Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

દોડયુ રાજકોટ....જીત્યુ :કેન્યા મેરેથોનમાં ૬૦ હજારથી વધુ દોડયા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ફલેગ ઓફ કર્યું: નાનેરા, મોટેરા સૌ કોઇ વહેલી સવારે ઉમટયાઃ શહેરમાં માનવ કીડીયારૂ ઉભરાયુ : રાજકોટ એકતાનું પ્રતિકઃ વિજયભાઇ રૂપાણી

રાજકોટ તા. ૧૯ : રાજકોટ મહાનાગરપાલિકા તથા રાજકોટ શહેર પોલીસ દ્વારા આયોજિત રાજકોટ મેરેથોન-૨૦૧૮માં અંદાજે ૬૪ હજારથી વધુ દોડવીરોએ ભાગ લઇ એક ઇતિહાસ રચ્યો છે. આ મેરેથોનનું ફલેગ ઓફ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગઇકાલે વહેલી સવારે ૫.૩૦ કલાકે કરવામાં આવ્યું.

આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, સતત ત્રીજા વર્ષે મેરેથોન-૨૦૧૮નું સફળ આયોજન કરવા બદલ સ્થાનિક વહીવટી તંત્ર અને તેમ પુરતો સહયોગ આપનાર પ્રજાજનોને ખુબ ખુબ અભિનંદન. રાજકોટની એક અલગ છાપ છે કે, મોડી રાત સુધી રેસકોર્ષની પાળીએ બેસવું અને આઈસક્રીમ ખાવો અને બપોરે જમીને સુઈ જવું, પરંતુ સવારે ચાર વાગ્યાથી આખું શહેર દોડવા માટે રેસકોર્ષમાં આવી ગયું હોય તેમ લાગે છે. ૫ કી.મિ. દોડવું એ પણ સારી વાત છે ત્યારે આ મેરેથોન માં તો ૧૦,૨૧ અને ૪૨ કી.મી. સુધી દોડવાના છે, લોકોને સતત દોડવું છે. અટકાવું નથી. સતત દોડતા રહી વિકાસની સાથે જોડાવું છે. આજની આ દોડ રાજકોટની એકતાનું પ્રતિક છે. અંદાજે ૭૫ હજારથી વધુ લોકો એક દિશામાં દોડી રહ્યા છે તે આજની મેરેથોન પરથી સાબિત થાય  છે. અંદાજે રૂ.૨૦કરોડના ખર્ચે રાજકોટ સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશન શરૂ કરાયું છે ત્યારે હવે આંતર રાષ્ટ્રીય કક્ષાએ રાજકોટનું નામ રોશન થશે.

આ પ્રસંગે ઇન્કમટેક્ષના પ્રિન્સિપલ ચીફ કમિશનર વિનોદ કુમાર પાંડેએ પોતાના ટુંકા વકતવ્યમાં જણાવેલ કે, આજની આ મેરેથોન ભારતની સૌથી મોટી મેરેથોન છે. રાજકોટ મહાનગરપાલિકા જેમ સ્વચ્છ રાજકોટ અભિયાન ચલાવે છે તે, ઇન્કમટેક્ષ વિભાગ સ્વચ્છ ધન અભિયાન ચલાવે છે. લોકો સમયસર ટેક્ષ ભરી દેશના વિકાસમાં સહયોગ આપે તેવી હું અપીલ કરું છું.

રાજકોટ મેરેથોન-૨૦૧૮નુ સમાપન થતા વિજેતાઓને મેયર ડો.જૈમન ઉપાધ્યાય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને કલેકટર વિક્રાંત પાંડે, ઇન્કમટેક્ષ પ્રિન્સિપલ ચીફ કમિશનર વિનોદકુમાર પાંડે, ડે.કમિશનર અરુણબાબુ તથા સી.કે.નંદાણી વિ. ના હસ્તે લાખેણા ઇનામો અપાયેલ હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને કલેકટર વિક્રાંત પાંડે એ કર્યું હતું જયારે મહાનગરપાલિકાના પદાધીકારીઓ તથા શહેર ભાજપના હોદેદારો ફૂલહારથી મુખ્યમંત્રીનું સ્વાગત કરેલ હતું. તેમજ મંચસ્થ મહાનુભાવોનું પુસ્તકથી સ્વાગત સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકરએ કરેલ હતું. આ પ્રસંગે સ્વાગત પ્રવચન મ્યુનીસીપલ કમિશનર બંછાનિધિપાની એ કરેલ અને આભાર દર્શન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલએ કર્યું હતું.

આ પ્રસંગે રાજકોટ સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશનનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન કરવામાં આવેલ.

આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.જૈમન ઉપાધ્યાય ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, રાજકોટ શહેર ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, ગુજરાત મ્યુનિ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચા રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરિયા, વિરોધ પક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ઇન્કમટેક્ષના પ્રિન્સિપલ ચીફ કમિશનર વિનોદકુમાર પાંડે, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, દેવાંગભાઈ માંકડ, વિક્રમભાઈ પુજારા, માર્કેટ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર, આરોગ્ય સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, વોટરવર્કસ કમિટીના ચેરમેન દલસુખભાઈ જાગાણી, બીનાબેન આચાર્ય, સહિતના કોર્પોરેટરો તથા મહાનગરપાલિકાના અધિકારીઓ ડે.કમિશનર અરુણ મહેશ બાબુ, ડી.જે.જાડેજા, સી.કે.નંદાણી, ચીફ ઓડિટર કમલેશ ઠાકોર, સિટી એન્જિનિયર અલ્પનાબેન મિત્રા, મહેન્દ્ર કામલીયા, ચિરાગ પંડ્યા, પર્યાવરણ અધિકારી નિલેશ પરમાર તથા મેરેથોનને સ્પોન્સર કરનાર જુદી જુદી સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ વિરોધ પક્ષના કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(4:19 pm IST)