Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

અફઘાનીસ્તાનના રાજકોટમાં પડઘા : રાજકોટમાં ભણતા અફઘાની વિદ્યાર્થીઓને બોલાવતા કલેકટર : તમામ સ્થિતિ જાણશે...

હિરાસર - એઇમ્સ સહિતની કામગીરીમાં ગતિ આવી છે : કાલે કલેકટર હિરાસર સાઇટ વીઝીટની મુલાકાત લેશે : આ પછી દિલ્હી ખાતે જાણ કરાશે : ઇશ્વરીયા સાયન્સ સીટીનું ઓગસ્ટના અંત કે સપ્ટેમ્બરના પ્રથમ વીકમાં લોકાર્પણ

રાજકોટ તા. ૧૭ : અફઘાનીસ્તાનમાં ધમાસાણ છે, લોકોની સ્થિતિ ભારે દયનીય છે, દરમિયાન રાજકોટમાં પણ મારવાડી - વીવીપી સહિતની અને અન્ય કોલેજ થઇને ૧૨૫થી વધુ અફઘાની વિદ્યાર્થીઓ રાજકોટમાં વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે.

આ વિદ્યાર્થીઓના પરિવારની અફઘાનીસ્તાનના કાબુલ અને અન્ય શહેરમાં શું હાલત છે, વિગેરે તમામ બાબતો મેળવવા દિલ્હીથી આદેશ - સુચના આવતા રાજકોટ કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ તાબડતોબ નિર્ણય લઇ આજે બપોર બાદ રાજકોટમાં ભણતા અફઘાનીસ્તાનના વિદ્યાર્થીઓને મીટીંગ અર્થે બોલાવ્યા છે, કલેકટર દ્વારા તેમની પાસેથી આ વિદ્યાર્થીઓના પરિવારની હાલ શું સ્થિતિ છે, નોકરી - પૈસા - ઘર - પરિવારમાં તમામ સુરક્ષિત છે કે કેમ તે વિગતો જાણી દિલ્હી એમઇએમ ખાતે મોકલાવાશે અને જરૂર પડયે તમામ પ્રકારની મદદ કરાશે તેમ કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ અકિલાને જણાવ્યું હતું.

દરમિયાન ઇશ્વરીયા પાર્ક સાયન્સ સિટી અંગે કલેકટરે જણાવેલ કે, આ અદ્યતન સાયન્સ સિટીનું ઓગસ્ટના એન્ડમાં કે સપ્ટેમ્બરના પ્રથમ વીક લોકાર્પણ થશે, આ માટે હવે તારીખ ફાઇનલ કરાશે.

એઇમ્સ - હિરાસર બંને પ્રોજેકટ અંગે કલેકટરે જણાવેલ કે, બંને પ્રોજેકટમાં ગતિ આવી છે, પોતે કાલે હિરાસર સાઇટ વીઝીટ પણ કરશે, અને અધિકારીઓ સાથે મિટીંગ યોજી સ્થળ ઉપર જ પ્રશ્નોનો નિકાલ કરાશે.

(5:16 pm IST)