Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

કોરોનાની ત્રીજી લહેરના પડઘા ? રાજકોટમાં પાંચ મહિનાના બાળકનું મોત

સિવિલ હોસ્પિટલના પિડિયાટ્રીક વિભાગના કોરોના વોર્ડમાં દાખલ થયેલ ઘનશ્યામનગર કોઠારિયા રોડ વિસ્તારના બાળકનું મોત થતા ચિંતાનું મોજ

રાજકોટ તા. ૨૧ : શહેરમાં કોરોનાની બીજી લહેર હવે લગભગ સમાપ્ત થઇ ગઇ છે. છેલ્લા અઠવાડિયાથી '૦' કેસ છે પરંતુ ગઇકાલે સિવિલ હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગમાં ૫ મહિનાના બાળકનું કોરોનાથી મૃત્યુ નિપજતા ચિંતાનું મોજું પ્રસર્યુ છે.

આ અંગે સિવિલ હોસ્પિટલના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ગઇ તા. ૧૯ના રોજ પિડિયાટ્રીક વિભાગમાં ૫ મહિનાના બાળકને (રહે. ઘનશ્યામનગર, કોઠારીયા રોડ), દાખલ કરાયેલ જેનો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કોરોના પોઝિટિવ આવેલ તેની હાલત ગંભીર હોઇ વેન્ટીલેટર ઉપર રાખવામાં આવેલ દરમિયાન આજે સવારે આ બાળકનું મોત નિપજ્યું હતું.

મ.ન.પા.ની આરોગ્ય ટીમો દ્વારા ઘનશ્યામનગરમાં સર્વે

આમ, કોરોનાને કારણે ઘનશ્યામનગરના આ બાળકનું મૃત્યુ થતાં મ.ન.પા.ના આરોગ્ય વિભાગની ટીમો ઘનશ્યામનગરમાં દોડાવાઇ હતી. જ્યાં મરનાર બાળકના કુટુંબીજનો માતા - પિતા તેમજ આસપાસના વિસ્તારોમાં કોરોના ટેસ્ટીંગ અને સર્વેની કામગીરી શરૂ કરી દેવાઇ હતી.

૪ દર્દીઓ સારવાર હેઠળ

નોંધનીય છે કે સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં હજુ ૪ દર્દીઓ સારવાર હેઠળ છે.

સાવચેતી જરૂરી

અત્રે નોંધનીય છે કે હવે કોરોનાના નવા કેસ નથી નોંધાઇ રહ્યા ત્યારે લોકો થોડા હળવા - બેફીકર થઇ રહ્યા છે પરંતુ આ નાના બાળકના મોતની ઘટના લાલબત્તી સમાન છે. આથી શહેરીજનોએ સૌ પ્રથમ કોરોના રસી લેવામાં આળસ ન કરવી જોઇએ અને તહેવારોમાં પણ ભીડમાં એકત્રીત થવું ન જોઇએ તેમજ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઇએ.

(3:37 pm IST)