Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ગુજરાત આતંકવાદ સંગઠિત અપરાધી નિયંત્રણ હેઠળના ગુનામાં આરોપીના વચગાળાના જામીન મંજુર

રાજકોટ તા. ૧૯: થોરાળા પોલીસ સ્ટેશન, રાજકોટ ખાતે તા. ૧૯-૮-ર૦ર૦ના રોજ તા. ૦૧-૦૧-ર૦૧૦ થી તા. ૧૮-૦૬-ર૦ર૦ સુધી બનેલ બનાવ બારાની ફરિયાદ જી.એમ. હડીયા, રહે. રાજકોટવાળાએ ઇરફાન ભીખુભાઇ રાઉમા વિગેરે ૧૧ સામે ગુજરાત આતંકવાદ અને સંગઠીત અપરાધ નિયંત્રણ (જી.સી.ટી.ઓ.સી.) અધિનિયમ-ર૦૧પ ની કલમો ૩(ર), ૩(૪) મુજબની એફ.આઇ.આર. નોંધાવેલ. જે સંદર્ભે ઇરફાન ભીખુભાઇ રાઉમા તથા આરોપીઓની પોલીસ અમલદારોએ અટક કરતા, છેલ્લા દોઢ વર્ષથી તમામ આરોપીઓ જેલ હવાલે છે. આ દરમ્યાન આરોપી ઇરફાન ભીખુભાઇ રાઉમાએ રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં વચગાળાના જામીન અરજી ગુજારતા જે વચગાળાની જામીન અરજી મંજુર રાખી અરજદારને શરતી વચગાળાના જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

બનાવની હકીકત એવી છે કે, ધી ગુજરાત કન્ટ્રોલ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ (જી.સી.ટી.ઓ.સી.) એકટ-ર૦૧પ ની કલમો ૩(ર), ૩(૪) મુજબ એવી રીતે કે સંગઠીત ગુન્હાઓ આચરતી ટોળી (ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટ) ના સાગરીતોના ગુન્હાઓ જેમાં ખુન, આર્મ્સ એકટ, વિસ્ફોટક નિયંત્રણ ધારા ભંગ, લુટ, ચોરી, છેડતી, ધમકીઓ રાયોટીંગ, જીવલેણ હુમલાઓ જેવા ગુન્હાઓ આચરેલ હોય આ ટોળી સાથે મળીને સંગઠીત થઇ રાજકોટ શહેર તથા વિસ્તારમાં પ્રજામાં ભય ફેલાવી પોતાની ધાક ઉભી કરવાના હેતુથી એક બીજા સાથે પોતાનું નેટવર્ક ઉભું કરેલ છે. આમ ઉપરોકત તમામ સાગરીતોએ ધી ગુજરાત કન્ટ્રોલ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ (જી.સી.ટી.ઓ.સી.) એકટ-ર૦૧પ આચરતી ટોળી છે, અને તેઓ એક બીજા સાથે સંગઠીત થઇ આવા ગુન્હાઓ કરેલ.

અરજદારના એડવોકેટ કૌશિક એમ. ખરચલીયાએ ઉચ્ચ અદાલતો તથા વડી અદાલતોના જજમેન્ટ રજૂ રાખી અને તેના ઉપર આધાર રાખીને તે ઉપર ધારદાર દલીલ કરતાં રાજકોટના યુવા ધારાશાસ્ત્રી કૌશિક એમ. ખરચલીયાની ધારદાર દલીલોને માન્ય રાખીને રાજકોટના ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે અરજદાર/આરોપી ઇરફાન ભીખુભાઇ રાઉમાને શરતી જામીન ઉપર પોલીસ જાપ્તા સાથે મુકત કરવાનો હુકમ જેલવાસના આશરે દોઢ વર્ષ પછી ફરમાવેલ છે. ગુજરાત આતંકવાદ અને સંગઠીત અપરાધ નિયંત્રણ (જી.સી.ટી.ઓ.સી.) અધિનિયમ-ર૦૧પ ની કલમો ૩(ર), ૩(૪) કોઇપણ અરજદારને જામીન પર મુકત કરવાનો આ મહત્વનો ચુકાદો છે.

સદરહું કામે અરજદાર/આરોપી વતી રાજકોટના જાણીતા યુવા ધારાશાસ્ત્રી શ્રી કૌશિક એમ. ખરચલીયા, ઇમરાન હિંગોરજા તેમજ તેજસ એમ. ખરચલીયા, સન્ની પોપટાણી રોકાયેલ હતા.

(2:40 pm IST)