Gujarati News

Gujarati News

News of Saturday, 19th March 2022

ના પાડી તો'ય મારી પત્‍નિની સામે જોતો'તો એટલે પતાવી દીધોઃ રમેશને ઢાળી દેનાર અમિત ઝડપાયો

હોળીની રાતે ગોકુલધામ આવાસ ક્‍વાર્ટરમાં ખાંટ રજપૂત યુવાનની છરીના ઘા ઝીંકી હત્‍યા : હત્‍યાનો ભોગ બનેલો મુળ જામકંડોરણાના અડવાલનો યુવાન એક મહિના પહેલા જ ક્‍વાર્ટરમાં રહેવા આવ્‍યો'તોઃ રમેશના રૂમમાં ઘુસી અમિત છરીથી તૂટી પડયોઃ પડખા અને પગમાં ઝીંકેલા ઘા જીવલેણ નીવડયાઃ માલવીયાનગર પોલીસે આરોપી ૨૭ વર્ષના અમિત ચોૈહાણને રાતોરાત પકડી લઇ છરી કબ્‍જે કરી

હત્‍યાનો આરોપી અમિત જયંતિભાઇ ચોૈહાણ

હત્‍યાનો ભોગ બનેલા રમેશભાઇ રાઠોડનો નિષ્‍પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો અને વિગતો જણાવનારા તેના નાના ભાઇ કાળુભાઇ રાઠોડ નજરે પડે છે

રાજકોટ તા. ૧૯: હોળીની રાતે શહેરમાં હત્‍યાની ઘટના બની હતી. ગોકુલધામ આવાસ યોજના ક્‍વાર્ટરમાં એકલા ભાડેથી રહેતાં ખાંટ રજપૂત યુવાન પર પડોશમાં જ રહેતાં શખ્‍સે ‘તું મારી પત્‍નિની સામે જોવે છે' તેવી શંકા કરી ઝઘડો કરી તેની રૂમમાં ઘુસી જઇ છાતી-પગમાં છરીના બે ઘા ઝીંકી પતાવી દેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. માલવીયાનગર પોલીસે આરોપીને રાતોરાત અટકાયતમાં લઇ લીધો હતો. તેણે રટણ કર્યુ હતું કે રમેશ મારી પત્‍નિ સામે જોતો હતો, સમજાવવા છતાં ન સમજતાં ઝઘડો થયો હતો અને મેં છરીથી હુમલો કરી દીધો હતો. હત્‍યાનો ભોગ બનનારે બબ્‍બે લગ્ન કર્યા હતાં. પણ બંને પત્‍નિથી અને સંતાનોથી અલગ એકલો જ રહેતો હતો.

આ બનાવમાં પોલીસે હત્‍યાનો ભોગ બનેલા રમેશભાઇ રાઠોડના નાના ભાઇ પુનિતનગર આવાસ યોજના ક્‍વાર્ટર પાછળ કર્મચારી સોસાયટી-૧૬માં ભાડેથી રહેતાં કાળુભાઇ દેવશીભાઇ રાઠોડ (ખાંટ રજપૂત) (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી રમેશભાઇના પડોશમાં જ ગોકુલધામ આવાસ યોજના ક્‍વાર્ટરમાં રહેતાં રિક્ષાચાલક અમિત જયંતિભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૭-રહે. ગોકુલધામ આવાસ યોજના ક્‍વાર્ટર બ્‍લોક નં. ૩૫, રૂમ નં. ૧૭૧૬)  વિરૂધ્‍ધ આઇપીસી ૩૦૨, ૪૪૯ અને જીપીએક્‍ટ ૧૩૫ (૧) મુજબ હત્‍યાનો ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે.

કાળુભાઇએ પોલીસને જણાવ્‍યું છે કે  અમે મુળ જામકંડોરણાના અડવાલ ગામના વતની છીએ. અમે ત્રણ બહેનો અને બે ભાઇઓ છીએ. જેમાં હત્‍યા થઇ એ રમેશભાઇ ત્રીજા નંબરે હતાં. અમે બંને ભાઇઓ વર્ષોથી રાજકોટમાં રહીએ છીએ અને અમારા બા રૂડીબેન તથા પિતા દેવશીભાઇ જેઠાભાઇ વતન અડવાલમાં રહે છે.

મારા ભાઇ રમેશભાઇ (ઉ.વ.૪૦) અગાઉ વિનાયક નગરમાં રહેતાં હતાં અને એકાદ મહિનાથી ગોકુલધામ ક્‍વાર્ટર નં. ૧૭૧૫ બ્‍લોક નં. ૩૫માં ભાડેથી એકલા રહેતાં હતાં અને છુટક ડ્રાઇવીંગ કરતાં હતાં. તેના પત્‍નિ પ્રભાબેન બે સંતાન રાજલ (ઉ.૧૮) અને ચિરાગ (ઉ.૧૬) સાથે શ્રીનાથજી સોસાયટીમાં અલગ રહે છે. તેની સાથે મારા ભાઇને બનતું ન હોઇ બાદમાં મારા ભાઇએ નવલનગરની ભાવનાબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. તેના થકી પણ બે સંતાન છે. તેની સાથે પણ મનમેળ ન થતાં ભાવનાબેન પણ સંતાનો સાથે મારા ભાઇથી અલગ નવલનગરમાં રહે છે.

