Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

વાજડીમાં ઓરડીની આગે ત્રીજો ભોગ લીધો

ડુંગરપુરના માડા ગામના લોકેશ લબાનાનું મોતઃ તેના પિતા રાજુભાઇ અમદાવાદ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૭: કાલાવડ રોડ પર આવેલા વાજડી ગામે ભાડાની ઓરડીમાં રહેતાં અને હોટેલ, રિસોર્ટ તથા અન્ય કોઇ ફંકશનમાં વેઇટર્સ, કેટરર્સ સર્વિસનું કામ કરતાં રાજસ્થાન ડુંગરપુર પંથકના ૮ કર્મચારીઓ ગત ૧૨મીએ વહેલી સવારે ઓરડીમાં લાગેલી આગથી દાઝી ગયા હતાં. તે પૈકી એક કર્મચારીનું  ઉદેપુરની હોસ્પિટલમાં અને એકનું રાજકોટની હોસ્પિટલમાં મોત નિપજ્યા પછી ગત મોડી રાતે વધુ એકનું મોત થતાં મૃત્યુઆંક ત્રણ થયો છે.

જાણવા મળ્યા મુજબ આગમાં આઠ કર્મચારીઓ દાઝી જતાં રાજકોટ સિવિલમાં અને બાદમાં વધુ દાઝેલા હોય તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તે પૈકી રાજસ્થાન ઉદેપુરના હડીવલી ગામના શાંતિભાઇ બાવરચંદ લબાના (ઉ.વ.૪૯)ને ઉદેપુર મહારાણા પ્રતાપ ગવર્નમેન્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં તેમણે રવિવારે સવારે દમ તોડી દીધો હતો. જ્યારે 

જ્યારે ત્રણ કર્મચારી લોકેશ રાજુભાઇ લબાના (ઉ.વ.૨૦), દિપક પ્રકાશભાઇ લબાના (ઉ.વ.૧૯) અને દેવીભાઇ વિક્રમભાઇ લબાના (ઉ.વ.૨૨)ને સિવિલમાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં દેવીભાઇનું રવિવારે સાંજે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ત્રીજા કર્મચારી લોકેશ રાજુભાઇ લબાના (ઉ.વ.૧૯)નું ગત રાતે બારેક વાગ્યે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થતાં મૃત્યુ આંક ત્રણ થયો છે. લોકેશ બે ભાઇ અને ત્રણ બહેનમાં નાનો હતો. તેના પિતા રાજુભાઇ કુરીયાજી લબાના પણ દાઝયા હોઇ તે અમદાવાદ સારવાર હેઠળ છે. મુળ રાજસ્થાનના હાલ રાજકોટ રહેતાં રામભાઇ વણઝારા સતત આ તમામ કર્મચારીઓની મદદમાં સાથે રહ્યા છે અને તેમને બનતી મદદ કરી રહ્યા છે. 

(1:13 pm IST)