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્‍યા છે.

આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૨૦ થી ૨૬ માર્ચ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળાનો ૧ કેસ

અઠવાડિયામાં  મેલેરીયાનો કેસ નોંધાયા છે. જયારે સીઝનમાં  મેલેરિયાના ૪, ડેન્‍ગ્‍યુના ૧૩ તથા ચિકનગુનિયાના ૨ કેસ નોંધાયા છે.

શરદી-તાવના ૫૦૯થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૩૯૦ તેમજ સામાન્‍ય તાવના ૪૨ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૭૭  સહિત કુલ ૫૦૯  દર્દીઓ નોંધાયા હતા.

મચ્‍છર ઉત્‍પતિ

સબબ ૧૫૯ ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૫૬૮૦   ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૩૧૬ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૧૫૯ લોકોને નોટીસ પાઠવી છે.

કોરોના ૫૮ કેસ નોંધાયા

 શહેરમાં કોરોનાએ માથું ઉંચક્‍યું છે. છેલ્લા બે દિવસમાં કુલ ૫૮ કેસ નોંધાયા છે. જેમાં શનિવારે રેલનગર, યુનિ. રોડ, મારૂતિનગર, પંચવટી રોડ, સંતોષી પાર્ક, મોટા મૌવા સહિતના વિસ્‍તારોમાં ૧૧ થી ૭૨ વર્ષના ૧૭ પુરૂષો તથા ૧૧ મહિલાઓ સહિત કુલ ૨૮ લોકો કોરોના સંક્રમિત થયા છે.

જ્‍યારે ગઇકાલે રવિવારે ૯ થી ૮૭ વર્ષ સુધીના ૩૦ લોકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્‍યા હતા. શહેરના જિલ્લા ગાર્ડન, કુંભારવાડા, એરપોર્ટ રોડ, કોઠારીયા રોડ, રૈયા રોડ, સોરઠીયા પાર્ક, નાનામૌવા સહિતના વિસ્‍તારોના ૨૦ પુરૂષો તથા ૧૦ મહિલાઓ કોરોનાની ઝપટે ચડયા હતા. ગઇકાલ સુધીમાં શહેરમાં ૧૩૯ એકટીવ કેસ હતા. શનિવારે ૧૩ દર્દીઓ સાજા થતા રજા અપાઇ હતી.

(5:21 pm IST)