હોળીની ૧૭/૩ના રાતે સાડા અગિયારેક વાગ્‍યે હું ઘરે સુતો હતો ત્‍યારે ભાણેજ રવિ જે નજીકમાં રહે છે તેણે મને જગાડીને વાત કરી હતી કે મને આપણા ઓળખીતા વલ્લભભાઇ મારફત જાણવા મળ્‍યું છે કે મામા રમેશભાઇને ગોકુલધામમાં માથાકુટ થઇ છે. જેથી મેં ભાઇ રમેશભાઇના ફોનમાં ફોન કરતાં બીજા કોઇએ ઉપાડયો હતો અને કહ્યું હતું તે તમારા ભાઇને છાતીમાં છરી લાગી ગઇ છે, તેને દોશી હોસ્‍પિટલમાં લઇ જઇએ છીએ. થોડીવાર પછી ફરીથી મેં ફોન કરતાં અજાણ્‍યા વ્‍યક્‍તિએ ઉપાડયો હતો અને કહ્યું હતું કે તમારા ભાઇ ગુજરી ગયા છે, તેને સિવિલ હોસ્‍પિટલે લઇ જઇએ છીએ.

આથી હું અને મારા પત્‍નિ નીતા અને મારા બહેન લાભુબેન અમે તુરત સિવિલ હોસ્‍પિટલે પહોંચ્‍યા હતાં. જ્‍યાં ડોક્‍ટર મારફત જાણવા મળ્‍યું હતું કે રમેશભાઇ ગુજરી ગયા છે. અમે લાશ જોતાં છાતીની ડાબી બાજુ અને ડાબા પગે ઢીચણ નીચે તિક્ષ્ણ હથીયારની ઇજાના નિશાન હતાં. રમેશભાઇના પડોશીઓ દ્વારા જાણવા મળ્‍યું હતું કે રાતે સાડા દસેક વાગ્‍યે તમારા ભાઇ રમેશભાઇને તેના પડોશમાં રહેતાં અમિત જયંતિભાઇ ચોૈહાણે માથાકુટ કરી છરી મારી દીધી છે. અમિતે મારા ભાઇ રમેશભાઇને ‘તું મારી પત્‍નિની સામે જોવે છે' તેમ કહી શંકા કરી ઝઘડો કરી મારા ભાઇ રમેશભાઇની રૂમમાં જઇ છરીથી હુમલો કરી ઘા ઝીંકી દીધા હતાં. આ વાત રમેશભાઇના પડોશીઓએ કરી હતી.

હોળીની રાતે ખૂનની ઘટના બનતાં પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, એએસઆઇ ઘનશ્‍યામભાઇ મેણીયા, હેડકોન્‍સ. મશરીભાઇ ભેટારીયા, દિગ્‍પાલસિંહ જાડેજા, ધર્મરાજસિંહ જાડેજા, અરૂણભાઇ બાંભણીયા, મયુરભાઇ મિયાત્રા, કોન્‍સ. કુલદિપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, રોહિતભાઇ કછોટ, અંકિતભાઇ નિમાવત, હિતેષભાઇ અગ્રાવત, રઘુવીરસિંહ સહિતે તપાસ હાથ ધરી આરોપી અમિતને પકડી લઇ છરી કબ્‍જે કરી વિશેષ પુછતાછ યથાવત રાખી છે. (૧૪.૬)

 

રમેશે બબ્‍બે પ્રેમલગ્ન કર્યા હતાં પણ બંને પત્‍નિ અને બંનેના બબ્‍બે મળી ચાર સંતાનોથી અલગ, એકલો રહેતો હતોઃ છુટક ડ્રાઇવીંગ કરતો હતો

 રમેશ જ્‍યાં રહેતો હતો તેના પડોશમાં રહેતાં અમિત ચોૈહાણે જ તેની હત્‍યા કરી હતી. અમિતની પત્‍નિ સામે રમેશ જોતો હોવાની બાબતે અમિત સાથે માથાકુટ થતાં આ હત્‍યા થઇ હતી. હત્‍યાનો ભોગ બનેલા રમેશ રાઠોડે પ્રથમ લગ્ન પ્રભા સાથે કર્યા હતાં. તેનાથી એક દિકરો અને એક દિકરીનો પિતા બન્‍યો હતો. એ પ્રેમલગ્ન હતાં. પરંતુ પ્રભા સાથે ન મળતાં તેણી અલગ રહેવા જતી રહી હતી. એ પછી રમેશે નવલનગરની ભાવના સાથે પણ પ્રેમલગ્ન કર્યા હતાં. તેના થકી પણ બે સંતાનનો પિતા બન્‍યો હતો. પરંતુ ભાવના સાથે પણ મનમેળ ન થતાં તેણી પણ અલગ રહેવા જતી રહી હતી. બે પત્‍નિ અને ચાર સંતાનોથી રમેશ એકલો અલગ રહેતો હતો. સંતાનોને ક્‍યારેક મળવા જતો હતો. તે છુટક ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતો. બનાવને પગલે પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. 

(11:33 am IST)