Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

નવા મકાનની સાઇટ પર ત્રીજા માળે ટેકો ભાંગતા પટકાતાં બાંધકામ કોન્ટ્રાકટર યુવાનનું મોત

કોઠારીયા રોડ નંદા હોલ પાસે ન્યુ સુભાષનગરમાં બનાવઃ કડીયા પરિવારમાં કલ્પાંત : વિક્રાંતિ સોસાયટીના બત્રીસ વર્ષિય આશિષ વાઘેલાનું મોતઃ ભાગીદારીમાં કામ રાખ્યું હતું

રાજકોટ તા.૧૨: કોઠારીયા રોડ પર  નંદા હોલ પાસે ન્યુ સુભાષનગરમાં નવા બની રહેલા મકાનની સાઇટ પર કામ કરતી વખતે ત્રીજા માળે ટેકો બટકી જતાં પટકાતાં બાંધકામ કોન્ટ્રાકટર યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ કોઠારીયા રોડ વિક્રાંતી સોસાયટી-૨માં રહેતાં આશિષભાઇ જેરામભાઇ વાઘેલા (કડીયા) (ઉ.વ.૩૨) નામના યુવાને નંદા હોલ પાસે ન્યુ સુભાષનગર-૪માં ચંદુભાઇ વઘાસીયાનું નવુ મકાન બનાવવાનો કોન્ટ્રાકટ ભાગીદારીમાં રાખ્યો હતો. અહિ તે પોતે પણ કડીયા કામ કરતાં હોઇ ત્રીજા માળે પ્લાસ્ટર કરતી વખતે ટેકો ભાંગી જતાં નીચે પટકાતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.

બનાવ અંગે ૧૦૮ના ઇએમટી કિશનભાઇ રાજાણીએ જાણ કરતાં ભકિતનગરના એએસઆઇ એન. જી. ભદ્રેચા અને તરૂણભાઇ જાનીએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર યુવાન બે ભાઇમાં નાનો હતો. સંતાનમાં એક પુત્ર છે. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. 

(12:58 pm IST)