Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ગાર્ડન ફેરીલેન્‍ડરેસ્‍ટોરન્‍ટનો ૪૧માં વર્ષમાં પ્રવેશ

ગાર્ડન ગૌશાળાનો ગોલ્‍ડન જયુબેલી વર્ષમાં પ્રવેશઃ ગૌશાળા અને કૃષિ ફાર્મની ગાય આધારીત બનેલી વસ્‍તુનો જ ઉપયોગઃ પત્રકાર પરીષદ સંબોધતા કરણાભાઇ-માંડલભાઇ-સિધ્‍ધાર્થ માલધારી : સ્‍વાદ રસિયાઓ માટે વિશ્વાસનું પ્રતિક બન્‍યું

 

 

રાજકોટઃ ગાર્ડન ફેરીલેન્‍ડ(રેસ્‍ટોરન્‍ટ) શરૂ કર્યાને ૪૦ વર્ષ પુર્ણ થયા અને ગાર્ડન ગૌશાળાને ૫૦મું વર્ષ ચાલી રહયુ હોય તે અનુસંધાને ગાર્ડન ફેરીલેન્‍ડના સંસ્‍થાપક કરણાભાઇ માલાધારી, સંચાલક માંડણભાઇ માલધારી, તેમજ સિધ્‍ધાર્થ માલધારી દ્વારા આયોજીત પત્રકાર પરીષદમાં જણાવાયુ હતુ કે ગાર્ડન ફેરીલેન્‍ડ(રેસ્‍ટોરન્‍ટ)ના ૪૦માં માણેક મહોત્‍સવ વર્ષને તેમજ ગાર્ડન ગૌશાળાના ૫૦માં જયુબિલી વર્ષને આઝાદીના અમૃતકાળ સાથે જોડીને ગાર્ડનનો ગ્રાહકોને માટે સરપ્રાઇઝ વર્ષ તરીકે ઉજવવાનું નકકી કર્યુ છે. વર્ષ દરમિયાન નોખી અનોખી સરપ્રાઇઝ સમયાંતરે આપતા રહીએ તેવુ યાદગાર આયોજન કર્યુ છે. ચાલીસ વર્ષના લાંબાગાળા બાદ રાજકોટ સૌરાષ્‍ટ્રના હજારો પરિવારો તેમજ પ્રવાસીઓની પહેલી બીજી અને ત્રીજી પેઢી અવિરત મુલાકાતો લેતી રહે છે. ગ્રાહકો માટે ગાર્ડન ફેરીલેન્‍ડ આજે વિશ્વાસનું પ્રતિક બની ચુકયુ છે. એ અમારા માટે અતિ ગૌરવ પ્રદ બાબત છે. ફેરીલેન્‍ડની સફળતાના પાયામાં ગાર્ડન ગૌશાળા અને કૃષિ ફાર્મ રહેલ છે. ગાર્ડન ફેરીલેન્‍ડ અને ગૌશાળા એક સિકકાની બે બાજુ છે.

ગાર્ડન ગૌશાળા ૧૯૭૩માં ગોપ અષ્‍ટમીએ ગાર્ડનની જગ્‍યા પર શરૂ કરવામા આવેલ, આજે અડધી સદી પુર્ણ થવાને આરે છે. ૧૯૮૧માં ભારત સરકારની ફલડ ટુ શ્વેત ક્રાન્‍તિ ભારતમાં દુધની નદીઓ વહે યોજના અંતર્ગત ગાર્ડન ગૌશાળા સૌરાષ્‍ટ્ર ગીર ક્રોસ બ્રીડનું સંવર્ધન કરેલ. આજે સાચા દુધનો દુષ્‍કાળ છે ત્‍યારે સ્‍વદેશી સંસ્‍કૃતિ અને પ્રકૃતિ અનુસાર ગાર્ડન ગૌશાળાનું પુનઃસંવર્ધન થઇ રહયુ છે. દુધની હેલ ભરી દે એવી ગુણવાન હેલી ગીર ગાયો તૈયાર થઇ રહી છે. એ ગાયો રૂપાળી, દુધાળી, દોહવામાં ઉતમ, જોવામાં જબરી ને ઝુઝારૂ હશે અને સિંહનો પણ  સામનો કરી શકે એવી સબળી હશે. કારણકે અમો મુળ તો ગીર બરડા આલેચના માલધારી, અમારા પુર્વજોના મોઢેથી વાતો સાંભળી છે કે ગાયો સિંહ દીપડાને ભગાડતી હતી અને ગોવાળનું પણ રક્ષણ કરતી.

