Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

વેપારીની પત્નીને વોટ્સએપમાં બિભત્સ વીડીયો મોકલી પરેશાન કરનાર ભરત ઝવેરીની ધરપકડ

પરિણીતાએ કામ વગર ફોન કરવાની ના પાડી પતિને વાત કરતા ભરતને છૂટો કરી દેવાયો હતો

રાજકોટ તા. ર૧ : કાલાવડ રોડ પર રહેતા કરિયાણાના વેપારીની પત્નીને મોબાઇલમાં  ફોન કરી વોટ્સએપમાં બિભત્સ વિડીયો મોકલી પરેશાન કરનાર તેની જ દુકાનમાં કામ કરતા શખસને પોલીસની સાઇબર ક્રાઇમની ટીમે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ પાસેના વિસ્તારમાં રહેતી પરીણીતા સોશ્યલ મિડીયા પર વોટ્સએપ, ફેસબુક સહિતની એપનો ઉપયોગ કરતા હોઇ, ગત તા.ર૪/૭/ના તે ઘરે હતા ત્યારે તેના પતિની કરિયાણાની દુકાન કે જે રૈયા રોડ વિસ્તારમાં આવેલી છે તેમાં કામ કરતા ભરત છોટાલાલ ઝવેરી (ઉ.૪૦) (રહે. હાલ ત્રણમાળીયા કવાર્ટર, રૈયા રોડ) એ  ફોન કરીને કયાં તમે ઘરે ? તેમ પુછતા પરિણીતાએ ફોન કરવાનું કારણ પુછતા ભરતે કહ્યું કે 'બસ તમારી સાથે વાત કરવાફોન કરેલ છે' તેમ કહેતા પરિણીતાએ તેને  કામ વગર ફોન કરવાની ના પાડી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં પરિણીતાએ આ બાબતે તેના પતિને વાત કરતા તેણે ભરતને દુકાનેથી છૂટો કરી દીધો હતો. દરમ્યાન પાંચેક દિવસ પહેલા ભરતે ફરીથી પરિણીતાને ફોન કરતા તેણે ફોન કરવાનું કારણ પુછી હવે ફોન નહી કરવાનું કહેતા 'પછી ફોન કરીશ' કહી ભરતે ફોન કાપી નાખ્યો હતો. આ સાથેજ પરિણીતાએ તેનો નંબર બ્લોક કરી દીધો હતો. તેમ છતા ભરતે તેના વોટ્સએપ મારફતે પરિણીતાના વોટ્સએપમાં દસેક બિભત્સ વીડીયો મોકલતા તેણે તેનો વોટ્સએપ નંબર પણ બ્લોક કરી પતિને વાત કરતા અંતે ફરીયાદ નોંધાવતા સાયબર ક્રાઇમના એ.એસ.આઇ.જે. કે. જાડેજાએ પરિણીતાની ફરિયાદ દાખલ કરી ભરત છોટાલાલ ઝવેરી (ઉ.૪૦) (રહે.મુળ ચમારડી તા. બાબરા) હાલ રૈયા ત્રણ માળીયા કવાર્ટર) ની ધરપકડ કરી હતી. 

(2:57 pm IST)