Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

સીટી બસ નં. ૫ - ૨૧ - ૨૨ નાણાવટી ચોક તથા ૨૫ નં. મોટી ટાંકી ચોક થઇ ચલાવવા રજૂઆત

બસના અનેક રૂટ પૂર્વવત કરવા સહિતના પ્રશ્ને મુસાફરો દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત

રાજકોટ તા. ૧૫ : શહેરીજનોને માસ ટ્રાન્સપોર્ટની સુવિધા મળી રહે તે હેતુથી મ્યુ. કોર્પોરેશન દ્વારા RMTSના નેજા હેઠળ શહેરમાં BRTS તથા ૯૦ સીટી બસ દોડાવવામાં આવી રહી છે ત્યારે કોરોનાને કારણે બંધ કરાયેલ હવે અનેક રૂટ શરૂ કરવા તથા બસ નં. ૫, ૨૧, ૨૨ને નાણાવટી ચોક તરફથી ચલાવવા તથા રૂટ નં. ૨૫માં રૂટ ફેરફાર કરવા સહિતના અનેક પ્રશ્ને મુસાફરો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

  • સીટી બસ નં. ૫, ૨૧ તથા ૨૨ નંબર નાણાવટી ચોક થઇ ચલાવો

આ અંગે મુસાફરોએ મ્યુ. કમિશનરને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, નાણાવટી ચોકથી હોસ્પિટલ, રેલવે સ્ટેશન અને માર્કેટીંગ યાર્ડ જવા માટે અત્રેથી નં. ૨૧ તથા ૨૨ ચાલતી હતી તે હજુ સુધી ફરી પૂર્વવત થયેલ નથી. વૃધ્ધ, અપંગ, બૈરા છોકરાઓને હોસ્પિટલ જવા માટેની સગવડતા નથી. રીક્ષાવાળા તેમના મન મુજબ ભાડા વસુલે છે અને પ્રજા લુંટાઇ છે તો આ ઉપરોકત બસો બંને વહેલી તકે ચાલુ કરવા નં. ૫ જે રૈયા ગામથી ત્રંબા સુધી જાય છે તેને વળતા નાણાવટી ચોક કરાવી આપવા માંગ કરી છે જેથી નાણાવટી ચોક, ગાંધીગ્રામ, રામેશ્વર પાર્ક તથા અન્ય વિસ્તારના પ્રજાજનોને તેનો લાભ મળશે.

  • બસ નં. ૨૫ ના રૂટમાં ફેરફાર કરો

સીટી બસ રૂટ નં. ૨૫માં રેલનગરથી નાના મવા રોડ મોકાજી સર્કલના રૂટ પર ચાલતી આ બસ ત્રિકોણબાગથી યાજ્ઞિક રોડ પર થઇ શ્રી રામકૃષ્ણ આશ્રમનો સ્ટોપ લઇ આગળ વિરાણી ચોકથી મહિલા કોલેજ અન્ડર બ્રિજ થઇ આગળ વધે છે. આ રૂટ પર આવી જ બીજી બે બસો નં. ૨૫ તથા નં.૨૮, ૪૨ પણ ચલાવવામાં આવે છે. આમ એક જ રૂટ પર ત્રણ-ત્રણ બસો દોડે છે ત્યારે રૂટ નં. ૨૫ને ત્રિકોણબાગથી વાયા મોટી ટાંકી ચોક, ફુલછાબ ચોક, જીલ્લા પંચાયત ચોક થઇને ચલાવવામાં આવે. આ રૂટ પર અનેક મુસાફરો દરરોજ આ બસને મળી રહે તેમ છે. આ રૂટ પર બસ ન હોવાને કારણે આ રૂટના મુસાફરોને કાં તો છેક શ્રી રામકૃષ્ણ આશ્રમના સ્ટેન્ડ પર અથવા તો મહિલા કોલેજ અન્ડર બ્રિજ પાસેના સ્ટેન્ડ પર બસ પકડવા પહોંચવું પડે છે. જે ખુબ તકલીફ દાયક અને સમય બગાડનારું છે. આ વ્યથાને ધ્યાને લઇ રૂટ નં. ૨૫ની બસના રૂટમાં ફેરફાર કરવામાં આવે તેવી મુસાફરો દ્વારા માંગણી કરવામાં આવી છે.

(2:26 pm IST)