Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ફરી રહેલા તાજીયાઃ આજે રાત્રે વિસર્જન વિધિ

શહીદે કરબલા ઝિંદાબાદ

સર્વત્ર સબિલો ઉપરથી ખાણીપીણીનુ વિતરણઃ શોકમય મનાવાતુ 'આશૂરાહ' પર્વ : રઝાનગર-જંગલેશ્વર વિસ્તારના તમામ તાજીયા આજે પણ કયાય ફરવા નહીં જઇ માતમમાં જ રહ્યાઃ ગઇ રાતના વરસાદી માહોલમાં પણ શહેરીજનો દર્શનાર્થે ઉમટ્યાઃ ખાણીપીણીની લોકોને સર્વત્ર મોજ પડી ગઇ : રાજકોટ શહેરમાં આ વખતે ૧૪૫ નાના - મોટા તાજીયા બનાવાયા છેઃ બે દુલદુલ બનાવવામાં આવી છે

રાજકોટના આકર્ષક તાજીયા-વિશાળ જુલૂસ-હૈરત ભર્યા અંગ કસરતના પ્રયોગઃભારે મેદની : રાજકોટ શહેરમાં ગઇ સાંજે ૬ વાગ્યા બાદ તાજીયાઓ માતમમાં આવી ગયા બાદ પોતાના નિર્ધારિત રૂટ ઉપર જાહેર માર્ગો પર જુલૂસરૂપે ફર્યા હતા જેમાં લક્ષ્મીનગર, જંગલેશ્વર, સદર વિસ્તારના આકર્ષક તાજીયાઓ તસ્વીરમાં જોવા મળે છે એ સાથે જુલૂસમાં ભારે મેદની જોડાઇ હતી. અને અખાડાના સંચાલકોએ હૈરત ભર્યા અંગ કસરતના પ્રયોગો કરી લોકોને સ્તબ્ધ કરી દીધા હતાં. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૧૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગઇરાતે આખી રાત તાજીયાઓ જુલસ રૂપે ફર્યા હતા અને આજે ૧૦મી મહોર્રમ 'આશૂરાહ' પર્વનો શોક મુસ્લીમોમાં છવાઇ ગયો છે. 

જો કે સર્વત્ર તાજીયાઓ ફરીને વ્હેલી સવારે પોતપોતાના સ્થળે માતમમાં આવી ગયા હતા. જે આજે પછી રાબેતા મુજબ બપોરે ફરી જે તે જગ્યાએથી ઉપડી પોતાના રૂટ ઉપર ફરશે અને રાત્રીના ૧૨ થી ૧ વાગ્યા સુધીમાં તમામ તાજીયાઓ વિસર્જીત થશે.

બીજી તરફ ગઇરાત્રે લતે લતે યોજાયેલી હુસેની મહેફિલો અશ્રુભેર પુર્ણાહુતી પામી હતી ત્યારે તાજીયાની સમક્ષ અનેક હિન્દુ- મુસ્લીમ ભાઇ-બહેનો  માનતાઓ પૂરી કરતા નજરે પડતા કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા.

મહોર્રમ માસના ૯ અને ૧૦ તારીખના રોઝા અગત્યના હોય અનેક મુસ્લીમ ભાઇ-બહેનોએ કાલે  અને આજે રોઝા  રાખ્યા છે. જેના લીધે રોઝા ખોલાવવાના સાંજે જાહેર કાર્યક્રમો પણ યોજાયા હોઇ નિયાઝ- સબિલ પર ખાણીપીણીનું ભારે વિતરણ ચાલી રહ્યુ છે.

પૈગમ્બર સાહેબના દોહિત્ર હઝરત ઈમામ હુસૈનએ  તેના સાથીદારો સાથે ઈરાકના રેતાળ પ્રદેશમાં ધર્મની કાજે આપેલી આહૂતિની ર્સ્મતિમાં કરબલાના ૭૨ શહિદોની યાદમાં મહોર્રમ માસ મનાવાઇ રહ્યો છે.

