Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

નેપાળમાં જૂગારમાં ૨૭ લાખ હારી ગયો તેની ઉઘરાણી કરી ધમકીઃ ભરવાડ યુવાને પોલીસ કમિશનર કચેરીએ ઝેર પીધું

પત્‍નિના દાગીના છોડાવવા લાલા પાસેથી મકાનના દસ્‍તાવેજ પર બે લાખ વ્‍યાજે લઇ વ્‍યાજ સહિત ચુકવણું કરી દીધા પછી લાલાએ ‘હવે આપણે જૂગારમાં હાર્યા તેના બદલામાં મકાન લખી દેવું પડશે' નહિતર ઘરે આવીને મારીશ તેવી ધમકી દીધી : બી-ડિવીઝન પોલીસે લાલો ભરવાડ, મુકેશ ભુવા, સામત વકાતર, ભુરા જોગાવા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યોઃ ચારેય આરોપી ફરાર

માંકડ મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કરનાર દિનેશ ભરવાડ

રાજકોટ તા. ૨૬: દૂધ સાગર રોડ પર આકાશદિપ સોસાયટીમાં રહેતાં અને પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ઇલેક્‍ટ્રીક કાર હંકારવાની નોકરી કરતાં ભરવાડ શખ્‍સે પોલીસ કમિશનર કચેરીના પાર્કિંગમાં ઝેર પી આપઘાત કરી લીધાના બનાવમાં વ્‍યાજખોરીનો મામલો અને નેપાળમાં જૂગારમાં હારી ગયેલા ૨૭ લાખની ઉઘરાણીનો ડખ્‍ખો હોવાનું ખુલ્‍યું છે.

બી-ડિવીઝન પોલીસે આ બનાવમાં પોલીસ કમિશનર કચેરીના પાર્કિંગમાં ઝેર પી આપઘાતનો પ્રયાસ કરનારા દૂધ સાગર રોડ પર આકાશદિપ સોસાયટી-૧ના ખુણે રહેતાં અને પ્રદ્યુમન પાર્કમાં ઇલેક્‍ટ્રીક કાર ચલાવવાની નોકરી કરી ગુજરાન ચલાવતાં દિનેશ ફોગાભાઇ મકવાણા (ભરવાડ) (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી લાલો ડાભી (ભરવાડ), મુકેશ ભુવા, સામત વકાતર અને ભુરા જોગાવા નામના રાજકોટના શખ્‍સો વિરૂધ્‍ધ આઇપીસી ૫૦૪, ૫૦૬,  ૧૧૪ તથા મનીલેન્‍ડ એક્‍ટની કલમ ૫, ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

દિનેશ મકવાણાએ પોલીસને જણાવ્‍યું છે કે ચારેક મનિા પહેલા મારે પૈસાની જરૂર હોઇ મારી પત્‍નિ કાજલના સોનાના દાગીના આઇએફએલ ગોલ્‍ડ લોન પાણીના ઘોડા પાસે છે ત્‍યાં ગિરવે મુકી લોન લીધી હતી. આજથી સાતેક દિવસ પહેલા હોળીના તહેવાર પર પત્‍નિને દાગીના-ઘરેણા પહેરવા હોઇ તે દાગીના છોડાવવા માટે આઇએફએલમાં બે લાખ જમા કરાવવા પડે તેમ હતાં. આથી મેં મારા પરિચીત લાલા ભરવાડ (ડાભી) પાસે રૂા. બે લાખ હાથ ઉછીના માંગ્‍યા હતાં. પણ લાલાએ પોતે આ રકમ વ્‍યાજે આપશે તેમ કહેતાં મેં બે લાખ વ્‍યાજે લીધા હતાં. એ પછી ચાર દિવસમાં જ મારે લાલાને પાંચ હજાર વ્‍યાજ સાથે બે લાખ પાછા આપવાના હતાં. મેં આ રકમ કુવાડવા રોડ આશ્રમ ચોક ખાતે તેની પાસેથી લીધી હતી. તેણે સિકયુરીટી પેટે મારા મકાનનો દસ્‍તાવેજ  માંગ્‍યો હતો. જે મેં તેને મોરબી રોડ ગીરીરાજ પાર્ટી પ્‍લોટ પાછળના પટમાં આપ્‍યો હતો.

એ પછી ચાર દિવસ બાદ મારે લાલા ભરવાડને બે લાખ પાંચ હજાર ચુકવવાના હોઇ મેં મારી પત્‍નિનું ઘરેણું મુથુટ ફાયનાન્‍સ પાણીના ઘોડા પાસે છે ત્‍યાં ગિરવે મુકી અઢી લાખ લોન લીધી હતી. લાલાને તેની રકમ ચુકવવા મેં કુવાડવા રોડ આશ્રમ ચોક ખાતે બોલાવ્‍યો હતો. ત્‍યારે તેણે વ્‍યાજ સહિત ૨ લાખ ૨૦ હજાર માંગ્‍યા હતાં. તેમજ જો આ રકમ તું નહિ આપ તો તારા મકાનનો દસ્‍તાવેજ તને પાછો નહિ આપુ તેવી ધમકી આપતાં મેં તેને રૂા. ૨ લાખ અને વ્‍યાજના ૨૦ હજાર ચુકવી દીધા હતાં.

