Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2022

મનપાની ઇસ્‍ટ ઝોનની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજીના શુધ્‍ધિકરણ માટે નક્કર ઓપરેશન : ૫૬ બાંધકામોનો કડુસલો

ડ્રેનેજ ઇન્‍ટરસેપ્‍ટર લાઇન નાખવા નડતરરૂપ આજી નદીના કાંઠે ગેરકાયદેસર કાચા-પાકા મકાનોનું ડિમોલીશન : આ લાઇન નાખવાથી આજી નદીમાં ગંદુ પાણી ઠલવાતુ બંધ થશે

ડિમોલીશન : મનપાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા ડ્રેનેજ ઇન્‍ટરસેપ્‍ટર લાઇન નાખવા માટે નડતરરૂપ ૫૬ ગેરકાયદે બાંધકામોના દબાણો દુર કરવામાં આવ્‍યા હતા તે વખતની તસ્‍વીર. (તસ્‍વીર : અશોક બગથરીયા)
રાજકોટ તા. ૧૬ : શહેરની લોકમાતા આજી નદી ઉપર રિવરફ્રન્‍ટનો મેગા પ્રોજેકટ મ.ન.પા. દ્વારા હાથ ધરાયો છે જે અંતર્ગત આજી નદીમાં ગંદુ પાણી ઠલવાતુ બંધ થાય તે માટે ડ્રેનેજ ઇનટરસેપ્‍ટર લાઇન નાખવા માટે આજી નદીનાં કાંઠે ગેરકાયદે ખડકાયેલ ૫૬ બાંધકામોનું મનપાની ઇસ્‍ટ ઝોનની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા ડીમોલીશન કરી જગ્‍યા ખુલ્લી કરવામાં આવી છે.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મ્‍યુનિ. કમિશ્નર અમિત અરોરાની સૂચના અનુસાર તથા ટાઉન પ્‍લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજ રોજ શહેરના ઇસ્‍ટ ઝોન વિસ્‍તાર પૈકી વોર્ડ નં.૧૫ માં આજી નદીના કાંઠે, જી.આઈ.ડી.સી. પાછળમાં કુલ-૫૬ આસામીઓ દ્વારા ગેરકાયદેસર દબાણ/બાંધકામ કરવામાં આવેલ. આ ગેરકાયદેસર દબાણ/બાંધકામ ડ્રેનેજ ઇન્‍ટરસેપ્‍ટર લાઈન નાખવાના કામે નડતરરૂપ હોય, તમામ આસામીઓને ધી જી.પી.એમ.સી. એક્‍ટ, ૧૯૪૯ ની કલમ-૨૬૦(૧) હેઠળની નોટીસ આપવામાં આવેલ તેમજ સ્‍થાનિકે જઈ વારંવાર રૂબરૂ પણ જણાવવામાં આવેલ. તેમ છતાં, આસામીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરેલ ન હોય, સદરહુ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા કલમ-૨૬૦(૨) હેઠળ હુકમ કરવામાં આવેલ. જેથી વોર્ડ નં.૧૫ માં આજી નદીના કાંઠે, જી.આઈ.ડી.સી. પાછળ માં ડ્રેનેજ ઇન્‍ટરસેપ્‍ટર લાઈન નાખવાના કામે નડતરરૂપ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા ડીમોલીશન હાથ ધરવામાં આવેલ.
ઉક્‍ત ડીમોલીશન અન્‍વયે કુલ ૫૬ બાંધકામોને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ ડીમોલીશન દ્વારા મહાનગરપાલિકા દ્વારા અંદાજે ૧૦ કરોડની કિંમતની ᅠ૫૦૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે.
આ કામગીરીમાં ટાઉન પ્‍લાનીંગ શાખાનો તમામ સ્‍ટાફ તેમજ જગ્‍યા રોકાણ શાખા, બાંધકામ શાખા, રોશની વિભાગ તેમજ ફાયર એન્‍ડ ઈમરજન્‍સી સર્વિસીઝનો સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્‍યાન સ્‍થાનિકે કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે વિજિલન્‍સ શાખાનો સ્‍ટાફ પણ સ્‍થળ પર ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(2:50 pm IST)