Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

શેર બજારમાં ૬૭ લાખ ડૂબતા બ્રહ્માણી પાર્કના રોહિત રૈયાણીનો આપઘાત

પિતાએ પુત્રના લગ્ન માટે ૮૦ લાખમાં જમીન વેંચી હતી : પિતા જમવા માટે બોલાવવા જતા પુત્રને લટકતો જોઇ દેકારો મચાવ્‍યો :એકના એક પુત્રના મૃત્‍યુથી પરિવારમાં આક્રંદ

તસ્‍વીરમાં આપઘાત કરનાર રોહિત રૈયાણીનું નિવાસસ્‍થાન અને ઇન્‍સેટમાં મૃતક રોહિતનો ફાઇલ ફોટો નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)
રાજકોટ,તા. ૨૬ : શેર બજારમાં ૬૭ લાખ ડૂબી જતા મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસે બ્રહ્માણી પાર્કના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસે આવેલ બ્રહ્માણી પાર્કમાં રહેતા રોહીત ગોરધનભાઇ રૈયાણી (ઉવ.૨૫) એ રાત્રે પોતાના રૂમમાં બારીની લોખંડની જાળીમાં સાલબાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. રાત્રે પિતા જમવા માટે બોલાવવા અને દરવાજો ખખડાવતા દરવાજો અંદરથી હતો. બાદ પિતા એ તેના પરિવારજનોને બોલાવી દરવાજો તોડતા અંદર પુત્રને લટકતી હાલતમાં જોવા મળતા દેકારો મચાવ્‍યો હતો. બાદ કોઇએ તાકીદે ૧૦૮માં જાણ કરતા ૧૦૮ના ઇ.એમ.ટી. બળદેવભાઇ તથા પાઇલોટ આનંદભાઇએ સ્‍થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્‍યુ નિપજ્‍યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્‍સ. હિતેષભાઇ જોગડા સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ મૃતક રોહીત શેરબજારનું કામકાજ કરતો હતો. પિતાએ તેના લગ્ન માટે પોતાના ગામમાં આવેલી જમીન વેંચી હતી. તેના રૂા. ૮૦ લાખ આવ્‍યા હતા. તેમાંથી પિતા ગોરધનભાઇએ લોન ચુકતે કર્યા બાદ રૂા. ૬૭ લાખ ઘરમાં રાખ્‍યા હતા. પિતા થોડા દિવસો પહેલા ગુંદા ગામે ગયા હતા. ત્‍યારે રોહીતે ૬૭ લાખ શેરીબજારમાં રોકયા હતા. પિતા અઠવાડીયા પછી ઘરે આવતા પૈસા જોવા ન મળતા પુત્રને પુછતા તેણે કહ્યુ હતુ કે ‘શેરબજારમાં રોકાણ કર્યું છે.' તેમ જણાવ્‍યુ હતું. બાદ તે થોડા સમયથી ટેન્‍શનમાં રહેતો હતો. બાદ પોલીસે રોહીતનો મોબાઇલ ચેક કરતા તેમાં ફોન કોલ, વ્‍હોટસએપ ચેટીંગમાં શેરબજારને લગતા મેસેજ જોવા મળ્‍યા હતા અને તેની પાસેથી ચાર જેટલી શેરબજારમાં રોકાણ  કરેલી રકમનો હીસાબ જોવા મળ્‍યો હતો. જેમાં યુવાન શેરબજારમાં ૬૭ લાખ ડૂબી ગયા હોવાનું ખુલ્‍યુ હતું.એકના એક પુત્રના આપઘાતથી રૈયાણી પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

 

(12:55 pm IST)