Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

સ્ટાર ગ્રુપની ઇનામી સ્કીમનો રૂ.૧૧ કરોડના હિસાબનો ગોટાળો ભવાનીનગરની દેવી ઉર્ફ હકીના મોતનું કારણ

બે મહિના પહેલા ૧ જુને ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાની ઘટનામાં મોબાઇલ રેકોર્ડિંગને આધારે વિગતો ખુલતાં એ-ડિવીઝન પોલીસની કાર્યવાહી : સ્કીમની રકમનો હિસાબ રાખતી ત્રણ મહિલા અસ્મા કાસમાણી, શબાના, નૂતન ચોૈહાણ અને દેવી ઉર્ફ હકીના પ્રેમી સામે આપઘાત માટે ફરજ પાડ્યાનો ગુનો નોંધાયોઃ કેતન ઉર્ફ ટીનો દેવી ઉર્ફ હકીના દાગીના ગિરવે મુકી લોન ઉપાડી નાણા ચાઉ કરી ગયો'તોઃ ત્રણ મહિલા હિસાબ આપતી નહોતીઃ એ કારણે હકી મરવા મજબૂર થયાનો આરોપ

રાજકોટ તા. ૧૦: રામનાથપરા ભવાનીનગર શેરી નં. ૬-અમાં રહેતી દેવીબેન ઉર્ફ હર્ષાબેન ઉર્ફ હકીબેનએ તા. ૧/૬ના રોજ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની ઘટનામાં ચોંકાવનારી વિગતો ખુલી છે. તેણી ઇનામી ડ્રો સ્કીમ ચલાવતી હોઇ તેની સાથે સ્કીમમાં સામેલ ત્રણ મહિલાઓ લગભગ ૧૧ કરોડનો હિસાબ આપતી ન હોઇ તેમજ તેનો પરિચીત એવો શખ્સ તેણીના દાગીના ગિરવી મુકી લોન લઇ રૂપિયા ચાંઉ કરી ગયો હોઇ ઇનામી સ્કીમમાં રોકાણ કરનારાઓને નાણા પોતે ચુકવી ન શકતાં મરવા મજબૂર થયાનું ખુલતાં પોલીસે તેની સાથે સ્કીમમાં કામ કરતી ત્રણ મહિલા અને તેણીના દાગીના ઓળવી જનારા પરિચીત શખ્સ મળી ચાર સામે ગુનો દાખલ કર્યો છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે ભવાનીનગર-૬માં રહેતાં રંજનબેન માવજીભાઇ રાઠોડ (કારડીયા રાજપૂત) (ઉ.વ.૬૦)ની ફરિયાદ પરથી ઘાંચીવાડની અસ્માબેન કાસમાણી, ભવાનીનગરની શબાનાબેન, ભવાનીનગરના નૂતનબેન ચોૈહાણ અને આશાપુરનગર હુડકોના કેતન ઉર્ફ ટીનો ભટ્ટી સામે આઇપીસી ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

રંજનબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું નિવૃત જીવન ગાળુ છું. મેં પ્રથમ લગ્ન ટપુભાઇ સાથે કર્યા હતાં. તેના થકી એક દિકરો વિક્રમ છે જે આજીડેમ ચોકડીએ રહી ઓરકેસ્ટ્રાનો ધંધો કરે છે. મારા પતિ ટપુભાઇના અવસાન પછી મેં માવજીભાઇ રાઠોડ સાથે બીજા લગ્ન કર્યા છે. તેના થકી એક દિકરો છે. મારી દિકરીનું નામ દેવી ઉર્ફ હંસા ઉર્ફ હકી છે. તેના લગ્ન ધર્મેશ મેઘજીભાઇ ડોડીયા સાથે થયા હતાં. પણ ઘર સંસાર ન ચાલતાં છુટાછેડા લીધા બાદ દિકરી દેવી ઉર્ફ હકી મારી સાથે રહેતી હતી અને સ્કીમનું કામ કરતી હતી.

