Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

મોજશોખ માટે ત્રણ બાઇકની ઉઠાંતરી કરનાર જુનેદ અને બે સગીર પકડાયા

જંગલેશ્વરના યુવાન સહિત ત્રણેયને અટીકા ફાટક પાસેથી ભકિતનગરના મનરૂપગીરી, મનિષભાઇ અને મૈસુરભાઇની બાતમી પરથી પકડી લેવાયા

રાજકોટ તા. ૧૪: વાહન ઉઠાંતરીના બનાવોમાં વધુ એક ડિટેકશન થયું છે. ભકિતનગર પોલીસે ત્રણ વાહનની ચોરી કરનારા એક શખ્સ અને બે સગીરોને પકડી  લીધા છે.

અટીકા ફાટક પાસે બંસીધર ચોકમાં બે સગીર અને એક યુવાન બે મોટર સાઇકલ સાથે ઉભા છે અને આ વાહનો ચોરી કે છળકપટથી મેળવ્યા છે તેવી બાતમી હેડકોન્સ. મનરૂપગીરી અને કોન્સ. મનિષભાઇ શિરોડીયા તથા મૈસુરભાઇ કુંભરવાડીયાને મળતાં ત્રણેયને સકંજામાં લીધા હતાં. યુવાને પોતાનું નામ જુનેદ મહમદભાઇ મીઠાણી (ઉ.૧૯-રહે. જંગલેશ્વર કિર્તીધામ સોસાયટી-૧, ભવાની ચોક પાસે) જણાવ્યું હતું. આ ત્રણેય પાસે બે બાઇક જીજે૦૩સીએન-૧૫૧૦ તથા જીજે૦૩એચસી-૦૨૩૪ હોઇ તેના કાગળો અંગે પુછતાં ગોળગોળ વાતો કરી હતી.

પોકેટકોપ એપ્લીકેશનથી સર્ચ કરતાં આ બાઇકના માલિકોના નામ મળતાં વિશેષ પુછતાછમાં ત્રણેયએ વાહનો ચોરી કર્યાનું કબુલ્યું હતું. ત્રણેયને પોલીસ સ્ટેશને લઇ જઇ વધુ પુછતાછ કરતાં ત્રીજુ એક બાઇક પણ કોઠારીયા રોડ ન્યુ સાગર સોસાયટી પાસે સંતાડ્યું હોવાનું કબુલતાં તે પણ કબ્જે લઇ તેના માલિક શોધી કઢાયા હતાં. મોજશોખ માટે આ ત્રણેય હેન્ડલ લોક વગરના બાઇક ડાયરેકટ કરીને ચોરી લેતાં હતાં.

પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં પીએસઆઇ આર. જે. કામળીયા, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્સ. મનરૂપગીરી, સલિમભાઇ, રણજીતસિંહ, વાલજીભાઇ, ભાવેશભાઇ, મૈસુરભાઇ, મનિષભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(12:48 pm IST)