Gujarati News

Gujarati News

News of Saturday, 19th March 2022

રાજકોટ જિલ્લામાં ઉભા થઇ ગયેલા તમામ દબાણો દૂર કરવા કલેકટરના આદેશો : ગામડાના રસ્‍તાઓ તાકિદે પૂરા કરવા સૂચના

સમયસર કામ ન કરતી એજન્‍સીઓને બ્‍લેકલીસ્‍ટ કરો : ફરિયાદ સંકલનમાં કલેકટરની અધિકારીઓને તાકિદ : સોમવાર સુધીમાં રિપોર્ટ મંગાવાયો

રાજકોટ તા. ૧૯ : રાજકોટ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આજે કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુ ના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઈ હતી.આ બેઠકમાં ધારાસભ્‍યશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના નિકાલ માટે સંબંધિત અધિકારીઓને સમયમર્યાદામાં કામગીરી કરવા માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

જસદણ વિસ્‍તારના ધારાસભ્‍ય કુંવરજીભાઇ બાવળિયા તેમજ ધારાસભ્‍ય લાખાભાઈ સાગઠીયા એ તેમના વિસ્‍તારમાં જનસેવાના કામો અંગે કરવાની થતી કાર્યવાહી અને તેના નિકાલ માટે રજુ કરેલ પ્રશ્ન અંગે સંબંધિત વિભાગ દ્વારા જવાબ આપી સત્‍વરે કામગીરી કરવા અંગે ખાતરી આપવામાં આવી હતી.

કલેકટરશ્રીએ દબાણ હટાવવાની કામગીરી તેમજ ગ્રામ્‍ય રસ્‍તાના કામો ઉપરાંત એસટી સેવા અને જુદાજુદા વિભાગો વચ્‍ચે સંકલન કરીને સોમવાર સુધીમાં જરૂરી અહેવાલ કરવા પણ જણાવ્‍યું હતું. જે કોન્‍ટ્રાક્‍ટ એજન્‍સીઓ સમયમર્યાદામાં કામ પૂર્ણ  ના કરે એમને બ્‍લેકલિસ્‍ટ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી.

પીવાના પાણીના પ્રશ્નો તેમજ આવશ્‍યક સેવા અંગે તાલુકા કક્ષાએ પણ સમયાંતરે રીવ્‍યુ કરવા સૂચના આપવામાં આવી હતી. જુદી જુદી યોજનાઓના ખાસ કરીને સામાજિક સેવા અંગેના લાભાર્થીઓને તાલુકા કક્ષાએ લાભ મળે તે માટે સંબંધિત અધિકારીઓને દરેક તાલુકામાં કેમ્‍પ કરવા પણ માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

આ બેઠકમાં ધારાસભ્‍યશ્રી કુંવરજીભાઇ બાવળિયા, ધારાસભ્‍યશ્રી લાખાભાઈ સાગઠીયા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભુપતભાઈ બોદર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી, રિજિયોનલ મ્‍યુનિસિપલ કમિશનર શ્રી ધીમંત કુમાર વ્‍યાસ ,રૂરલ એસપી શ્રી બલરામ મીણા, અધિક કલેકટર શ્રી ઠક્કર તેમજ પ્રાંત અધિકારીઓ અને સંબંધિત કચેરીઓના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:25 pm IST)