Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

તંત્રના એકશન પ્લાન છતાં પ્રજા ત્રાહીમામ : સફાઇ - રોડ સહિતના પ્રશ્નો યથાવત

વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીના વર્ચ્યુઅલ લોકદરબારમાં પ્રજાએ દિલ ખોલીને ફરિયાદો કરી : વોર્ડ નં. ૧૩ના આંબેડકરનગરમાં કોમ્યુનિટી હોલ બનાવવા તથા માઠા પ્રસંગે બહેનોને નહાવાના બાથરૂમ બનાવવા માંગ : મવડીના અનેક વિસ્તારો હજુ રસ્તા વગરના : મુંજકાના રહેવાસીઓ કાદવ-કિચડની સમસ્યાથી ત્રસ્ત : ૨૦ મીનીટમાં ૧૮ પ્રશ્નો રજૂ થયા

વિપક્ષી નેતા દ્વારા આજે ત્રીજો વર્ચ્યુઅલ લોકદરબાર યોજાયો તે વખતની તસ્વીરમાં વિડીયો કોન્ફરન્સથી અરજદારની રજૂઆતો સાંભળી રહેલા ભાનુબેન સોરાણી તેમજ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ દર્શાય છે.

રાજકોટ તા. ૧૫ : મહાનગરપાલિકા પાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણી દ્વારા રાજકોટ શહેરના નાગરિકોના લોકપ્રશ્નો અને ફરિયાદો જુલાઈ માસના દર ગુરુવારે વર્ચ્યુઅલ લોકદરબાર યોજી રાજકોટ શહેરની પ્રજાના પ્રશ્નોને ઉકેલવા માટે કાર્ય કરી રહ્યા છે જેમાં આજરોજ તા.૧૫ના ગુરૂવારના રોજ સવારે ૧૧ કલાકે વર્ચ્યુઅલ લોકદરબાર યોજાયો હતો આ લોકદરબારને રાજકોટ શહેરના નાગરિકોનો જબ્બર પ્રતિસાદ મળ્યો હતો અને રાજકોટ શહેરના નાગરિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને ફકત ૩૦ મિનીટમાં જ ૧૮ અલગ અલગ પ્રકારની ફરિયાદો નોંધાવી હતી.

આ ફરિયાદોમાં પીવાના પાણીની  ફરિયાદો વધુ પ્રમાણમાં નોંધાઈ છે તેમજ વરસાદી પાણી ભરાવા, નવા કોમ્યુનીટી હોલ બનાવવા, રમતગમતના મેદાન બનાવવા , રોડ-રસ્તામાં ખાડા, ટ્રાફિક સમસ્યા સહિતની અલગ અલગ પ્રકારની કુલ ૧૮ ફરિયાદો રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણીના વર્ચ્યુઅલ લોકદરબારમાં નોંધાઈ છે.

વધુમાં શ્રીમતી ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે નગરજનો http://bit.ly/CLP_RMC ઓનલાઈન ડેસ્ક ઉપર વધુમાં વધુ ફરિયાદો લોક પ્રશ્નો નોંધાવે તેવી જાહેરજનતાને અપીલ છે.

લોકદરબારમાં રજૂ થયેલ પ્રશ્નોની ટુંકી વિગત આ મુજબ છે. જેમાં વોર્ડ નં. ૧૩માં કોમ્યુનિટી હોલ બનાવવા અંગે (આંબેડકરનગર વિસ્તાર), વોર્ડ નં. ૪ રોડ-રસ્તા તૂટી ગયા છે (ભગવતીપરા મેઇન રોડ), વોર્ડ નં. ૧માં સાફસફાઇ નથી થતી (રૈયા વિસ્તાર), વોર્ડ નં. ૩માં વરસાદી પાણીનો ભરાવો થવો (પોપટપરા વિસ્તાર અને પોપટપરા પુલ), વોર્ડ નં. ૬ પીવાના પાણીની લાઇન નાખવી (ત્રિવેણી સોસાયટી), વોર્ડ નં. ૯માં ગંદકી અને કાદવ કીચડની ફરિયાદ (સમગ્ર મુંજકા વિસ્તાર), વોર્ડ નં. ૧૧માં રોડ-રસ્તા નવા બનાવવા (મવડી વિસ્તાર), વોર્ડ નં. ૧૩માં માઠા પ્રસંગે બહેનો માટે નાહવાના બાથરૂમ બનાવવા (આંબેડકરનગર), વોર્ડ નં. ૧૫માં કચરો ઉપાડવા આવતા નથી (સંસ્કાર ઇન્ડસ્ટ્રી એરીયા), વોર્ડ નં. ૧૪માં ગાય-ભેંસનો ત્રાસ અને ગંદકી (મીલપરા શેરી નં. ૨), વોર્ડ નં. ૧૭માં ટીપરવાન સમયસર આવતી નથી (આનંદનગર), વોર્ડ નં. ૧૨માં પીવાના પાણીમાં વાસ આવે છે (વાવડી વિસ્તાર), વોર્ડ નં. ૧૦માં પીવાનું પાણી પૂરતા ફોર્સથી મળતું નથી (પ્રકાશ સોસાયટી), વોર્ડ નં. ૩માં રોડ-રસ્તા બનાવવા (રેલનગર નવા વિસ્તારમાં), વોર્ડ નં. ૭માં ટ્રાફિક સમસ્યા અને ગંદકી (સોની બજાર), વોર્ડ નં. ૫માં ગેરકાયદેસર બાંધકામો થઇ રહ્યા છે (રણછોડનગર વિસ્તાર), વોર્ડ નં. ૧૩માં રમતગમત માટે ગાર્ડન બનાવવું (ખોડિયારનગર) તથા વરસાદી પાણી ભરાવો (૧૫૦ ફુટ રીંગ રોડ - રાધે ચોકડીથી આંબેડકરનગર)નો સમાવેશ થાય છે.

(3:09 pm IST)