Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

૯ાા લાખની કાર વેંચી રૂપિયા લઇ લીધા, પણ કાગળો ન આપ્યાઃ માથે જતાં ખૂનની ધમકી

ધ્રોલના લતીપરના ખોડા રામણી અને અજાણ્યા શખ્સ સામે બોમ્બે હાઉસીંગના લોહાણા યુવાન જગદીશભાઇ પલાણની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૦: પંચાયત ચોક નજીક બોમ્બે હાઉસીંગ સોસાયટી શેરી નં. ૭માં ધોળકીયા સ્કૂલ સામે રહેતાં અને મેનપાવર કોન્ટ્રાકટર તરીકે કામ કરતાં જગદીશભાઇ ધીરજલાલ પલાણ (ઉ.૩૫) નામના લોહાણા યુવાનને કારના સોદામાં ધ્રોલ લતીપરના ખોડા નાગજીભાઇ રામાણીએ ઠગાઇ કરી માથે જતાં અન્ય શખ્સ સાથે મળી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

બનાવ અંગે ગાંધીગ્રામના પી.એસ.આઇ. એચ. બી. ગઢવીએ જગદીશભાઇની ફરિયાદ પરથી આઇપીસી ૪૦૬, ૪૨૦, ૩૮૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. જગદીશભાઇના કહેવા મુજબ તેના બહેન પારૂલબેન લતીપરમાં ખોડા રામાણીની બાજુમાં રહે છે. તેને પોતાની હોન્ડા સીટી કાર ડીએલ૦૪સીએડબલ્યુ-૧૮૪૯ વેંચવાની હોઇ બહેન મારફત જાણ થતાં કાર જોઇને પસંદ કરી હતી. સોદો ૯ાા લાખમાં નક્કી થતાં ખોડા રામાણીને પ્રથમ રૂ. ૩ લાખ આરટીજીએસથી, બાદમાં પાંચ લાખ રોકડા અને બીજા દોઢ લાખ પોતાના બહેન મારફત ચુકવતાં તેણે કાર સોંપી દીધી હતી.

પરંતુ કારનું પાસીંગ ગુજરાત રાજ્યમાં નહિ કરાવી આપી તેમજ નામ ટ્રાન્સફર ન કરાવી કાગળો ન આપતાં તેની પાસે વારંવાર ઉઘરાણી કરતાં તેણે જો હવે કાગળો માંગ્યા તો વ્યાજખોરીની ફરિયાદમાં ફસાવી દઇશ તેમ કહી અન્ય શખ્સ સાથે ઘરે આવી ગાળોદઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ પોતાની કાર બળજબરીથી પરત ખેંચી જવા પ્રયાસ કર્યો હતો.

પોલીસે ઉપરોકત ફરિયાદને આધારે ખોડા રામાણી અને સાથેના શખ્સની શોધખોળ શરૂ કરી છે.

(12:37 pm IST)