Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

બહુચર્ચિત બોગસ સર્ટીફીકેટ કૌભાંડમાં સૌરાષ્ટ્ર યુનિ.ના સેકશન ઓફીસર એમ.વી.કડવાતરના આગોતરા જામીન મંજૂર

રાજકોટ,તા.૧૦: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અન્ય રાજયોની યુનિવર્સિટીની બોગસ માર્કશીટો તથા બોગસ દસ્તાવેજો રજુ કરી અલગ અલગ હોમીયોપેથીક કોલેજમાં એડમીશન મેળવી લેવાના આંતર રાજય કૌંભાંડની ફરીયાદના કામે યુનિવર્સિટીના સેકશન ઓફિસરના આગોતરા જામીન મંજુર કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નાયબ કુલ સચિવ શ્રી કે.એમ. પાઠક દ્વારા રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપી એવો આક્ષેપ કરવામાં આવેલ કે ફરીયાદમાં જણાવેલ ૪૪ આરોપીઓએ પુર્વાયોજીત કાવત્રુ રચી અલગ અલગ સમયે ગુજરાત બહારની કોલેજના વિદ્યાર્થીઓની ખોટી માર્કશીટ , માઈગ્રેશન સર્ટીફીકેટ તથા સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ હોમીયોપેથીના ખોટા સર્ટીફીકેટો બનાવી તે સર્ટીફીકેટોને સાચા તરીકે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં રજૂ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પ્રોવીઝનલ એલીજીબીલીટી સર્ટીફીકેટો મેળવેલા અને તે એલીજીબીલીટી સર્ટીફીકેટોના આધારે રાજકોટની બી.જે. ડાંગર હોમીયોપેથી કોલેજ સહીત વિવિધ કોલેજોમાં હોમીયોપેથી ડોકટર બનવા માટેના કોર્ષમાં એડમીશન મેળવી લીધેલ અને આ સમગ્ર કૌંભાંડમાં મુખ્ય આરોપી ડો. અમિતાભ જોષી તથા ડો. જુનેદ કાદરી સહીતના અનેક આરોપીઓને પોલીસે ધરપકડ કરેલ અને તપાસના મુળ સુધી પહોંચતા પોલીસ દ્વારા યુનિવર્સિટીના કર્મચારીઓની સંડોવણી હોવાનું દર્શાવી એફ.આઈ.આર.માં આરોપી તરીકે દર્શાવેલ ન હોવા છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેકશન ઓફીસર એમ.વી. કડવાતરને નાસતા ફરતા આરોપી તરીકે દર્શાવતા પોલીસ ગમે તે ક્ષણે તેમની ખોટી રીતે ધરપકડ કરે તેમ લાગતાં અરજદાર એમ.વી.કડવાતર સેકશન ઓફીસર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાઓએ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત રાજકોટની સેશન્સ અદાલતમાં ધરપકડ સામે રક્ષણ મેળવવા આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી.

બન્ને પક્ષકારોની દલીલોના અંતે અદાલત એવા તારણ ઉપર આવેલ કે, અરજદારનું નામ ફરીયાદી દ્રારા એફ.આઈ.આર.માં જણાવવામાં આવેલ નથી પરંતુ તપાસ દરમ્યાન પોલીસે જે એલીજીબીલીટી સર્ટીફીકેટો રજુ કરેલ છે તે પૈકીમાં અરજદારની સહી હોવાના કારણે તેમને આરોપી ગણી લેવામાં આવેલ છે ખરેખર સહીઓ કરવાના અધીકારો અરજદારને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિયમ મુજબ કુલપતિશ્રી દ્વારા આપવામાં આવેલ છે અને અગાઉ યુનિવર્સિટીએ પણ આ સંદર્ભે પોલીસને રજૂઆત કરેલ હોવા છતાં પોલીસે તે ઘ્યાને લીધેલ નથી ત્યારે હાલના અરજદારે કોઈ ખોટા દસ્તાવેજો બનાવેલ હોય કે દસ્તાવેજોમાં કોઈ છેડછાડ કરેલ હોય તેવું પોલીસ બતાવી શકેલ નથી જેથી આરોપી પોલીસની ધરપકડથી રક્ષણ મેળવવા પાત્ર હોવાનું ઠરાવી અરજદારના આગોતરા જામીન મંજુર કરેલ હતા.

આ કામમાં આરોપી એમ.વી.કડવાતર વતી જાણીતા એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલ જાડેજા, યશ વૈષ્ણવ, કૃણાલ વિંધાણી,ઈશાન ભળ્, વિરમ ધરાંગીયા રોકાયેલ છે.

(1:31 pm IST)