Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

મારમારી હડધુત કરવાના એટ્રોસીટીના ગુનામાં પકડાયેલ આરોપીઓના જામીન મંજુર

રાજકોટ તા. ર૧: અત્રે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહીતાની કલમ ૩ર૬, ૩ર૩, પ૦૪, ૧૧૪ તેમજ એટ્રોસીટી એકટની કલમ ૩(ર) (વીએ) તથા જી.પી. એકટ ૧૩પ(૧) મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ હતી અને જે સબ આરોપીની ધરપકડ થતા રાજકોટ સ્પેશીયલ એટ્રોસીટી કોર્ટમાં ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન મેળવવા અરજી કરતા અદાલતે જામીન અરજી મંજુર કરી હતી.

આ કેસની ટુંકમાં હકીકત એવી છેકે, આ કામના ફરીયાદી મહેશભાઇ ડાયાભાઇ ચુડાસમા જલારામ હોસ્પીટલમાં નોકરી કરે છે અને પોતાની એક એમ્બ્યુલન્સ પણ ધરાવે છે જેના માટે એક ડ્રાઇવર રાખેલ છે. તા. ૦પ/૦પ/ર૦ર૧ના રોજ પાંચ વાગ્યાના અરસામાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર ફરીયાદીને ટેલીફોનીક જાણ કરે છે કે કુલદીપ નકુમ તેની સાથે ઝગડો કરી જલારામ હોસ્પીટલમાં પેશન્ટ ભરવા ન આવતો તેવી ધમકી આપે છે અને આ કુલદીપ નકુમ જલારામ હોસ્પીટલમાં આવી ફરીયાદીને ગાળો આપી જ્ઞાતી પ્રત્યે હડધુત કરી અપમાનીત કરે છે અને ફરીયાદી તેની જલારામ હોસ્પીટલમાં નોકરી પુરી કરી રાત્રે આઠ વાગ્યાના અરસામાં કોઇ પેશન્ટને બાટલો ચડાવા જવાનું હોય પોતાનું મોટર સાયકલ લઇ પંચવટી મેઇન રોડ કાલાવાડ રોડ તરફ જતા પાછળથી કોઇ સતત હોર્ન વગાડતું હોય ફરીયાદી તેનું વાહન ઉભું રાખી દે છે તો બુલેટમાં કુલદીપ નકુમ તથા અજાણ્યા પાંચ ઇસમો હોય છે. અને આ લોકો એક સંપ કરી ફરીયાદીને લાકડી તથા ઢીકા પાટુનો માર મારે છે અને જ્ઞાતી પ્રત્યે હડધુત કરે છે અને ફરીયાદીના જમણા હાથમાં ફ્રેકચર કરી નાખે છે અને આ મારામારીમાં ફરીયાદીના મોબાઇલમાં પણ નુકશાની થાય છે અને તમામ આરોપીઓ ત્યાંથી જાતા રહે છે. ત્યારબાદ ફરીયાદીના મિત્ર ત્યાંથી નીકળતા ફરીયાદીને જલારામ હોસ્પીટલમાં લઇ આવે છે અને સારવાર આપે છે. જે સબબની ફરીયાદ માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી જેમાં આરોપી કુલદીપ નકુમ, રાજદીપ નકુમ અને પ્રવિણભાઇ રાઠોડની ધરપકડ કરી સ્પેશ્યલ એટ્રોસીટી કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપીને રાજકોટ જીલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ હતા.

ત્યારબાદ આ કામે ચાર્જશીટ થયા બાદ ત્રણેય આરોપીઓએ પોતાના એડવોકેટ શ્રી મારફત જામીન મુકત થવા રાજકોટની સ્પેશ્યલ એટ્રોસીટી કોર્ટમાં અરજી કરેલ હતી. જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટશ્રીએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા આરોપીઓને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ શ્રી સાહિસ્તાબેન એસ. ખોખર, શ્રી રણજીત એમ. પટગીર, મીતેશ એચ. ચાનપુરા તેમજ અમદાવાદના એડવોકેટ નબીલ ખાન રોકાયેલ હતા. 

(3:35 pm IST)