Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

કાલે કુ.વનિશાબાનો પ્રથમ જન્મદિનઃ કોરોનામાં માતા- પિતાનું છત્ર ગુમાવનાર બાળકોને અપાશે અનોખી ભેટ

સામાજીક દાયિત્વનો અવસર 'દીદીનો દીદી ને વ્હાલ' : પાંચ દીકરીઓના વાલી બની અભ્યાસની તમામ ફીની જવાબદારી ઉપાડશે, ૮૧ બાળકોને પ્રધાનમંત્રી વીમા સુરક્ષા કવચ આપશે જાડેજા પરિવાર

રાજકોટ, તા.૧૧: દીકરી એટલે પ્રસાદમાં મળેલ સાક્ષાત ઇશ્વર. દીકરી એટલે લાગણીઓનો ભંડાર, વાત્સલ્યનો ખજાનો, સંવેદના નો સુર અને પ્રેમનો એવો દરિયો કે જેનો કયારેય કિનારો જ નથી આવતો. દીકરી જયારે એક વર્ષની થાય ત્યારે પરિવારમાં ખુશીનો પાર નથી રહેતો ત્યારે જાડેજા પરિવારની કુ. વનિશાબા પણ પ્રથમ વર્ષ પૂર્ણ કરશે ત્યારે જે.એમ.જે. ગ્રૂપના એમ.ડી. શ્રી મયૂરધ્વજસિંહ જાડેજાએ તેમની લાડકીના જન્મદિવસને સામાજિક દાયિત્વનો અવસર બનાવી વધાવવાનો અનોખો નિર્ણય કર્યો છે. સમગ્ર કાર્યક્રમ કોવિડ-૧૯ના નિયમોનુસાર યોજાશે.

કુ. વનિશાબા મયૂરધ્વજસિંહ જાડેજાનો આવતીકાલે તા.૧૨ના ગુરૂવારે પહેલો  જન્મદિવસ છે. જેના અનુસંધાને સામાજિક અભિયાનના ભાગરૂપે ''દીદી નો દીદી ને વ્હાલ''કાર્યક્રમ રાજકિય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, સામાજિક અગ્રણીઓ, વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રખાયો છે. જેમાં કોરોનામાં માતા-પિતાનું છત્ર ગુમાવનાર રાજકોટ શહેરની પાંચ દીકરીઓના વાલી બની પ્રાથમિક શિક્ષણથી માંડી કોલેજ સુધીના અભ્યાસની તમામ ફીની જવાબદારી ઉપાડવા જાડેજા પરિવાર સંકલ્પબધ્ધ થશે.

આ કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ રૂપે કોરોનાકાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર ૮૧ બાળકોને પ્રધાનમંત્રી વીમાસુરક્ષા કવચ પણ આપવાનો જાડેજા પરિવારે નિર્ધાર કર્યો છે. એટલું જ નહીં કુ.વનિશાબાના જન્મદિવસની ભેટરૂપે આ તમામ બાળકોને પ્રતિમાસ રાજકોટ સહિત આસપાસના સ્થળોએ તદ્દન નિઃ શુલ્ક પીકનીક પર લઇ જવાની જવાબદારી જાડેજા પરિવાર ગ્રહણ કરશે.

 સમાજ માટે પ્રેરણારૂપ આ સામાજિક દાયિત્વના સ્નેહભિના અવસરે મુખ્ય વકતા તરીકે જાણીતા લેખક-વકતા શ્રી જય વસાવડા તેમજ શ્રી કિર્તીદાન ગઢવી અને સાંઇરામ દવે વિશેષ ઉપસ્થિત રહેશે તેમ શ્રી મયૂરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, જે.એમ.જે. ગ્રૂપ દ્વારા સામાજિક યોગદાન રૂપે ડિસેમ્બર ૨૦૧૯માં ૮૬ દિકરિઓને કરિયાવર સાથે સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવનું આયોજન, કોરોનાકાળની પ્રથમ લહેરમાં પ્રતિદિન અનેક લોકોને ભોજન ભંડારો તેમજ કોરોનાની બીજી લહેરમાં  ઓકિસજનના બાટલાની અથાગ સેવા જેવા કાર્યો પણ સમાજને અર્પણ કરાયા હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:05 pm IST)