Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

હિટવેવ સામે લોકોને સતર્ક કરતુ આરોગ્‍ય તંત્ર

લૂ થી બચવા કોર્પોરેશનના આરોગ્‍ય વિભાગે જનહિતાર્થે આપી આરોગ્‍ય ટિપ્‍સ

રાજકોટ તા. ૨૬ : હવામાન વિભાગે આગામી ત્રણ-ચાર દિવસ દરમ્‍યાન હિટવેવની આગાહી કરતા રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્‍ય વિભાગે આરોગ્‍ય કર્મીઓને લુ લાગવી, ગરમી ચઢી જવી સહિતની સમસ્‍યાઓમાં સારવાર કેવી રીતે આપવી તેની તાલીમ આપી દીધી છે અને તમામ આરોગ્‍ય કેન્‍દ્રો ઉપર જરૂરી દવાઓનો સ્‍ટોક ઉપલબ્‍ધ કરાવી દેવાયો છે. તમામ આશા બહેનોને ઓ.આર.એસ.ના પેકેટ પર્યાપ્ત માત્રામાં આપવામાં આવ્‍યા છે.

વધુ પડતી ગરમીએ મનુષ્‍યના આરોગ્‍યને હાનિકર્તા છે. દર વર્ષે દિવસના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સન સ્‍ટ્રોક)નાં કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ પણ સાબીત થઈ શકે છે.

લુ લાગવા (સન સ્‍ટ્રોક)નાં કેસોમાં સામાન્‍ય રીતે શરીરનું તાપમાન ખુબ જ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉચું હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે અને જેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી. જે વ્‍યક્‍તિના આરોગ્‍ય ઉપર વિપરીત અસરો કરે છે. આ અસરોમાં, શરીર અને હાથ પગમાં અસહ્ય દુઃખાવો, ખુબ તરસ લાગવી, ગભરામણ થવી, ચક્કર આવવા, શ્વાસ ચઢવો, હૃદયના ધબકારા વધી જાય છે.

 

સન સ્‍ટ્રોક (લુ)થી બચવા શું કરશો ?

 ગરમીમાં બને ત્‍યાં સુધી બહાર જવાનું ટાળવું.

 ઉનાળાની ઋતુ દરમ્‍યાન ખુલતા, સફેદ, સુતરાઉ કપડા પહેરવા જોઈએ.

 નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્‍ધો તથા અશક્‍ત વ્‍યક્‍તિઓએ તડકામાં ફરવું નહિ.

 દિવસ દરમ્‍યાન પુષ્‍કળ પ્રમાણમાં પ્રવાહી પીવું. શક્‍ય હોય તો લીંબુનું શરબત બનાવીને પીવુંᅠ જોઈએ.

 ભીના કપડાથી માથું ઢાકી રાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું.

 ગરમીની ઋતુ દરમ્‍યાન બને ત્‍યાં સુધી ભુખ્‍યા ન રહેવું.

      માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર, ઉબકા કે તાવ આવે તો તુર્ત જ નજીકના દવાખાના / શહેરી પ્રાથમીક આરોગ્‍ય કેન્‍દ્ર કે હોસ્‍પિટલમાં ડોક્‍ટરની સલાહ અને સારવાર લેવી.

(3:37 pm IST)