તેણે મકાનનો દસ્‍તાવેજ થોડીવારમાં આપી દેશે તેમ કહ્યું હતું અને જતો રહ્યો હતો. લાલાનો ફોન ન આવતાં થોડીવાર પછી મેં તેને ફોન કરી દસ્‍તાવેજ માંગતા તેણે કહેલું કે આપણે ધુળેટીના તહેવારમાં નેપાળ ગયેલા ત્‍યાં ૨૭ લાખ હારી ગયા હતાં તે તારે મને આપવા પડશે કાં પછી તારા મકાનનો દસ્‍તાવેજ મારા નામે કરાવી દેવો પડશે. જેથી મેં તેને આવું ન કરવા કહેતાં તેણે મારી સાથે ઝઘડો કરી ગાળો દીધી હતી અને ફોનકોલ કટ કરી નાંખ્‍યો હતો.

દિનેશ ભરવાડે પોલીસને વધુમાં જણાવ્‍યું છે કે તા. ૨૪/૩/૨૨ના રોજ સાતેક વાગ્‍યે મુકેશ ભુવાનો મને ફોન આવ્‍યો હતો અને કહેલું કે કુવાડવા રોડ આશ્રમ ચોક પાસે આવી જા તારુ કામ છે. જેથી હું ત્‍યાં જતાં મુકેશ ભુવા, લાલો ભરવાડ, સામત વકાતર, ભુરો જોગાવા (ભરવાડ) ત્‍યાં હતાં. આ બધાએ મને ગાળો દીધી હતી અને કહેલું કે લાલાના પૈસા ક્‍યારે આપવાના છે. જો પૈસા ન આપવા હોય તો દસ્‍તાવેજ કરી આપવો પડશે. નહિ કરી દે તો મારી મારીને પાડી દઇશું. તેવી ધમકી આપી હતી.

ત્‍યારબાદ શુક્રવારે ૨૫મીએ સાંજે છએક વાગ્‍યે લાલા ભરવાડે મને ફોન કરી-તારે મારા રૂપિયા આપવાના છે કે કેમ, નહિતર હું તારા ઘરે તને મારવા આવું છું...તેમ કહેતાં હું ગભરાઇ જતાં માર્કેટ યાર્ડ ખાતે ગયો હતો અને માકડ મારવાની દવા લઇ પોલીસ કમિશનર કચેરીએ ગયો હતો. જ્‍યાં પાર્કિંગમાં આ દવા પી લીધા બાદ હું બેભાન થઇ ગયો હતો. મને હોસ્‍પિટલે કોણ લાવ્‍યું એ ખબર નહોતી. એ પછી ભાનમાં આવતાં મેં ફરિયાદ નોંધાવી હતી.

મેં લાલા પાસેથી બે લાખ વ્‍યાજે લીધા હતાં અને તેની સામે બે લાખ વીસ હજાર ચુકવી દીધા છે. તેમજ હું લાલા સાથે નેપાળ ગયેલો ત્‍યારે ૨૭ લાખ તેની સાથે હારી જતાં લાલાએ મકાનનો દસ્‍તાવેજ લઇ લીધો હોઇ તે પરત ન આપતો હોઇ અને ધમકી આપતો હોઇ કંટાળીને મેં ઝેરી દવા પી લીધી હતી. તેમ વધુમાં દિનેશે જણાવતાં બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી ચારેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. (૧૪.૭)

રાજકોટમાં પોલીસ સાથે ‘સેટીંગ' ન  પન્‍ટરો દ્વારા નેપાળ અને ગોવા સુધી રમનારાઓને લઇ જવાનો નવો નુસ્‍ખો

શહેરમાં જૂગાર રમાડનારા પન્‍ટરો ઉપર હાલમાં પોલીસની સતત નજર હોઇ અને ફિલ્‍ડ બેસાડવા માટે કોઇ સેટીંગ થઇ શકે તેમ ન હોઇ રમાડનારાઓએ નવો રસ્‍તો કાઢયો છે. જેમાં રમવાના શોખીનોને રાજકોટથી છેક નેપાળ-ગોવા સુધી લાવવા-મુકી જવાની અને રહેવા જમવા સહિતની સુવીધા પન્‍ટરો દ્વારા આપી ત્‍યાં જૂગાર રમાડવાની વ્‍યવસ્‍થા ગોઠવણ શરૂ થયાનું જાણકારો કહે છે. ગઇકાલે પોલીસ કમિશનર કચેરીના પાર્કિંગમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવાને પ્રારંભે તો પત્‍નિના ઘરેણા છોડાવવા બે લાખ વ્‍યાજે લીધા હતાં તેની ઉઘરાણીનો મામલો હોવાનું કહ્યું હતું. પરંતુ પોલીસની વિશેષ પુછતાછ થતાં પોતે લાલા ભરવાડ સાથે નેપાળ ગયો હોઇ ત્‍યાં જૂગારમાં સત્તાવીસ લાખ હારી ગયો હોઇ તેની ઉઘરાણી પણ કારણભુત હોવાનું સામે આવ્‍યું હતું.

(3:36 pm IST)