બીજી તરફ આજનો દિ' મહત્વનો હોઇ સવારે ૯ વાગ્યાથી મુસ્લીમ બિરાદરોે મસ્જીદોમાં ઉમટી પડ્યા હતા. અને સુખ-સમૃદ્ધિ અને શાંતિ  માટેની દુઆઓ માંગવામાં આવી હતી અને વિશેષ નમાઝ પઢીને કરબલાના શહિદોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. આ ઉપરાંત મુસ્લીમ બિરાદરો કબ્રસ્તાનમાં શ્રાધ-તર્પણ માટે ઉમટી પડ્યા હતા. અને પોતાના સ્વજનોને યાદ કર્યા હતા.  આ ઉપરાંત મહોરર્મ માસએ ઇસ્લામી નૂતન વર્ષનો આરંભ હોઇ આખોદિ' મુસ્લીમ ભાઇ - બહેનોએ એક બીજાને મળી ક્ષમા યાચના કરી હતી. અને આશૂરાહ પર્વની શોકમય ઉજવણી કરવામાં આવી છે.

રાજકોટમાં બનેલા દોઢસો જેટલા તાજીયાઓ હિન્દુ મુસ્લીમ સમાજ માટે શ્રધ્ધા અને આકર્ષણનુ કેન્દ્ર બની ગયા છે. તો ૫૦૦ જેટલી સબિલો ઉપરથી વિના ભેદ ભાવે લોકો તેનો લાભ લઇ રહ્યા છે.

કોઠારીયા કોલોનીના તાજીયા આજે પરંપરાગત જુલસમાં જોડાશે

કોઠારીયા કોલોનીના મજુરે-ઈલ્લાહીના તાજીયા છેલ્લા છ દશકાથી નિર્માણ કરે છે. મહોર્રમ નીમીત્તે મુસ્લીમ ભાઇ-બહેનો દસ દિવસ રોજા રાખી રહ્યા છે. કોઠારીયા કોલોની તાજીયા મંજુરે-ઈલ્લાહીના નામથી પ્રખ્યાત છે. આજે બપોરે ૩ કલાકે મંજુરે-ઈલ્લાહી તાજીયા તેના પરંપરાગત જુલસમાં ફરશે. અને માતમમાં રહેશે. શ્રધ્ધાળુઓ દ્વારા ગોળ, સાકર, પેંડા, ગુલાબ, શ્રીફળ, મંજુરે-ઈલ્લાહી તાજીયા, રામનાથપરા મેઇન રોડ, ગરૂડની ગરબી ચોક, કોઠારીયા નાકા, થઇને પેલેસ રોડ પર ફરશે. અને લાઇન દોરીમાં રહેશે. રાત્રે ૧૨ વાગે કોઠારીયા કોલોની ના તાજીયા દિદાર કરવા મંજુરે-ઈલ્લાહી કમીટીના રઝાકબાપુ પીરઝાદા અકતરબાપુ બુખારી, નુ રૂબાપુ પીરઝાદા, સબીરભાઇ સવાણ, અબજલભાઇ રાઉમા, ચિરાગ મીસ્ત્રી, અસ્લમભાઇ સવાણ, અબ્રભાઇ, કરીમભાઇ , મકબુલભાઇ ચૌહાણ, આદીલ રાઉમા, ચિરાગરાઉમા, અમીત રાઉમા, હનીફ પતાણી,  ચીકાભાઇ, હારૂનભાઇ, અજરૂબાપુ, ફિરોજભાઇ મેમણ, સલીમભાઇ, દાઉદભાઇ, હુસેનભાઇ, સહિતનાએ અનુરોધ કર્યો છે.

સદર વિસ્તારના તાજીયા આજે સાંજે ફુલછાબ ચોકમાં ભેગા થશે

રાજકોટઃ ગુજરાત ઈમામે હુસેન અને તેમના વફાદાર શહિદોની યાદ તાજી કરીને શહેરની દરેક ન્યાઝે હુસેન સબીલમાં દૂધ કોલ્ડ્રીંક, સરબત, ન્યાઝરૂપે ખાસ હિન્દુ-મુસ્લીમ સાથે જમી શકે એ રીતનું આયોજન દરેક ન્યાઝે હુસેન સબીલ કમીટીએ કરેલ હતુ. જેમાં ભેળ, પાઉભાજી, બટેટાની  ચીપ્સ, ભજીયા, ગાઠીયા રગડો વગેરે લોકોને ન્યાઝ (પ્રસાદ) રૂપે આપવામાં આવેલ હતુ. આજે બપોરના નમાઝ બાદ તમામ તાજીયા પોતાના માતમમાંથી ઉપડીને રૂટ મુજબ તાજીયા ફરશે.

