Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

મવડીમાં બનશે અદ્યતન સ્પોર્ટસ સંકુલ

પુનિત ૮૦ ફૂટ રોડ પર ઇન્ડોર-આઉટડોર મેદાનો : ઓલમ્પિક કક્ષાની રમત માટે વ્યવસ્થા

વોર્ડ નં.૧૨માં નવું નઝરાણુ : શુટીંગ અને આર્ચરી ગેમનાં મેદાનની ખાસ વ્યવસ્થા : ૧૦ હજાર ચો.મી. જગ્યામાં ૭,૫૦૦ ચો.મી.નું બાંધકામ થશે : અંદાજીત ૯ થી ૧૦ કરોડનો ખર્ચ : આ સંકુલમાં બાસ્કેટ બોલ, ટેબલ ટેનીસ, જીમ, શુટીંગ રેન્જ, આર્ચર પોઇન્ટ, તથા બાસ્કેટ બોલ, ટેનીસ, વોલીબોલ તથા સ્કેટીંગ સહિતની ૧૦ ગેમની સુવિધાઃ વિગતો જાહેર કરતા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ

રાજકોટ તા.૧૧: મ.ન.પા.દ્વારા શહેરના મવડી વોર્ડ નં. ૧રના મવડી વિસ્તારમાં પુનિત ૮૦ ફુટ રોડ પર સર્વોદય સંકુલ પાસે ૧૦ હજાર ચો.મી.નું વિશાળ સ્પોર્ટસ સંકુલ બનાવવા માટે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલે કટ્ટીબધ્ધતા વ્યકત કરી આ પ્રોજેકટ માટે એસ્ટીમેટ અને ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવા સીટી-ઇજનેર ત્થા આર્કિટેકટ સાથે બેઠક યોજી હતી.

આ અંગે પ્રાથમીક માહીતી આપતા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે મવડી વિસ્તારમાં બાસ્કેટ બોલ, વોલીબોલ, ટેનીસ, બેડમિન્ટન, જીમ, સહીતની સુવિધાવાળુ સ્પોર્ટસ સંકુલ મવડી ત્થા આસપાસના વિસ્તારોના રહેવાસીઓના લાભાર્થે નિર્માણ કરવાનું આયોજન છે.

તેઓએ આ તકે ખાસ નોંધ્યું હતુ કે શહેરમાં ઓલમ્પિક કક્ષાની શુટીંગ અને આર્ચરી ગેમ માટે કોઇ જ વ્યવસ્થા નથી. ત્યારે મ.ન.પા. એ તેનો ખાસ વિચાર કરી આ નવા સ્પોર્ટસ સંકુલમાં ઉકત બંને ગેમમાં ખેલાડીઓને પ્રેકટીસ માટેના મેદાનોની વ્યવસ્થા કરાશે.

આ આયોજન મુજબ મવડી વિસ્તારમાં આવેલ ૧૦,૦૦૦ ચો.મી.ના પ્લોટમાં જગ્યામાં  વિશાળ સ્પોર્ટસ સંકુલ બનશે જેમાં બાસ્કેટ બોલ મેદાન ઉપરાંત ર-ટેનીસ કોર્ટ, ૧-વોલીબોલ મેદાન વગેરે બહારની સાઇડમાં બનશે.

જયારે ઇન્ડોર સ્ટેડિયમમાં ૩- બેડમિન્ટન કોર્ટ બનશે ઉપરાંત સકવોશ, જીમ, ચેસ, કેરમ વગેરે ઇન્ડોર ગેમની સુવિધા પણ ઉપલબ્ધ બનાવાશે.

આ સ્પોર્ટસ સંકુલમાં ૮ પાર્કિંગ  બનશે. પ૦ થી ૬૦ કાર સામાય તે માટે કાર પાર્કિંગ પણ બનાવશે.

આ ઉપરાંત લેન્ડ સ્કેપીંગ ગાર્ડન સાથેનું આ સ્પોર્ટ સંકુલ રેસકોર્ષથી ૨ાા ગણુ વધુ મોટુ એટલે ૧૮૦૦ ચો.મી.નો પ્લે એરિયા રહેશે. જેમાં ૧૫૦૦ પ્રેક્ષકોની બેઠક વ્યવસ્થા રહેશે.

આમ ઉપર મુજબના પ્રોજેકટનું એસ્ટેમેટ તૈયાર કરી તે મુજબ ટેન્ડર ડિઝાઇન કરી ટેન્ડરો પ્રસિધ્ધ કરવા સહીતની કામગીરીનો ધમધમાટ શરૂ કરવા આજે સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલે સીટી ઇજનેર ત્થા આર્કિટેકટ સાથે બેઠક યોજી હતી.

પુષ્કરભાઇના જણાવ્યા મુજબ આ પ્રોજેકટ માટે ૬ કરોડની જોગવાઇ છે અને એસ્ટીમેટ ૯ થી ૧૦ કરોડનું છે.

(3:01 pm IST)