Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

વૃદ્ધોને નિશાન બનાવી ચીલઝડપના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી નામંજુર

રાજકોટ, તા. ૧૯ :. અત્રે સીનીયર સીટીઝનોને નિશાન બનાવી ગળામાંથી ચેઈનની ચીલઝડપ કરનાર આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ્દ કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા. ૧૭-૭-૨૧ના રોજ રૈયા રોડ ઉપર આવેલ તિરૂપતિનગર-૨માં રહેતા સીનીયર સીટીઝન ફરીયાદી ચંદ્રકાંતભાઈ લક્ષ્મણભાઈ પાંઉએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવેલ કે તે ઘર પાસે પક્ષીઓને ચણ નાખતા હતા ત્યારે એક વ્યકિતએ સરનામુ પૂછવાના બહાને તેની પાસે આવી ગળામાં પહેરેલા સોનાના ચેઈનની ચીલઝડપ કરી ભાગી ગયેલ તે ગુન્હામાં પોલીસે આરોપી અજીજભાઈ જુસબભાઈ ઉઠાર રહે. આર.એમ.સી. કવાર્ટર સાધુ વાસવાણી રોડવાળાની ધરપકડ કરી જેલ હવાલે કરેલ.

જેલમાંથી આરોપી અજીજભાઈ ઉઠારે જામીન ઉપર છૂટવા ચાર્જશીટ પછી જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે આરોપી સામે અગાઉ આવા ચીલઝડપના અનેક કેસો નોંધાયેલ છે અને આરોપી આવી રીતે સરનામા પૂછી અનેક સીનીયર સીટીઝનોને નિશાન બનાવેલ છે અને જો તેને જામીન આપવામાં આવશે તો ફરી આવા ગુન્હા કરશે અને વૃદ્ધ લોકોને ઘરની બહાર નિકળવુ મુશ્કેલ થશે તે રજૂઆતને ધ્યાને લઈ સેસન્સ જજશ્રી યુ.ટી. દેસાઈએ જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા.

(2:40 pm IST)