Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2022

ધુળેટી પર્વ ઉજવવાની સાથો સાથ પાણી પણ બચાવીએ શહેરીજનોને અમિત અરોરાની અપીલ

રાજકોટ,તા. ૧૭ : કોરોનાકાળના છેલ્લા બે વર્ષની કપરી પરિસ્થિતિમાં સમાજજીવન પર વિવિધ પ્રકારે અસરો જોવા મળી હતી. એમાંય ખાસ કરીને સામાજિક રચનાત્મક પ્રવૃત્ત્િ।ઓ પર મહદ અંશે રોક લાગી ગઈ હતી. ધાર્મિક, સામાજિક અને પારિવારિક પ્રસંગોમાં નિયંત્રણો સાથે લોકોએ પોતાની જવાબદારીઓ પૂર્ણ કરવી પડી હતી. આ પરિસ્થિતિમાં હવે મહદ અંશે રાહત મળી છે ત્યારે લાંબા સમય બાદ રાજકોટ શહેરમાં નાગરિકો હોળી-ધૂળેટી પર્વની ઉજવણી કરવા ઉત્સાહપૂર્વક થઇ રહયા છે. આ પર્વની લાક્ષણીકતાઓથી સૌ પરિચિત છે. રંગોનો તહેવાર ધૂળેટીની ઉજવણી દરમ્યાન રંગોની સાથોસાથ પાણીની પણ જરૂરિયાત રહે છે. 'જળ એ જ જીવન છે. પાણી અમૂલ્ય છે. જળ બચાવો, જળ આપણને બચાવશે.' આ માત્ર સૂત્ર નથી, પણ જીવનનો પાયાનો સિદ્ઘાંત છે. રાજકોટ શહેરની વસતિ અને નવા નવા વિસ્તારોમાં થયેલ વધારાને ધ્યાને લઈએ તો એ સમજી શકાય એમ છે કે, શહેરના મર્યાદિત જળ સ્ત્રોત અને ઉપલબ્ધ જળ રાશીનું મુલ્ય સમજવું પડશે. રાજકોટનાં સ્થાનિક જળાશયોમાં માર્યાદિત જળ જથ્થો હોય ત્યારે છેક સરદાર સરોવરનાં નર્મદાના નીર 'સૌની યોજના' મારફત રાજકોટ લાવવા પડે છે. પ્રવર્તમાન સંજોગોને ધ્યાને રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના તમામ નગરજનોને, શહેરની વિવિધ સંસ્થાઓ, કલબ્સ, હોટેલ્સ, પાર્ટી પ્લોટ્સ કે જે ધુળેટીના તહેવાર નિમિતે વિવિધ પ્રકારના જાહેર કાર્યક્રમો યોજે છે, તે સહિત સૌ કોઈને હોળી-ધુળેટીના રંગોનાં આ પવિત્ર તહેવારે પાણીનો બગાડ અટકાવીએ કેમ કે પાણીના દરેક ટીપાંની અહેમિયત છે. જેમાં ટીપે ટીપે સાગર બની શકે છે તેમ ખતમ પણ થઇ શકે છે માટે પાણીનો અવશ્ય બચાવ કરીએ અને પાણીના બદલે તિલકથી ધૂળેટી પર્વ ઉજવવા મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા અપીલ કરવામાં આવે છે.

(4:04 pm IST)