Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

મગફળીના ફોતરા અને ગમ-ગુવારમાંથી કમ્પોઝીટ શીટ બનાવી, જે ફર્નિચરમાં ઉપયોગમાં લઈ શકાય

ધોળકીયા સ્કૂલના બાળવૈજ્ઞાનિકો અમદાવાદ અને બેંગ્લોરમાં પોતાના સંશોધનો રજૂ કરશે : સરગવાના શીંગના બીનું બાયોલોજીકલ અને વિવિધ રોગો માટેની અકસીર દવાઃ ગાયના છાણ અને એલ્યુમિનિયમ ફોઈલના મિશ્રણમાંથી મોબાઈલના રેડીયેશન સામે રક્ષણ આપતી ચીપ બનાવી : ધોળકીયા સ્કૂલના ૫ બાળવૈજ્ઞાનિકો INSEF National Fair-૨૦૧૮ બેંગ્લોર ખાતે ૧૦ બાળવૈજ્ઞાનિકો NCSC-૨૦૧૭માં અમદાવાદ ખાતે પોતાના સંશોધનો રજૂ કરશે

રાજકોટ,તા.૨૫ : સાયન્સ સોસાયટી ઓફ ઈન્ડિયા દ્વારા સમગ્ર ભારતના બાળ વૈજ્ઞાનિકો માટે 'ઈન્ડીયન સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ ફેર' નામના રાષ્ટ્રીય વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં પસંદગી કરવા માટે ભારતના વિવિધ રાજયોમાં રીજીયોનલ ફેરનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે મુંબઈ, ચેન્નઈ, સાલેમ, બેંગ્લોર, પુત્તુર, દિલ્હી, મદુરાઈ, કર્ણાટક, બેલગામ, પૂને અને રાજકોટમાં આ પ્રકારના રિજયોનલકક્ષાના મેળા યોજાય ગયા અને તેમાં સેંકડો પ્રોજેકટ રજીસ્ટાર થયા હતાં.

રાજકોટમાં યોજાયેલા સમગ્ર વેસ્ટઝોન કક્ષાના પ્રોજેકટ રીજીયોનલ ફેરમાં રજૂઆત કરવા માટે પસંદગી પામેલા હતા. જેમાં એસએસઆઈના ડાયરેકટર શ્રી નારાયણ ઐયર દ્વારા શ્રેષ્ઠતમ ૫ પ્રોજેકટને પસંદ કરી તેમના બાળ વૈજ્ઞાનિકોને એવોર્ડ વડે નવાજવામાં આવ્યા હતાં. જેમાં ૪ ગોલ્ડ મેડલ ધોળકિયા સ્કૂલના બાળ વૈજ્ઞાનિકોએ રાજકોટ અને શાળાનું ગૌરવ વધાર્યુ હતું. આ ૪ પ્રોજેકટને 'ઈન્સેફ રાષ્ટ્રીય વિજ્ઞાન મેળા'માં રજૂ થશે.

ચાલુ વર્ષનો આ રાષ્ટ્રીય વિજ્ઞાન મેળો બેંગ્લોરની વાગ્દેવી વિલાસ સ્કૂલમાં તા.૫ થી ૮ જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ રાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં સમગ્ર ભારતમાંથી શ્રેષ્ઠતમ પ્રોજેકટને સ્પર્ધા માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ધોળકિયા સ્કૂલના ૩ પ્રોજેકટ સાથે ૫ બાળ વૈજ્ઞાનિકો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.(૧) ધોળકીયા સ્કૂલના અંગ્રેજી માધ્યમમાં ધોરણ-૯માં પ્રિતિબેન અને મિલનભાઈ પનારાના સુપુત્રી ચિ.દર્શિએ સરગવાની શીંગના બીજનું બાયોલોજીકલ એનાલીસીસ કરી તેમાંથી વિવિધ દવાઓ બનાવવા માટેના ટેસ્ટ કર્યા છે. શાકભાજીમાં સરગવો એટલે પ્રોટીન અને ખનીજનો ખજાનો. સરગવાનો ઉપયોગ આપણા ખોરાકમાં વિવિધ રીતે થતો રહ્યો છે. પરંતુ તેનું તબિબિ મૂલ્ય સાબિત કરવા માટે દર્શિએ ઘણા બધા પ્રયોગો કર્યા છે. કેન્સર, ડાયાબિટીસ, રુમેટોઈડ આર્થરાઈટીસ, ટી.બી, વગેરે જેવા ગંભીર  રોગોમાં સરગવો ખુબ જ અસરકારક દવા સાબિત થયો છે. ઉપરાંત ડેંગ્યુ, મલેરીયા, ચીકન ગુનીયા, સ્વાઈન ફલૂ જેવા બેકટેરીયલ અને વાઈરલ ઈન્ફેકશનથી થતાં રોગો સામે પણ અસરકારક ઈલાજ પૂરવાર થયો છે. આ પ્રોજેકટની ૨૭ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન સાયન્સ સીટી અમદાવાદ ખાતે યોજાનાર ભારતના સૌથી મોટા વિજ્ઞાનમેળા નેશનલ કોંગ્રેસ સાયન્સ ચિલ્ડ્રનમાં ભાગ લેવા માટે જશે તેમજ બેંગ્લોરમાં પણ સાક્ષી સગપરીયા, પ્રાચી અરાબલ્લી, મેઘા મકવાણા અને મહેક શેઠ પણ સહયોગી બનશે.