મારી દિકરી દેવી ઉર્ફ હકીને મારા ગુજરી ગયેલા દિકરા અજયના મિત્ર કેતન ઉર્ફ ટીનો ભટ્ટી સાથે પ્રેમસંબંધ હોવાનું મને જાણવા મળ્યું હતું. તા. ૧/૬ના સવારે હું અને દિકરી દેવી ઉર્ફ હકી ઘરે હતાં ત્યારે દેવી ઘરમાં ઉપરના માળે ન્હાવા જવાનું કહીને સવારે સાડા દસેક વાગ્યે ગઇ હતી. પરંતુ તેને નીચે આવવાની વાર લાગતાં હું ઉપર તપાસ કરવા જતાં દરવાજો બંધ હતો. જે ખખડાવવા છતાં નહિ ખોલતાં મારા ભાઇના દિકરા પરેશે દરવાજો તોડીને જોતાં દેવી ઉર્ફ હકી લટકતી જોવા મળી હતી. તેણે આપઘાત કરી લીધો હોઇ પોલીસને જાણ કરી અમે પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું.

દસેક દિવસ બાદ મેં દિકરી દેવી ઉર્ફ હકીના મોબાઇલ ફોનમાં જોતાં કેતન ઉર્ફ ટીનાએ ફોન કરેલો તેનું રેકોર્ડિંગ હતું. જે સાંભળતા મારી દિકરી દેવીને કેતન કહેતો હતો કે તે મને ત્રણ માહિનાથી રૂપિયા આપ્યા નથી. હવે મારે શું કરવું મારે મરવું પડશે હવે કોઇ રસ્તો નથી. કેતન એમ પણ કહેતો હતો કે સાથે દારૂ પી કાર ચલાવી અકસ્માત કરી મરી જઇએ અથવા તો જેતપુરથી દવા મંગાવી પીને મરી જઇએ.

રંજનબેને ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે મારી દિકરી બચત સ્કીમ ચલાવતી તેની સાથે અસ્માબેન, શબાનાબેન અને નુતનબેન પણ ડ્રો કરી બધાના રૂપિયા ઉઘરાવતી હતી. આ રૂપિયા અસ્મા અને શબાના તથા નુતન પોતાની પાસે રાખતી હતી. આ બધા ડ્રોના ઉઘરાવેલા રૂપિયા ૧૧ કરોડ જેવા હતાં. આ રકમ બધાને આપવાની હતી. તેના હિસાબની માહિતી અસ્માબેન કાસમાણી, નુતનબેન ચોૈહાણ, શબાનાબેન તથા કેતન ભટ્ટીને ખબર હતી. આ માહિતી મારી દિકરી દેવી ઉર્ફ હકી પાસે ન હોઇ તે વીસેક દિવસથી ગૂમસૂમ રહેતી હતી. તેને નિંદર ન આવતાં તેની દવા પણ લેતી હતી.

એ પછી મને એક વખત દેવીએ વાત કરી હતી ઇનામી ડ્રોના ઉઘરાવેલા રૂપિયાનો હિસાબ અસ્માબેન, શબાનાબેન, નૂતનબેન પાસે છે. બીજી તરફ ઇનામી ડ્રોની ટિકીટ લેનારા લોકોને મારે પૈસા ચુકવવાના થાય છે. પરંતુ આ લોકો મને હિસાબ આપતા નથી. કેતન ઉર્ફ ટીનાએ મારા દાગીના બેંકમાં મુકી દઇ તેના પર લોન લઇ લીધી છે. આ ચારેય જણા પૈસા આપતા ન હોઇ જેથી હું ઇનામી ડ્રોમાં મારી પાસે રોકાણ કરનારા લોકોને પૈસા આપી શકતી નથી. રોકાણ કરનારા મારી પાસે સતત ઉઘરાણી કરી રહ્યા છે. પરંતુ આ ચારેય મને હિસાબ આપતાં ન હોઇ જેથી મારે મરવું પડે તેવી હાલત થઇ ગઇ છે.

આવી વાત મારી દિકરી દેવી ઉર્ફ હકીએ મને કરી હતી. એ પછી તેણીએ તા.૧/૬ના રોજ આપઘાત કરી લીધો હતો. મારી દિકરી ત્રણ મહિલાઓ અસ્મા, નૂતન અને શબાના તથા કેતન ઉર્ફ ટીનાના ત્રાસને કારણે મરી જવા મજબૂર થયાનું મને જણાતાં મેં ફરિયાદ નોંધાવી છે. એ-ડિવીઝન પીઆઇ સી. જી. જોષીની રાહબરીમાં પીએસઆઇ એસ. એચ. નિમાવતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:50 am IST)