Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

પાટણની ઘટનાના વિરોધમાં રાજકોટમાં ૮૦ ફુટ રોડ પર ટાયરો સળાગાવાયાઃ ચક્કાજામ

વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાએ પોલીસ-ફાયર બ્રિગેડને જાણ કરીઃ વાહનોની લાંબી કતારોઃ પોલીસે રસ્તો ખુલ્લો કરાવ્યો

એંસી ફુટ રોડ પર ડો. બાબાસાહેબ આંબેડકર પ્રવેશ દ્વાર પાસે સવારે દલિત સમાજના લોકોએ ટાયરો સળગાવતાં ચક્કાજામ થઇ ગયા હતાં. તસ્વીરોમાં આગ બુઝાવતી પોલીસ, વિરોધ પક્ષના તેના વશરામ સાગઠીયા તથા અન્ય ભેગા થઇ ગયેલા લોકો તથા વાહનો અટવાઇ ગયા હતાં તે જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯: પાટણ જીલ્લાના સમી તાલુકાના દુદખા ગામના વિનૃત તલાટી મંત્રી અને સામાજીક કાર્યકર ભાનુભાઇ જેઠાલાલ વણકરે ગુરૂવારે પાટણ કલેકટર કચેરી ખાતે આત્મવિલોપન કરતાં અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું મૃત્યુ નિપજતાં દલિત સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. આ બનાવનો સોૈરાષ્ટ્ર ભરના દલિત સમાજે વિરોધ કર્યો હતો અને ઠેર-ઠેર રસ્તા પર ટાયરો સળગાવી ચક્કાજામ કર્યા હતાં. તે અંતર્ગત આજે સવારે રાજકોટમાં પણ એંસી ફુટ રોડ પર ડો. બાબાસાહેબ આંબેડકર પ્રવેશદ્વાર પાસે દલિત સમાજના લોકો ભેગા થયા હતાં અને રસ્તા પર પંદરેક ટાયરો સળગાવતાં ચક્કાજામ થઇ ગયા હતાં. ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ થતાં તાકીદે કાફલો પહોંચ્યો હતો અને વીસેક મિનીટ બાદ રસ્તો ખુલ્લો થયો હતો.

પાટણના સામાજીક કાર્યકર ભાનુભાઇ વણકરે આત્મવિલોપન કર્યાની ઘટનાના સોૈરાષ્ટ્રભરમાં ઘેરા પડઘા પડ્યા હતાં. ગઇકાલે ઠેર-ઠેર દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આજે સવારે રાજકોટ એંસી ફુટ રોડ પર ડો. બાબા સાહેબ આંબેડકર પ્રવેશ દ્વાર પાસે દલિત સમાજના લોકો ભેગા થયા હતાં અને રસ્તા પર ટાયરો મુકી આગ ચાંપી દેતાં બંને તરફના રસ્તા પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ વખતે વિરોધ પક્ષના તેના વશરામભાઇ સાગઠીયા, ગિરીશભાઇ વાણીયા સહિતનાને જાણ થતાં ત્યાં પહોંચી પોલીસને તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર ફાઇટરોએ આગ બુઝાવી હતી. પોલીસ કાફલો પહોંચી જતાં ટાયરો સળગાવનારા નીકળી ગયા હતાં. ચક્કાજામને કારણે ડો. બાબાસાહેબ આંબેડકર પ્રવેશદ્વારથી છેક ૮૦ ફુટ ચોકડી સુધી વાહનોની કતાર લાગી ગઇ હતી. પોલીસ કાફલાએ પહોંચી ટ્રાફિક કલીયર કરાવ્યો હતો. વશરામભાઇ સાગઠીયાના કહેવા મુજબ પાટણની ઘટનાના વિરોધમાં ટાયરો સળગાવવામાં આવ્યા હતાં. હું ત્યાંથી પસાર થતાં મેં ડીસીપીને, પોલીસ કન્ટ્રોલ રૂમમાં અને ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો. અંદાજે અડધો કલાક સુધી વાહનોના ચક્કાજામ થયા હતાં.

(4:27 pm IST)