Gujarati News

Gujarati News

News of Saturday, 19th March 2022

નરેશભાઈ પટેલનો મોટો ખુલાસો: ભાજપ અધ્યક્ષ સાથે થાય છે રેગ્યુલર વાતચીત :કેજરીવાલને પણ મળ્યો હતો

નરેશભાઈએ કહ્યું - મેં દિલ્હીની શાળાઓની પણ મુલાકાત લીધી:સમાજ કોઈ બે ત્રણ વ્યક્તિઓનો નથી સમાજ ખૂબ જ મોટો છે તમામની સલાહ લઈને હું રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ તે અંગે નિર્ણય લઈશ.

રાજકોટના ગોંડલ રોડ પર આવેલા કન્યા છાત્રાલયમાં લેઉવા પાટીદાર સમાજની બેઠક શરૂ થઈ છે. કોરોનાના કારણે બે વર્ષથી લેઉવા પાટીદાર સમાજ ટ્રસ્ટની બેઠક નહોતી મળી. ત્યારે આખરે બે વર્ષ બાદ આ બેઠક મળી છે. બેઠકના એજન્ડા અંગે જયેશ રાદડિયા દ્વારા એક પ્રેસ-કોન્ફરન્સ કરવામાં આવી હતી. જે પ્રેસ કોન્ફરન્સમાં જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, બેઠકમાં માત્રને માત્ર લેઉવા પાટીદાર સમાજ દ્વારા નિર્મિત મથુરા, નાથદ્વારા, દ્વારિકા અને સોમનાથમાં ચાલી રહેલા સમાજના નિર્માણ કાર્યના લેખા જોખા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. બેઠકમાં કોઈ પણ પ્રકારની રાજકીય ચર્ચા કરવામાં નહિ આવે.

ત્યારે સાંજે 5 વાગ્યાના અરસામાં લેઉવા પાટીદાર સમાજ ટ્રસ્ટની બેઠક મળી છે. બેઠકમાં ખોડલધામના નરેશ પટેલ, જયેશ રાદડિયા, પરેશ ગજેરા, હંસરાજ ગજેરા, ડી.કે.સખીયા સહિતના આગેવાનો હાજર રહ્યા છે. ત્યારે બેઠક શરૂ થાય તે પૂર્વે નરેશ પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં નરેશ પટેલ દિલીપ સંઘાણીએ જે નિવેદન આપ્યું હતું તેના પર પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે.

નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં જેમ પહેલાં જણાવ્યું તે પ્રમાણે આગામી 20 થી 30 માર્ચ સુધીમાં હું મારો નિર્ણય જાહેર કરીશ. ગુજરાત ભાજપ અધ્યક્ષ સાથે મારે રેગ્યુલર વાતચીત થતી રહે છે. હું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ મળ્યો હતો. તે સમયે મેં દિલ્હીની શાળાઓની પણ મુલાકાત લીધી હતી. સમાજ કોઈ બે ત્રણ વ્યક્તિઓનો નથી સમાજ ખૂબ જ મોટો છે તમામ ની સલાહ લઈને હું રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ તે અંગે નિર્ણય લઈશ.

 અત્રે ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલે ચાર મહિના અગાઉ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, જો મારો સમાજ કહેશે તો હું રાજકારણમાં પ્રવેશ કરીશ. ત્યારે બે દિવસ પૂર્વે મીડિયા સાથેની વાતચીતમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ મીડિયાના માધ્યમથી આડકતરો કટાક્ષ કરતા કહ્યું હતું કે સમાજ કોણ? સમાજ ની વ્યાખ્યા શું? લેઉવા પાટીદાર સમાજની સૌથી જુની સંસ્થાના પ્રમુખ તરીકે હું કાર્યરત છું.

પરંતુ મારી સાથે રાજકારણ માં જોડાવા બાબતે નરેશભાઇ પટેલે કોઈપણ જાતની વાતચીત નથી કરી. ત્યારે આગામી દિવસોમાં નરેશભાઈ પટેલ જો મારી સાથે આ બાબતે વાતચીત કરશે તો ચોક્કસપણે તેમના અભિપ્રાય આપીશ. તો સાથે જ નરેશ પટેલના નામે વધુ એક હાર્દિક પટેલ સમાજને ન મળે તે બાબતનો પણ કટાક્ષ દિલીપ સંઘાણીએ કર્યો હતો.

(10:26 pm IST)