Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

કોરોનાની સારવાર માટેના ઇન્જેકશનના બોગસ બીલ કૌભાંડમાં તપાસની સોય હવે કંપની તરફ

ઝાયડસ કંપનીના એમ.આર. રજનીકાંતના રિમાન્ડ પુરા થતાં કોર્ટ હવાલેઃ જેના નામે બીલ બન્યા એ ૧૯માંથી ૧૨ ડોકટરોના નિવેદન લેવાયા, કહ્યું-અમે ઇન્જેકશન લીધા જ નથી

રાજકોટ તા. ૯: કોરોનાના દર્દીઓનું ઓકિસજન લેવલ ઘટી જાય ત્યારે ઉપયોગમાં લેવાતાં ઇન્જેકશનના જથ્થા બારોબાર વેંચી નાંખી ગમે તે ડોકટરના નામે બોગસ બીલ બનાવવાના કૌભાંડમાં ક્રાઇમ બ્રાંચે મોટી ટાંકી ચોકની ન્યુ આઇડીયલ એજન્સીના સંચાલક પરેશ ઝાલાવડીયા અને ઝાયડસ હેલ્થકેરના એમઆર રજનીકાંત ફળદુ સામે ગુનો નોંધાયો હતો. રજનીકાંતનો જેલમાંથી કબ્જો મેળવી રિમાન્ડ મેળવાયા હતાં. આજે રિમાન્ડ પુરા થયે કોર્ટ હવાલે કરવા તજવીજ થઇ છે. દરમિયાન આ બંનેએ મળી ૧૯ ડોકટરના નામે ઇન્જેકશનના બોગસ બીલ બનાવી લીધાનું ખુલતાં તમામ ડોકટરોના નિવેદનો લેવાયા છે. જેમાંથી બાર ડોકટરોએ પોતે આવા ઇન્જેકશન મંગાવ્યા જ નહિ હોવાનું કહ્યુ઼ હતું. હવે પોલીસની તપાસની સોય એમઆર રજનીકાંત જે કંપનીમાં કામ કરે છે એ કંપની તરફ તંકાઇ છે.

ક્રાઇમ બ્રાંચે જે ડોકટરોના નિવેદન નોંધ્યા તેમાં ડો. આઇ. એ. થીબા, ડો. અંકિત શાહ, ડો. સંજય વેકરીયા, ડો. હરેશ દવે, ડો. રાજેન્દ્ર જોષી, ડો. ધવલ અમૃતિયા, ડો.  કમલ મોઢા, ડો. આનંદ ચોૈહાણ, ડો. આશિષ ખંભાયતા, ડો. વસંત પાસાણી, ડો. જય માંકડીયા, ડો. પ્રતિક રાવલ, ડો. અચ્યુત બાણુગારીયા, ડો. અલ્પેશ પટેલ, ડો. આવદ આરબ સહિતનો સમાવેશ થાય છે.  આ પૈકી બાર તબિબોના નિવેદન નોંધાઇ ગયા છે અને તેણે ન્યુ આઇડીયલ કંપની કે એમઆર રજનીકાંત મારફત કોઇ જ ઇન્જેકશન નહિ મંગાવ્યાનું કબુલ્યું છે.

ઝાયડસ કંપનીમાંથી ન્યુ આઇડીયલ કંપનીને કુલ કેટલા ઇન્જેકશન અપાયા, એમઆરે આ કંપનીમાંથી કેટલા ઇન્જેકશન મંગાવ્યા તેનો સ્ટોક જાણવા હવે પોલીસ કંપની સુધી તપાસ લંબાવશે. એસીપી ડી.વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એમ. વી. રબારી, પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, એભલભાઇ બરાલીયા સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.

(12:44 pm IST)