Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

હોલીડે સીટીમાં ફલેટ, ફાર્મ હાઉસ બુકીંગના નામે કરોડોની છેતરપીંડીઃ ભોગ બનેલા વધુ ૪ રોકાણકારો આગળ આવ્યા

૨૦૧૨ થી ફલેટ, ફાર્મ હાઉસ પેટે કટકે-કટકે ચેક અને રોકડેથી નાણા ચુકવ્યા પછી આજ દિવસ સુધી કોઇ મિલ્કત સોંપી જ નથીઃ અનેક લોકોના નાણા જીતેન્દ્ર મારૃ સહીતના પ્રયોજકોએ ચાંઉ કર્યાનો આક્ષેપ

રાજકોટ, તા, ર૬ઃ કાલાવાડના શીશાંગ  ગામ નજીક ૨૦૧૨ની સાલથી શરૃ કરવામાં આવેલા હોલીડે સીટી પ્રોજેકટના પ્રયોજક જીતેન્દ્ર કુંવરજીભાઇ મારૃ અને કલ્પેશ પ્રફુલભાઇ પરમાર સહીતે રોકાણકારો પાસેથી ફલેટ અને ફાર્મ હાઉસ માટે નાણા વસુલી લઇ હજુ સુધી મિલ્કતનો કબ્જો નહિ સોંપતા  છેતરાયેલા મેહુલ અશોકકુમાર ઠક્કર (રહે. સહકાર સોસાયટી, શેરી નં. ર), અનિલ દુર્લભજીભાઇ જોષી, દિનેશભાઇ સુરેશભાઇ લુણગાતર (રહે. જાગનાથ પ્લોટ, શેરી નં. ૧૭) અને ભગવાનજીભાઇ નાથાભાઇ શીંગાળા (રહે. વાલ્મીકવાડી, જામનગર રોડ)એ પોલીસ કમિશ્નરને સંબોધી પોતાની સાથે થયેલી છેતરપીંડીની લેખીત ફરીયાદ આપી ગુન્હો નોંધવા માંગણી કરી છે.

ફરીયાદમાં જણાવાયું છે કે, જામનગર જીલ્લાના કાલાવાડ તાલુકાના શીશાંગ ગામે હોલીડે સીટી પ્રોજેકટ સંદર્ભે  પ્રયોજકો જીતેન્દ્ર મારૃ અને અન્યોએ અખબારોમાં જાહેરાતો કરી રોકાણકારોને આકર્ષીત કર્યા હતા. અમો પણ આ પ્રોજેકટમાં રોકાણ કરવા તૈયાર થયા હતા અને ફલેટ તેમજ ફાર્મ હાઉસ માટે સમયાંતરે રોકડ રકમ આયોજકોને ચુકવી હતી. જેની પહોંચો અમારી પાસે છે.

રજુઆત કરતા મેહુલભાઇ ઠક્કરે તા. ર૬-૭-ર૦૧રના રોજ ચેક દ્વારા ૬૦ હજાર, ત્યાર બાદ ર૮-૬-ર૦૧રના ચેક દ્વારા ૭૯ હજાર, ર૬-૭-ર૦૧રના ૧ લાખ ૬૦ હજાર અને ત્યાર બાદ  ૧૦ હજાર રૃપીયા ઉત્તમ બિલ્ડર્સને ચુકવ્યા હતા. જેની પહોંચો આપવામાં આવી હતી પરંતુ મેહુલભાઇએ ખરીદેલો વન બેડ હોલ કિચનનું આજ દિવસ સુધી બાંધકામ જ થયું નથી ! આવી જ રીતે અનિલભાઇ દુર્લભજી જોષીએ કટકે-કટકે ૪ લાખ ૬૬ હજાર રૃપીયા ફલેટ માટે ચુકવ્યા હતા. બંન્ને ફરીયાદીઓને કલ્પેશભાઇ પ્રફુલભાઇ પરમાર ઉર્ફે પિન્ટુભાઇની સહીઓ વાળી પહોંચો આપવામાં આવી હતી. આ ઉપરાંત દિનકરભાઇ લુણગાતરે તા.ર૭-૯-ર૦૧૪ના જીતેન્દ્ર કુંવરજીભાઇ મારૃને ૧૦ લાખ ૧૦ હજાર રૃપીયા ફાર્મ હાઉસ ખરીદવા માટે રોકડા તથા ઓનલાઇન પેમેન્ટથી ચુકવી આપ્યા હતા પરંતુ આજ દિવસ સુધીમાં તેમને કોઇ મિલ્કત સોંપવામાં આવી નથી.  ભગવાનજીભાઇ શીંગાળા સાથે પણ આવી જ રીતની છેતરપીંડી થઇ છે. ર૦૧ર થી ર૦૧૪ સુધીમાં ૧ લાખ ર૦ હજાર અને પ હજાર અને ત્યાર બાદ ર૦૧૭ સુધીમાં દર મહિને પાંચ હજાર ચુકવ્યા હતા. જે ફલેટ બુકીંગ માટે આપ્યા હતા. આ તમામના નાણા હજમ કરી પ્રયોજકોએ તેમને નોંધાવેલી કોઇ મિલ્કત સોંપી નથી અને પૈસા માટે પણ ગલ્લાતલ્લા કરી રહયા છે. હોલીડે સીટીના નામે શરૃ થયેલી અ સ્કીમથી અમારા ઉપરાંત અન્ય સંખ્યાબંધ લોકો સાથે પણ પ્રયોજકોએ કરોડોની છેતરપીંડી કર્યાની જાણ અમને થતા અમે ઉપરોકત ફરીયાદ નોંધાવી છે તેમ લેખીત અરજીમાં જણાવાયુ છે.

(4:50 pm IST)