Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

હોટેલ સંચાલક ધર્મેન્દ્રભાઇ માકડીયાની પેડક રોડ પટેલ પાર્કની દૂકાન ભાડૂઆત ખાલી કરતો નહોતો '૧૨ લાખ આપો તો જ દૂકાન ખાલી કરીશ'...પારસ ટોળીયા સામે લેન્ડગ્રેબીંગ હેઠળ ગુનોઃ ધરપકડ

એસીપી એસ. આર. ટંડેલ, પીઆઇ એમ. બી. ઓૈસુરા,પીએસઆઇ કે. યુ. વાળા અને ટીમની કાર્યવાહી

 

રાજકોટ તા. ૨૨ઃ લેન્ડ ગ્રેબીંગના નવા કાયદા હેઠળ વધુ એક ફરિયાદ નોંધાઇ છે. શહેરના એક હોટેલ સંચાલકે પેડક રોડ પટેલ પાર્કમાં ભાડેથી આપેલી પોતાની દૂકાનમાં ભાડૂઆતે શખ્સે કબ્જો જમાવી લઇ ખાલી ન કરતાં અને 'મને ૧૨ લાખ આપો તો ખાલી કરીશ' તેમ કહી બાદમાં વ્હોટ્સએપથી મેસેજ કરી 'છેલ્લે ૧૦ લાખ આપી દો તો દૂકાનનો કબ્જો સોપી દઉં' તેમ જણાવી ગેરકાયદેસર પૈસા માંગતા આ મામલે બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.

બનાવ અંગે પોલીસે સાધુ વાસવાણી રોડ પર ઓસ્કાર ટાવર-૩ ત્રીજો માળ બ્લોક નં. ૩૩૪માં રહેતાં ધર્મેન્દ્રભાઇ મનસુખભાઇ માકડીયા (પટેલ) (ઉ.૫૧)ની ફરિયાદ પરથી પારસ લલીતભાઇ ટોળીયા (રહે. સાધુ વાસવાણી રોડ, શ્યામલ વર્ટીક બી-૨૦૨, આલાપ ગ્રીન સીટી સામે) વિરૃધ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમના કાયદાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ધર્મેન્દ્રભાઇ માકડીયાએ પોલીસને જણાવ્યું છે કે મારે રઘુવીરપરામાં ધનરાજ પેલેસ નામે હોટેલ છે. પેડક રોડ પર પટેલ પાર્કમાં મારે એક દૂકાન છે. જે મેં ભાગીદાર સંજયભાઇ અરવિંદભાઇ લશ્કરી સાથે મળી વર્ષ ૨૦૧૯માં રમેશભાઇ લુણાગરીયા પાસેથી મેં ૬ લાખમાં ખરીદ કરી છે. રમેશભાઇએ આ દૂકાન પારસ ટોળીયાને ભાડેથી આપી હતી. પારસ દૂકાન ખાલી કરી આપશે તેમ રમેશભાઇએ સોદો થયો ત્યારે જણાવ્યું હતું.

પરંતુ બાદમાં અમને પારસ ટોળીયાએ સાટાખત બતાવ્યું હતું જેમાં રાજેશ ડુંગરભાઇ પીપળીયા (રહે. મોટા ખીજડીયા તા. પડધરી)ના કુલમુખત્યાર દરજ્જે દેવશીભાઇ ડુંગરભાઇ પીપળીયા (માધાપર)એ આ સાટાખત કરી આપ્યાની નોંધ હતી. પરંતુ તેમાં દૂકાનનો કબ્જો સોંપાયાનો કોઇ ઉલ્લેખ નહોતો. આ સાટાખત સાંઇઠ દિવસની મુદ્દતનું હતું. મુદ્દત પુરી થયા પછી દસ્તાવેજો કરાવ્યા નહોતાં. પચાસ ટકા હિસ્સો ભાગીદાર સંજયભાઇનો હોઇ તેમણે મને રૃા. ત્રણ લાખમાં વેંચી દેતાં દૂકાનનો સંપુર્ણ માલિક હું છું. લાઇટ બીલ અને વેરા બીલ પણ મારા નામે આવે છે. મેં આ દૂકાન પર લોન પણ લીધી છે.

મેં ભાડૂઆત પારસને અવાર નવાર મારી દૂકાન ખાલી કરવા જણાવ્યું હતું. પરંતુ તે ખાલી કરતો ન હોઇ ૧૩/૧/૨૧ના રોજ એડવોકેટ મારફત નોટીસ મોકલાવી હતી. ત્યારબાદ પારસને ફોન કરતાં તેણે મને કહેલું કે મને તમે ૧૨ લાખ આપો તો જ દૂકાન ખાલી કરીશ. એ પછી વ્હોટ્સએપથી મેસેજ કરી કહેલું કે હવે છેલ્લે ૧૦ લાખ આપી દો એટલે હું કબ્જો આપી દઉં. આમ તે ગેરકાયદેસર પૈસા માંગી દૂકાન ખાલી કરતો ન હોઇ કલેકટરશ્રીને અરજી કરી હતી. ત્યાંથી આ મામલે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ કાર્યવાહી કરવાની સુચના મળતાં બી-ડિવીઝનમાં ફરિયાદ કરી હતી.

પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમર મીણાની રાહબરીમાં એસીપી એસ.આર. ટંડેલ, પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ કે. યુ. વાળા, હેડકોન્સ. એચ. એચ. પરમાર અને હિરેનભાઇ દારોદરાએ જરૃરી કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી લીધી હતી.

(3:20 pm IST)