કરણાભાઇએ વધુમાં જણાવેલ કે ગાર્ડન ફેરીલેન્‍ડ ફેમીલી રેસ્‍ટોરન્‍ટ તરીકે ખ્‍યાતિ પામ્‍યુ છે. અમોએ પણ ત્રણ પેઢીને ધ્‍યાનમાં રાખીને ગાર્ડનને સજાવ્‍યુ છે. આજે ગાર્ડન ખુદ એક બ્રાન્‍ડ બની ચુકયુ છે. રેસ્‍ટોરેન્‍ટ વ્‍યવસાયને નવી દીશા અને દ્રષ્‍ટિ આપી છે. ગાર્ડન ફેરીલેન્‍ડમાં વપરાતી દરેક વસ્‍તુ અમારી ગૌશાળા તેમજ કૃષિ-કાર્મનું ગાય આધારિત ઘરેલું ઉત્‍પાદન છે. અને નેચરલ ટેસ્‍ટએ ગાર્ડન ફેરીલેન્‍ડનું આગવાપણું છે. કુદરતી મેથડ દ્વારા તૈયાર થતી અને પીરસાતી દરેક વાનગી સુપાચ્‍ય હોય છે.

ગાર્ડન ફરીલેન્‍ડમાં બે એસેમ્‍બલી હોલ, પાર્ટી લોન્‍સ અને કીલ્લોલ પાર્કમાં નવા સાધનો સાથે આર.ઓ.વોટરની જગ્‍યાએ કેંગન વોટરનું નવીનીકરણ થઇ રહયુ છે. ગાર્ડન ફેરીલેન્‍ડના ગ્રાહકો સાથે અમારો પારિવારીક નાતો બંધાયેલો છે. સ્‍વ.વસંતભાઇ માલવિયા અને તેમના મિત્રો ગાર્ડનમાં જમવા આવે ત્‍યારે કહેતા કે પંજાબી જમતા તાજવાળા મુળજીભાઇએ કર્યા, ફલેટમાં રહેતા વાલજી બાપાએ કર્યા, અને ફેમિલી સાથે બહાર જમતા કરણાભાઇ માલધારીએ કર્યા. એવી કહેવત પણ અમોને ગૌરવ અને ખુશી અપાવે છે તેમ જણાવેલ.

૪૦ વર્ષ પહેલાએ જમાનામાં લોકોની હાઇવે ઉપરના રેસ્‍ટોરાની જે ધારણાઓ અને માન્‍યતાઓ હતી તેને ગાર્ડન ફેરીલેન્‍ડે ધળમુળથી બદલી નાખીને અનેક વિધ સુવિધાઓ ઉભી કરીને આગવા ઇતિહાસનું સર્જન કર્યુ છે. ફર્સ્‍ટ ટાઇમ ફેમિલી સાથે ગાર્ડન ફેરીલેન્‍ડથી આવવાની શરૂઆત થઇ જે આજ પર્યત ચાલુ હોવાનું જણાવેલ.

તસ્‍વીરમાં ગાર્ડન ફેરીલેન્‍ડના સંસ્‍થાપક કરણાભાઇ માલધારી (મો.૯૮૨૫૩ ૩૮૯૪૬), સંચાલક માંડણભાઇ માલધારી અને સિધ્‍ધાર્થ માલધારી નજરે પડે છે.

(12:01 pm IST)