Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

સોમવારથી પરીક્ષાની મોસમ : ધો.૧૦-૧૨ અને યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ

ધો.૧૦ના ૯,૪૬,૫૨૯ - ધો. ૧૨ સાયન્સ ૯૫૯૮૨ - ધો. ૧૨ સામાન્ય પ્રવાહ ૪,૨૫,૮૩૪ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૩૬૯૨ વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીની મહત્વની કસોટી આપવા ઉત્સાહિત * પરીક્ષા ન્યાયીક માહોલમાં યોજાય તે માટે વિવિધ સ્તરે કડક વ્યવસ્થા * જીલ્લા મથકે કંટ્રોલ રૃમ શરૃ: કાલે પરીક્ષાર્થીઓ બેઠક વ્યવસ્થા નિહાળી શકશે

રાજકોટ, તા. ૨૫: સમગ્ર ગુજરાત રાજયમાં હાલ ગરમીની સીઝન શરૃ થઈ છે. ઉનાળાની મોસમની સાથે સમગ્ર રાજયમાં તા.૨૮ના સોમવારથી પરીક્ષાની મૌસમનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. તા.૨૮ના સોમવારથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦-૧૨ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ વિવિધ વિદ્યાશાખાની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે.

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨૮મી માર્ચથી શરૃ થનારી ધો.૧૦ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં કુલ ૯,૪૬,૫૨૯, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૪,૨૫,૮૩૪, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૯૫,૯૮૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.

જયારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોજાનારી વિવિધ વિદ્યાશાખાની પરીક્ષામાં કુલ ૫૩૬૯૨ ઉમેદવારો પરીક્ષા આપશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાની પરીક્ષા ૨૮મીથી સૌરાષ્ટ્રના પાંચ જીલ્લાના ૧૭૦ કેન્દ્રો ઉપર લેવાશે. પ્રથમ તબક્કાની પરીક્ષામાં કુલ ૫૩૬૯૨ પરીક્ષાર્થીઓ છે.

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારથી શરૃ થતી પરીક્ષામાં ચેકીંગ સ્કવોડ, સીસીટીવી કેમેરા, પરીક્ષા કેન્દ્રો આસપાસ કડક પ્રબંધો કરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રમાં ધો.૧૦માં રાજકોટ જીલ્લામાં ૬૪૮૩૯, અમરેલી જીલ્લામાં ૨૫૬૪૩, જામનગર જીલ્લામાં ૧૮૧૯૮, જૂનાગઢ જીલ્લામાં ૨૭૧૦૦, સુરેન્દ્રનગર જીલ્લામાં ૨૩૦૫૧, પોરબંદર જીલ્લામાં ૯૩૬૮, દ્વારકા ૧૧૨૫૯, મોરબી ૧૩૩૯૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

જયારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં રાજકોટ જીલ્લામાં ૨૩૨૯૨, અમરેલી જીલ્લામાં ૯૭૯૭, જામનગર જીલ્લામાં ૭૭૭૬, જૂનાગઢ જીલ્લામાં ૧૨૫૮૨, સુરેન્દ્રનગર જીલ્લામાં ૧૦૯૨૨, પોરબંદર જીલ્લામાં ૪૨૨૫, મોરબી જીલ્લામાં ૯૨૩૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઉપરાંત ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં રાજકોટ જીલ્લામાં ૬૮૧૪,  અમરેલી જીલ્લામાં ૧૪૯૪, જામનગર જીલ્લામાં ૧૫૨૨, જૂનાગઢ જીલ્લામાં ૨૫૬૯, સુરેન્દ્રનગર જીલ્લામાં ૧૧૫૭, મોરબીમાં ૧૪૫૧ વિદ્યાર્થીઓ અગત્યની કસોટી આપશે.

ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ સ્તરે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાની હોલ ટીકીટનું પણ વિતરણ કરવામાં આવ્યુ છે. બોર્ડની પરીક્ષામાં ન્યાયીક રીતે લેવાય તે માટે અને પેપર લીકની ઘટના ન બને તે માટે સીસીટીવી સામે પરીક્ષાના પ્રશ્નના બોકસ ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે. બોકસ ખોલતા પહેલા ખંડ નીરીક્ષક અને સ્થળ સંચાલકની સહી કરવાની સુચના આપવામાં આવી છે. ઉપરાંત ગુજરાતના અમુક જીલ્લાઓમાં શિક્ષણ બોર્ડ દ્વારા આચાર્ય અને શિક્ષકોની એક વિજીલન્સ ચેકીંગ સ્કવોડ બનાવવામાં આવી છે. જે વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર નજર રાખશે. ઉપરાંત શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્ર સંચાલકોને સ્પષ્ટ સુચના આપવામાં આવી છે કે ધો.૧૦-૧૨ની પરીક્ષા દરમિયાન શાળાના ટ્રસ્ટીઓ કે અન્ય હોદ્દેદારો ઉપસ્થિત નહિં રહેવા માત્ર પરીક્ષાની કામગીરી સંભાળતા શૈક્ષણિક અને વહીવટી કર્મચારીઓ અને પરીક્ષાની કામગીરીની છૂટ આપવામાં આવી છે.  ધો.૧૦-૧૨ની પરીક્ષાની વ્યવસ્થા માટે ગુજરાતભરના જીલ્લા મથકોએ પરીક્ષાની વ્યવસ્થા માટે પરીક્ષા કંટ્રોલ રૃમ શરૃ કરવામાં આવ્યો છે. જીલ્લા મથકોએ પ્રશ્નપત્રો, સ્ટ્રોંગરૃમમાં રાખવામાં આવ્યા છે. શિક્ષણ બોર્ડની પરીક્ષાનો વિદ્યાર્થીઓમાં કોઈ ડર ન રહે તે માટે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધે તે માટે સ્વાગત કરવામાં આવશે.

(1:21 pm IST)