Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

બેડીનાકાના વૃધ્‍ધાને સિવિલ હોસ્‍પિટલે લાવી ઠગ મહિલા ૧ાા લાખના સોનાના પાટલા ઉતરાવી છનનન

પ્ર્રજાપતિ વૃધ્‍ધા મંદિરે દર્શને જતા'તા ત્‍યારે પેન્‍ટ-ટીશર્ટ પહેરેલી મહિલા આવી...તમારી દિકરી સમાન છું...એવી વાતો કરી ભોળવી લીધા : મંદિરે જઇ રહેલા વૃધ્‍ધાને આંતરી કેટલુ પેન્‍શન આવે છે? પુછી પોતે સિવિલ હોસ્‍પિટલમાંથી ૭૦૦૦નું પેન્‍શન અપાવશે કહી છેતરી ગઇ

રાજકોટ તા. ૧૦: બેડીનાકામાં રહેતાં પ્રજાપતિ વૃધ્‍ધા ઘરેથી મંદિરે દર્શન કરવા જતા હતાં ત્‍યારે ખડકીનાકા પાસે મળેલી એક મહિલાએ માજી તમને કેટલુ પેન્‍શન મળે છે? મારા ભેગા સિવિલ હોસ્‍પિટલે આવો તો ૭૦૦૦ પેન્‍શન અપાવીશ...તેવી વાતો કરી ભોળવીને હોસ્‍પિટલે લઇ ગયા બાદ તમારો ફોટો એક બહેન પાડીને પછી ૭૦૦૦ આપશે, પણ તમે સોનાના પાટલા પહેર્યા છે એ જોઇ જશે તો નહિ આપે...તેમ કહી પાટલા ઉતરાવી હમણા આવું કહીને નીકળી જતાં પોલીસે ઠગાઇનો ગુનો નોંધી તપાસ આદરી છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે બેડીનાકા ટાવર ખડકી નાકા કાચબાના મંદિર પાસે માતૃકૃપા ખાતે રહેતાં લીલાવંતીબેન રસિકભાઇ સુરાણી (પ્રજાપતિ) (ઉ.વ.૭૦)ની ફરિયાદ પરથી અજાણી આશરે ૩૫ વર્ષનીસ્ત્રી કે જેણે બ્‍લુ પેન્‍ટ અને લાલ સફેદ બ્‍લુ કલરના પટ્ટાવાળુ ટીશર્ટ પહેર્યુ હતું તેસ્ત્રી વિરૂધ્‍ધ આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધ્‍યો છે.

લીલાવંતીબેને પોલીસને જણાવ્‍યું છે કે ગુરૂવારે સવારે અગિયારેક વાગ્‍યે હું મારા ઘરથી આગળ આવેલા રાણીમા રૂડીમા મંદિરે જવા નીકળી હતી. ખડકી નાકા ચોકના પગથીયા ચડતી હતી ત્‍યારે એક મહિલા મારી પાસે આવી હતી અને કહ્યુ હતું કે ‘તમારે વિધવા પેન્‍શન કેટલુ આવે છે?' જેથી મેં કહેલું કે રૂા. ૧૨૫૦ આવે છે. એ પછી આ મહિલાએ મને કહેલું કે મારી સાથે સિવિલ હોસ્‍પિટલે આવો તો તમને હું રૂા. ૭૦૦૦ વિધવા પેન્‍શન કરાવી આપું.

મેં તને કહેલું કે મારે ઘરે પુછવું પડે. પરંતુ તેણે કહેલું કે કોઇને પુછવાની જરૂર નથી, હું તમારી દિકરી જેવી જ છું...તેમ કહેતાં મને તેના પર વિશ્વાસ આવતાં હું તેની સાથે બેડીનાકા ટાવરથી એક ઓટો રિક્ષામાં બેડી હતી અને બંને સિવિલ હોસ્‍પિટલમાં ગયા હતાં. મને ત્‍યાં એ મહિલાએ અલગ અલગ વિભાગમાં ફેરવ્‍યા બાદ હોસ્‍પિટલના ગેઇટ નજીક ટ્રોમા સેન્‍ટર પાસે મને ઉભી રાખી હતી અને કહ્યું હતું કે-એક બહેન તમારી પાસે આવશે અને ફોટો પાડી તમને રૂા. ૭૦૦૦ આપશે. પરંતુ તમે આ સોનાના પાટલા પહેર્યા છે એ જોઇ જશે તો વધુ પેન્‍શન નહિ મળે. મેં પાટલા આપવાની ના પાડતાં તેણે ફરીથી કહેલું કે વિશ્વાસ રાખો, હું તમારી દિકરી સમાન જ છું. જેથી મેં સોનાના પાટલા ઉતારીને આપી દીધા હતાં. એ પછી તે મને તમે અહિ જ ઉભા રહો, હું ફોટો પાડવાવાળા બહેનને તેડીને આવુ છું. તેમ કહી જતી રહી હતી.

 લાંબો સમય સુધી રાહ જોવા છતાં ન આવતાં મેં ગેઇટ પાસે ચાવાળાને વાત કરતાં તેણે પોલીસને બોલાવી હતી અને મને પોલીસ સ્‍ટેશને લઇ જઇ મારી ફરિયાદ નોંધવા કાર્યવાહી કરી હતી. મારા સોનાના પાટલા ૩૦ ગ્રામ વજનના હતાં અને તેની કિંમત રૂા. ૧,૫૦,૦૦૦ હતી.

હેડકોન્‍સ. રવિભાઇ એલ. વાઘેલાએ ગુનો નોંધી ઠગ મહિલાના સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે. પીઆઇ સી.જી. જોષીની રાહબરીમાં પીએસઆઇ ટી. ડી. ચુડાસમા વધુ તપાસ કરે છે.

(3:10 pm IST)