Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

જ્યુબીલી ગાર્ડનના બસ સ્ટોપ પર નશાખોરે છેડતી કરી, ટપારનારા વૃધ્ધને લોહીલુહાણ કરી નાંખ્યાઃ વિડીયો વાયરલ

એ-ડિવીઝન પોલીસે લોધેશ્વર સોસાયટીના શંકર ચોૈહાણને નશો કરેલી હાલતમાં પકડી કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટઃ શહેરના જ્યુબીલી ગાર્ડન પાસેના સીટી બસ સ્ટોપ પર સાંજે પોણા આઠેક વાગ્યે એક નશાખોર શખ્સે બસ સ્ટોપ પાસે ઉભેલી યુવતિની છેડતી કરતાં  આ શખ્સને લક્ષ્મીવાડીમાં રહેતાં પ્રતાપસિંહ રૂપસિંહ પરમાર (ઉ.૭૨) નશાખોરને ટપારવા જતાં તેના પર હુમલો કરી મોઢા પર મુક્કા-લાત ફટકારતાં આ વૃધ્ધ લોહીલુહાણ થઇ ગયા હતાં. દેકારો મચી જતાં લોકો ભેગા થઇ ગયા હતાં. નશાખોર બસ સ્ટોપની બેંચ પાછળ લપાઇ ગયો હતો. એક તો યુવતિની છેડછાડ થયાની વાત સામે આવી હોઇ અને બીજી તરફ વૃધ્ધને પણ માર મારી લોહીલુહાણ કર્યા હોઇ રોષે ભરાયેલા લોકોએ આ નશાખોરને બહાર ખેંચી કાઢ્યો હતો. યુવતિઓ, લોકો સહિતે તેને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. આમ છતાં તેણે બકવાસ ચાલુ રાખ્યો હતો. બનાવની જાણ થતાં એ-ડિવીઝન પોલીસ મથકના હેડકોન્સ. મુકેશભાઇ પી. ચરમટા, કોન્સ. હરપાલસિંહ જાડેજા સહિતે બનાવ સ્થળે પહોંચી નશાખોર શખ્સને પકડી પુછતાછ કરતાં પોતાનું નામ શકિત શંકરભાઇ ચોૈહાણ (ઉ.૨૨-ધંધો મજૂરી, રહે. લોધેશ્વર સોસાયટી-૬/૭) જણાવ્યુ હતું. તે નશો કરેલો હોઇ જીભ થોથરાતી હોઇ અને સમતોલન જાળવી શકતો ન હોઇ ગેરકાયદે નશો કરવાનો ગુનો નોંધી ધરપકડની તજવીજ કરી હતી. નશાખોરે ફટકારેલા વૃધ્ધને ૧૦૮ મારફત હોસ્પિટલે ખસેડાયા હતાં. એન્ટ્રીને આધારે આ વૃધ્ધની ફરિયાદ લેવા હેડકોન્સ. વિમલભાઇ બી. ધાણજા સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો. પરંતુ વૃધ્ધ સારવાર લઇ નીકળી ગયા હોઇ અને તેમનો ફોન નંબર પણ ન હોઇ પોલીસે ફરિયાદી બની નશાખોર સામે અલગથી ૧૫૧ મુજબ કાર્યવાહી કરી તેનો નશો ઉતારી નાંખ્યો હતો. આ ધમાલનો વિડીયો સોશિયલ મિડીયામાં ખુબ જ વાયરલ થયો હતો. તસ્વીરમાં જેને નશાખોરે મારકુટ કરી એ વૃધ્ધ, નશાખોર શખ્સ અને વૃધ્ધને સારવાર માટે લઇ જવાયા તે દ્રશ્યો જોઇ શકાય છે.

(2:39 pm IST)