Gujarati News

Gujarati News

News of Wednesday, 16th March 2022

તળાવો-ડેમોમાંથી કાંપ કાઢવા ૧૯મીથી સુજલામ-સુફલામ જળ અભિયાન પ્રારંભ

જિલ્લાવાર મંત્રીઓની હાજરીમાં શુભારંભ થશેઃ ચોમાસા સુધી કામ ચાલશે

રાજકોટ, તા., ૧૬: રાજય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસા પહેલા તળાવો, ડેમો વગેરેમાંથી કાંપ કાઢી જળસંગ્રહ શકિત વધારવા માટે અભિયાન આદરવામાં આવતુ હોય છે. દર વર્ષે સામાન્ય  રીતે મે મહિનામાં આ અભિયાન શરૂ થાય અને એકાદ મહિનો ચાલતુ હોય છે. આ વખતે ૧૯ એપ્રિલથી સુજલામ-સુફલામ જળ અભિયાન શરૂ થનાર છે.

તા.૧૯મીએ દરેક જિલ્લા મથકે સવારે અભિયાન શુભારંભ શરૂ થનાર છે. પ્રારંભે સમારંભ થશે જેમાં સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહેશે. અભિયાનની દસ્તાવેજી ફિલ્મ પણ સ્થળ ઉપર બતાવાશે.મુખ્યમંત્રી ગાંધીનગરથી અભિયાન શરૂ કરાવશે. અન્ય મંત્રીઓને જિલ્લા ફાળવાયા છે.કચ્છમાં નિમાબેન આચાર્ય, અમરેલીમાં આર.સી.મકવાણા, ભાવનગરમાં જીતુ વાઘાણી, બોટાદમાં વિનોદ મોરડીયા, પોરબંદરમાં મંજુબેન કારાવદરા (પંચાયત પ્રમુખ), સુરેન્દ્રનગરમાં કિરીટસિંહ રાણા, રાજકોટમાં અરવિંદ રૈયાણી, દ્વારકામાં મનીષા વકીલ, સોમનાથમાં રામીબેન વાંજા (પંચાયત પ્રમુખ), જુનાગઢમાં દેવાભાઇ માલમ, મોરબીમાં બ્રિજેશ મેરજા અભિયાન પ્રારંભ પ્રસંગે હાજર રહેશે. અભિયાનને લગતી અન્ય વિગતો સરકાર તરફથી હવે પછી જાહેર થશે.

(3:24 pm IST)