સદર વિસ્તારના તાજીયા ફુલછાબ ચોક , ભીલવાસ ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, એસબીએસચોક , જ્યુબેલી ચોક, સદર કબ્રસ્તાનવાળો રોડ, હરીહર ચોક, સદર બજાર મેઇન રોડ, જીલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક ,આઝાદ ચોક , નહેરૂનગર, સુભાષનગર, વૈશાલીનગર, હનુમાન મઢી, બ્રહ્મસમાજ, નૂરાનીપરા, નાણાવટી ચોકના તાજીયા સદર વિસ્તારના તાજીયા રાત્રિના ઠંડા થશે. આજે સાંજે ૬ વાગ્યે સદર વિસ્તારના તમામ તાજીયા ફુલછાબ ચોકમાં ભેગા થઇને આજે ત્યાં બધા સાથે મળીને રોઝા ખોલશે અને રાત્રીના ૧ વાગ્યે સદર વિસ્તારના તાજીયા ઠંડા થશે. તેમ સદર તાજીયા કમીટીના પ્રમુખ હબીબભાઇ ગનીબાપુ કટારીયાની યાદી જણાવે છે.

આશૂરહ સાથેના યાદગાર પ્રસંગો

દરેક ધર્મ પ્રથમ જ્ઞાન આ જ આપે છે કે અધર્મ વિરૂધ્ધ ખુદને તૈયાર કરો, બુરાઇથી લડો, અન્યાયને મિટાવો. પરંતુ ધીરે - ધીરે ધર્મ પર અધર્મનો રંગ ચડવા લાગે છે તેની આડમાં તમામ ખરાબ કામને અંજામ આપવા  લાગે છે ત્યારે એક કરબલા આવે છે જે આંખો પર પડેલ અજ્ઞાનતાના પડદા ખોલી નાખે છે. કરબલા ધર્મ અને અધર્મની વચ્ચે એક રેખા ખેંચે છે. દરેક આંખ સ્વયંને કરબલાની નજરથી જોઇ શકે છે કે તે ન્યાયની સાથે છે કે અન્યાયની સાથે, તે જુલ્મીની સાથે છે કે જુલ્મીની વિરૂધ્ધ.

કરબલાની લડાઇ જેટલી વાર પણ યાદ કરીએ, માનવતા સત્ય અને ત્યાગના અનોખા મિશ્રણનો અહેસાસ થાય છે. કરબલાની લડાઇ આ એક હેતુમાં ઘણી મહત્વની રહી છે. શહીદ થયેલ હઝરત ઇમામ હુસૈન (ર.અ.) એ પોતાની અંદર એક પણ બુરાઇને પેદા થવા દીધી નહીં. જે તે દુશ્મનની તરફથી જાણે-અજાણે આવી જ જાય છે. તેમણે બતાવી દીધું કે પોતાની આત્મા અને વિચારોના બળ પર ફના થઇને પણ અમર થઇ શકાય છે.

મોહર્રમ ઇસ્લામી વરસનો પ્રથમ મહિનો છે. આ મહિનાથી જ ઇસ્લામી નવા વર્ષનો આરંભ થાય છે. મોહર્રમ બહુ બુઝૂર્ગી ધરાવતો મહિનો છે. એમાં પણ દસમી મોહર્રમનો મહિમાં અપાર છે. દસમી મોહર્રમને 'યવમે આશૂરહ' કહે છે.

આશૂરહનો દિવસ બહુ બરકતવંત છે. આ દિવસ સાથે અનેક ઇસ્લામી યાદગાર પ્રસંગો સંકળાયેલા છે. જે પ્રસ્તુત છે.

* યવમે આશૂરહના દિવસે અલ્લાહે ધરતી અને આકાશનું સર્જન કર્યુ હતું.

* આ જ દિવસે હઝરત આદમને પેદા કરવામાં આવ્યા હતાં.

* આ જ દિવસે હઝરત આદમની તૌબા કબૂલ કરવામાં આવી હતી.

* આ જ દિવસે નબી હઝરત ઇદરીસને આકાશ ઉપર ઉઠાવી લેવામાં આવ્યા હતાં.