ધોળકીયા શાળા સંચાલિત ડિવાઈન સ્કૂલના ધોરણ-૯ (ગુજરાતી માધ્યમ)માં અભ્યાસ કરતા (રૂપાલીબેન અને સંજયભાઈ પંડ્યાના સુપુત્ર) ચિ.કર્ષ પંડ્યા તથા તેના ટીમ મેમ્બર જોષી હર્ષિલ, મહેતા પ્રયાગ, પાબારી આદિત્ય અને મહેતા વર્ધમાને સાથે મળીને ગાયના છાણ અને એલ્યુમિનિયમ ફોઈલની મદદથી મોબાઈલ કે અન્ય નુકશાકારક વિકિરણોના રેડિયેશન સામે રક્ષણાત્મક ચીપ તૈયાર કરેલ છે. તેઓએ ગાયના છાણનું પૃથ્થકરણ કરી તેમાં રહેલા ૃસંયોજનો શોધી કાઢયા અને તેમાં વિવિધ પ્રમાણમાં એલ્યુમિનિયમ ફોઈલ ઉમેરી અલગ- અલગ ચીપના સેમ્પલ તૈયાર કરેલ છે તથા ઢગલાબંધ પ્રયોગો દ્વારા તારવીયુ કે એલ્યુમિનિયમ ફોઈલ અને ગાયના છાણનું ૪૦:૬૦ પ્રમાણ ધરાવતું મિશ્રણ હાનિકારક રેડિયેશન સામે વધુ સારી રીતે રક્ષણ આપે છે. આ પ્રોજેકટ અમદાવાદ ખાતે યોજાનાર એનસીએસસી-૨૦૧૭ માં રજૂઆત પામશે.

 ધો-૯માં અભ્યાસ કરતા પિન્સ પ્રવિણભાઇ અકબરી અને સિદ્ધાર્થ રામસિંહભાઇ ભેટરીયાએે સાથે મળીને કાર્બન ઇન્ક તૈયાર કરેલ છે. આ માટે તેમણે વાહનનાં સાયલેન્સરમાં તેમજ ફેકટરીની ચિમનીમાં બળતણમાં દહન બાદ જમા થયેલ નકામી કાર્બન ડસ્ટ (કાર્બન પાઉડર)નો ઉપયોગ કરી બ્લેક ઈન્ક તૈયાર કરેલ છે. જેનો ઉપયોગ પ્રિન્ટીંગ, ડ્રોઈગ, લખાણ તેમજ ઈલેકટ્રોનીક સરકીટ બનાવવા માટેની કન્ડકટીવ ઈન્ક તરીકે થઈ શકે તેમ છે.ધોળકીયા સ્કૂલના ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા ગરસોંદીયા પ્રાચી શૈલષભાઈ અને ટોપીયા જાનવી સુધીરભાઈએ સાથે મળીને નાળિયેરીની છાલ માંડવીના ફોતરાના ભૂકો અને ગમગુવારની મદદથી પાર્ટીકલ બોર્ડ બનાવેલ છે. ત્યારબાદ બજારમાં મળતા  વિવિધ પાર્ટીકલ બોર્ડ સાથે સરખામણી કરવા માટે ટેન્સાઈલ સ્ટ્રેન્થ, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, નેઈલ હોલ્ડીંગ, ઓઈલ એબ્શોર્પશન, વોટર એબ્શોર્પશન, હિટ ટ્રાન્સફર જેવી કસોટીઓ દ્વારા માર્કેટ પ્રોડકટ કરતા વધુ સારુ અને સસ્તુ પાર્ટીકલ બોર્ડ તૈયાર કરેલ છે.(૩૦.૬)

(3:22 pm IST)