Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

અધિકારીઓ મેરેથોનમાં ઘાંઘાઃ વેરા આવકમાં ગાબડુ

માર્ચ એન્ડીંગમાં હવે દોઢ મહિનો જ બાકી છે ત્યારે વેરા વસુલાતને બદલે અધિકારીઓ મેરેથોનના રજીસ્ટ્રેશનમાં મશગુલ : રજામાં કચેરી ખુલી પણ વેરા વસુલાત માટે નહિ પણ મેરેથોનના રજીસ્ટ્રેશન માટેઃ વેરા આવકના લક્ષ્યાંકને પુર્ણ કરવા દરરોજ જેટલી આવક જોઇએ તેનાથી અડધી આવકઃ ર૦ થી રપ કરોડનું ગાબડુ પડવાની ભીતી

રાજકોટ, તા., ૧૦: આ વખતે મેરેથોનના દોડના આયોજનમાં તંત્ર થાપ ખાઇ ગયું હોય તેમ મેરેથોનમાં  વધુને વધુ સંખ્યા કરવા રજીસ્ટ્રેશન માટે ઘાંઘુ થયું છે અને હવે રજીસ્ટ્રેશન માટે મુદત પણ વધારી છે એટલુ જ નહિ રજાના દિવસે રજીસ્ટ્રેશન માટે કચેરીઓ ખુલ્લી રાખવામાં આવી રહી છે. પરંતુ આ મેરેથોન દોડને કારણે કોર્પોરેશનની આવકની કરોડરજ્જુ સમાન વેરા વસુલાતમાં વિપરીત અસર પડી છે અને તેના કારણે વેરાની આવકના આ વર્ષના રૂ.રપ૦ કરોડના લક્ષ્યાંકને સિધ્ધ કરવો અત્યંત મુશ્કેલ બન્યો છે કેમ કે હવે ૩૧-માર્ચને દોઢ મહિના જેટલો જ સમય બાકી છે.

 

આ અંગે કોર્પોરેશનના વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ આ વખતે ચુંટણીને કારણે મેરેથોનનું આયોજન છેલ્લી ઘડીએ ગોઠવવુ પડયું તેના કારણે પુરતો પ્રચાર-પ્રસાર અને આયોજન માટે તંત્રવાહકોને સમય મળ્યો નહિ. પરીણામે છેલ્લી ઘડીના આ આયોજનને કારણે રજીસ્ટ્રેશનમાં નબળો પ્રતિસાદ મળી રહયો છે. આથી હવે કોર્પોરેશનના વોર્ડ ઓફીસરો, સિવિક સેન્ટરના કર્મચારીઓ, આસી. કમિશ્નર સહિતના અધિકારીઓને રજીસ્ટ્રેશનમાં બેસાડી દેવાયા છે અને મેરેથોનના આયોજન માટે મીટીંગો સહિતનો દોર શરૂ થયો છે.

આમ અધિકારીઓ મેરેથોનમાં મશગુલ થઇ ગયા હોવાથી કોર્પોરેશન દ્વારા વેરા વસુલાત જે પ્રમાણે થવી જોઇએ તેનાથી અડધી જ થતી હોવાનું નોંધાયું છે. પરીણામે વેરા આવકમાં ર૦ થી રપ કરોડનું ગાબડુ પડવાની ભીતી અધિકારી વર્ગ દર્શાવી રહયો છે. જેની વિપરીત અસર કોર્પોરેશનના બજેટમાં પણ પડશે.(૪.૧૫)

શિક્ષણ સમીતીની શાળાઓના બાળકોને ફરજીયાત  દોડાવવા વિચારણાઃ ખર્ચ તંત્ર ભોગવશે

રાજકોટઃ આ વખતે મેરેથોન દોડ માટે ધાર્યા મુજબ રજીસ્ટ્રેશન નહિ થતા તંત્ર વાહકોએ રજીસ્ટ્રેશનની મુદત લંબાવવી પડી છે. સાથોસાથ જો પુરતી સંખ્યા ન થાય તો આબરૂ સાચવવા શિક્ષણ સમીતીની શાળાઓના વિદ્યાર્થીઓને પણ ફરજીયાતપણે દોડમાં ભાગ લેવડાવવાનું ગંભીરતા પુર્વક વિચારાઇ રહયું છે અને આ માટે રજીસ્ટ્રેશનનો જે ખર્ચ થાય તે મ્યુ. કોર્પોરેશનની તિજોરીમાંથી ચુકવવા પણ તૈયારી કરી લેવાયાનું જાણવા મળ્યું છે. (૪.૧૫)

(4:12 pm IST)