* આ જ દિવસે નબી હઝરત ઇબ્રાહીમ માટે નમરૂદની આગ 'બાગ' બની ગઇ હતી અને આ જ દિવસે એમને 'ખલીલુલ્લાહ' નું હુલામણું લકબ  પ્રાપ્ત થયું હતું.

* આ જ દિવસે નબી હઝરત ઇસ્માઇલનો જન્મ થયો હતો.

* આ જ દિવસે નબી હઝરત યુસુફ મિસરની જેલમાંથી છૂટકારો થયો હતો. અને એમને મિસરની બાદશાહનો તાજ પણ આ જ દિવસે મળ્યો હતો.

* આ જ દિવસે લાંબા અરસા પછી નબી હઝરત યાકૂબની મુલાકાત એમના વહાલસોયા ફરઝંદ હઝરત યુસુફ સાથે થઇ હતી.

* આ જ દિવસે નબી હઝરત મુસા અને એમની કૌમને ફિરઓનના જુલ્મો - સિતમથી છૂટકારો હાસિલ થયો હતો અને ફિરઔન એના લાવ-લશ્કર સાથે દરિયાએ નીલમાં ડૂબી ગયો હતો.

* આ જ દિવસે નબી હઝરત સુલૈમાન દુનિયાની વિશાળ સલ્તનત અતા કરવામાં આવી હતી.

* આ જ દિવસે નબી હઝરત ઐયુબને ગંભીર બીમારીથી શિફા મળી હતી.

* આ જ દિવસે નબી હઝરત યુનુસ માછલીના પેટમાંથી બહાર નીકળ્યા હતાં.

* આ જ દિવસે નબી હઝરત ઇસાને યહુદીઓના કાવતરાથી બચાવી સદેહે આકાશ ઉપર ઉઠાવી લેવામાં આવ્યા હતાં.

* આ જ દિવસે દુનિયામાં સૌ પ્રથમવાર વરસાદ વરસ્યો હતો.

* આ જ દિવસે મક્કાના કુરૈશીઓ 'ખાનાએ કા'બા' ઉપર ગિલાફ ચઢાવતા હતાં.

* આ જ દિવસે રસુલેપાક સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના નિકાહ હઝરત ખદીજા સાથે થયા હતાં.

* આ જ દિવસે નવાસએ રસુલ હઝરત ઇમામ હુસૈન મેદાને કરબલામાં શહીદ થયા હતાં. (પ-૯)

શહેરી વિસ્તારની લાઇનદોરીઃ આજનો રૂટ

રાજકોટઃ  શહેરી વિસ્તારના તાજીયા આજે બપોરના ૨.૩૦ વાગ્યે નમાઝ પછી માતમમાંથી ઉઠી જીલ્લા ગાર્ડન ચોક પાસે સાંજે ૪ વાગ્યે એકત્ર થશે અને રામનાથ પરા જેલના ઝાપા પાસે ૫.૩૦ વાગ્યે આવશે.

સાંજે ૬.૩૦ વાગ્યે કોઠારીયા નાકા ગરબી ચોક પાસે આવશે. કોઠારીયા નાકા પોલીસ ચોકી પાસે આ તાજીયાની લાઇન દોરી સાંજે ૭ વાગ્યે આવશે. ત્યાંથી બે લાઇન દોરીઓમાં અલગ વિભાજન થશે તેમાં એક લાઇનદોરી સોની બજારમાં જશે. બીજી લાઇનદોરી પેલેસ રોડ ઉપર જશે. સ્વામીનારાયણ મંદિરના ચોક  પાસે આ તાજીયાની લાઇન દોરી રાત્રીના ૮ વાગ્યા પહોચશે.૯ વાગ્યે આશાપુરા મંદિર પાસે પહોચશે. ૧૦ વાગ્યે સંતોષ ડેરી પાસે પહોચશે. ત્યાંથી આ તાજીયાઓનુ વિસર્જન થશે. ત્યાંથી આ લાઇન દોરીમાં અલગ-અલગ વિસ્તારમાં પરત ફરશે અને  આજે રાત્રીના ૧૨ વાગ્યે આ તાજીયાઓ પોતપોતાના વિસ્તારમાં પહોંચી પોતપોતાના ઈમામ ખાનાઓમાં ટાઢા થશે.

(3:34 pm IST)