Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

બે દિવસ રેકી કરતાં, ઘર હોય તો તાળા તોડવાના અને દૂકાન હોય તો શટર ઉંચકવાનું: ગિલ્લોલ ગેંગ ઝડપાઇ

મારૂતિનગરમાં ધનલક્ષ્મી જ્‍વેલર્સની ૩ાા લાખની ચોરીનો ભેદ ભક્‍તિનગર પોલીસે ઉકેલ્‍યો : ઝડપાયેલા ગોંડલ રાજકોટના ચારમાંથી બે રીઢા ગુનેગારઃ ચોરાઉ માલ ખરીદનાર પણ પકડાયોઃ પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા, પીઆઇ એન.આઇ. રાઠોડ અને ટીમને સફળતા

રાજકોટ તા. ૨૨: શહેરના કોઠારીયા રોડ હુડકો પોલીસ ચોકી પાછળ મારૂતિનગરમાં આવેલી ધનલક્ષ્મી જ્‍વેલર્સ નામની દુકાનનું નવ દિવસ પહેલા શટર ઊંચકી ૩.૫૦ લાખના ચાંદીના દાગીના, મૂર્તિઓ સહિતની ચોરીનો ભેદ ભક્‍તિનગર પોલીસે ઉકેલી ગિલ્લોલ ગેંગના ચાર રીઢા ગુનેગારોને પકડી લઇ ચોરાઉ માલ ખરીદનારને પણ પકડયો છે અને ચોરીનો માલ કબ્‍જે કર્યો છે.

વિગત એવી છે કે ગત ૧૩મીએ રાત્રીના સમયે દુકાનમાં કોઇ અજાણ્‍યા શખ્‍સોએ શટર ઊંચકી અંદર ઘુસી રૂ.૩,૫૦,૦૦૦ના ચાંદીના દાગીના અને ચાંદીની ઇંટની તેમજ રોકડની ચોરી કરી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોન્‍સ. કરણભાઇ કોઠીવાલ, અરવિંદભાઇ ફતેપરા તથા રાજદીપસિંહ જાડેજાને બાતમી મળી હતી કે ગિલ્લોલ ગેંગના  વિજય ચારોલા દેવીપુજક તેના સાગરીતો દિપ્‍તીનગરના બગીચા પાસે ચાંદીના દાગીનાની ભાગબટાઇ માટે ભેગા થયેલ છે. તેના આધારે ટીમે ત્‍યાં પહોંચી ચારેયને પકડી લીધા હતાં. આ શખ્‍સો પાસેથી બે ગિલ્લોલ, ચાર ગિલ્લોલના પથ્‍થરના ગોળા તથા ચાંદીના દાગીના મળી આવતા  દાગીનાના આધાર પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરવા લાગેલ જેથી તેના નામ સરનામા પોકેટ કોપ મોબાઇલથી ઇ-ગુજકોપમાં સર્ચ કરતા વિજય ચારોલા તથા રણજીત સોલંકીના ચોરીના ગુનાહિત ઇતિહાસ મળી આવતા આકરી પૂછતાછ થતાં અઠવાડીયા પહેલા ધનલક્ષ્મી જવેલર્સની દુકાનનું શટર ઊંચકી ચોરી કર્યાનું કબૂલ્‍યું હતું.

પોલીસે  વિજય ઉર્ફે વિજલો અમરશીભાઈ ચારોલા (ઉ.વ.૩૫ ધંધો મજુરીકામ મુળ રહે. ગોડલ આશાપુરા ચોકડી હાલ રહે.નાડોદાનગર શેરીનં. ૭  ઓરડીમાં ભાડેથી રાજકોટ), રણજીત ઉર્ફે કાળીયો ધીરૂભાઇ સોલંકી (ઉ.વ ૨૮, ધંધો.મજુરી કામ રહે. ગોંડલ આશાપુરા ચોકડી નદીના કાંઠે ઓરડીમાં), જીતેશ ઉર્ફે જીતો સંજયભાઇ ઉંર્ફે ચંદુભાઇ વાઘેલા (ઉ.વ.ર૧ ધંધો. તરબુચ વેચવાનો રહે.આજીડેમ ચોકડી દ્વારકાધીશ હોટલની પાસે ભારતનગર રોડ મફતીયા પરામાં) અને કરણ ઉર્ફે દડુ મનસુખભાઇ ઉર્ફે અતુલભાઇ વાઘેલા (ઉ.વ.૨૦ ધંધો,ભંગાર વીણવાનો રહે.આજીડેમ ચોકડી ભારતનગર મફતીયામાં)ને પકડી લીધા હતાં. ચારેયએ મોટાભાગનો માલ જીતેશ બાબુભાઇ નાડોદા (ઉ.વ.૩૨ ધંધો. ધૂળધોયાનો રહે. ગોંડલ આશાપુરા ચોકડી મામાના મંદીરની બાજુમાં નદીના કાંઠે)ને વેચી દીધાનું કબુલતા આ શખ્‍સને પણ પકડી લેવાયો હતો.

ઝાડપાયેલાઓમાં વીજય ઉર્ફ વીજલો ગોંડલ, જુનાગઢ, કોટડામાં ૧૨ ગુનાઓમાં, રણજિત ઉર્ફે કાળિયો કોટડા, કાલાવડ, જસદણ, ભાવનગર, પાટણમાં ૧૦ ગુનાઓમાં પકડાયો હતો. કરણ ઉર્ફ દડુ આટકોટમાં એક ગુનામાં પકડાયો હતો. પોલીસે ચોરીમાં ગયેલો કુલ રૂ ૩,૫૦,૨૦૦નો મુદામાલ કબ્‍જે કર્યો છે.

આ ટોળકી ગુનો કરતા પહેલા જે તે સ્‍થળની એક બે દિવસ રેકી કરી લોકોની અવર જવરની માહીતી મેળવી જો મકાનમાં ચોરી કરવાની હોય, તો દરવાજાના તાળા તોડીને તેમજ દુકાનમાં ચોરી કરવાની હોય તો દુકાનના શટર હાથેથી ઉંચાર કરી ચોરી કરવાની આદત ધરાવે છે. ચોરી વખતે કોઇ આવી જાય અને જોઇ જાય તો તેને ડરાવવા ગિલ્લોલથી હુમલો કરી ભય ઉભો કરી ભાગી જવાની ટેવ ધરાવે છે.

પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ.સરવૈયા, પીઆઇ એન. આઇ .રાઠોડ તથા સર્વેલન્‍સ પીએસઆઇ એચ.એન.રાયજાદા, હેડકોન્‍સ. પ્રભાતભાઇ મૈયડ, પ્રવિણભાઇ સોનારા, દીલીપભાઇ બોરીચા, મનરૂપગીરી ગોસ્‍વામી, નરેન્‍દ્રભાઇ ગઢવી, તથા કોન્‍સ. વાલજીભાઇ જાડા, હીતેન્‍દ્રસિંહ ઝાલા, મનીષભાઇ ચાવડા, રાજદીપસિંહ જાડેજા, પુષ્‍પરાજસિંહ ગોહીલ, અરવિદભાઇ ફતેપરા, વિશાલભાઇ દવે, કરણભાઇ કોઠીવાલ સહિતે આ કામગીરી કરી હતી.

(1:02 pm IST)