Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

આ વર્ષના અંત સુધી કાતિલ ઠંડીના સંજોગો નથી

આજે-કાલે શિયાળુ પવન ફૂંકાશે : પારો નોર્મલ આસપાસ રહેશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૨૫ : આ વર્ષના અંત સુધીમાં એટલે કે ૩૧મી ડિસેમ્બર સુધી કાતિલ ઠંડીની કોઈ શકયતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષના અંતિમ દિવસોમાં ઠંડીનો કાતિલ દોર જોવા મળતો હોય છે. જે આ વર્ષે જોવા નહિં મળે. જો કે નવા વર્ષના પ્રારંભે તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થાય તેવી શકયતા છે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું કે હાલ વાતાવરણ ચોખ્ખુ થયુ છે.

અગાઉ પાંચેક દિવસ વાદળછાયુ વાતાવરણ રહેલ. દિવસના તાપમાનમાં ઘટાડો નોંધાયેલ જયારે ન્યુનતમ તાપમાનમાં આંશિક ઘટાડો થયો હતો. હાલમાં ન્યુનતમ તાપમાન નોર્મલ અથવા નોર્મલથી એક - બે ડિગ્રી નીચુ આવી ગયુ હતું. મહત્તમ તાપમાન નોર્મલ આસપાસ જોવા મળે છે.

જેમ કે અમદાવાદમાં ન્યુનતમ તાપમાન ૧૧.૨ ડિગ્રી (નોર્મલ થી બે ડિગ્રી નીચું) મહતમ ૨૮.૬ (નોર્મલ), રાજકોટ ૧૨.૬ (નોર્મલ થી ૧ ડિગ્રી નીચું) મહતમ ૩૦.૫ (નોર્મલ) (રાજકોટમાં ન્યુનતમ ૧૪ અને મહતમ ૩૦ ડિગ્રી નોર્મલ ગણાય), અમરેલી ૧૦.૨ (નોર્મલથી બે ડિગ્રી નીચું) તાપમાન નોંધાવેલ અશોકભાઇ વધુમાં કહે છે કે આજે અને આવતીકાલે શિયાળુ પવન ફુંકાશે. તા.૨૫ થી ૧ જાન્યુઆરી દરમ્યાન ન્યુનતમ તાપમાન નોર્મલથી એક-બે ડિગ્રીની વધઘટ જોવા મળશે. તા.૩૧ ડિસે. સુધી તાપમાન નોર્મલ આસપાસ રહેશે. તા.૧ જાન્યુઆરીથી ક્રમશઃ તાપમાનમાં ઘટાડો જોવા મળશે.

(3:17 pm IST)