Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને “ઈ-શ્રમ કાર્ડ”ની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ

મહત્તમ નાગરિકોને ઇ-શ્રમ કાર્ડથી લાભાન્વિત કરવા અને પરિણામલક્ષી કામગીરી કરવા કલેકટરની સુચના

રાજકોટ:સરકાર દ્વારા દ્વારા અસંગઠિત શ્રમયોગી માટે ઈ-શ્રમ કાર્ડની સુવિઘા પુરી પાડવામાં આવી રહી છે. સમગ્ર ભારતમાં માન્ય આ ઈ-શ્રમ કાર્ડ ધરાવતાં શ્રમયોગીઓને અકસ્માતથી મૃત્યુ થાય તો રૂપિયા ૨ લાખ તથા આંશિક અપંગતાનાં કિસ્સામાં એક વર્ષ માટે રૂપિયા ૧ લાખની સહાય આપવામાં આવે છે. જે સંદર્ભે આજરોજ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લામાં “ઈ-શ્રમ કાર્ડ”ની થયેલી કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ પાસેથી કામગીરીની વિગતવાર જાણકારી કલેકટરએ મેળવી હતી.

     આ બેઠકમાં રાજકોટ જિલ્લામાં “ઈ-શ્રમ કાર્ડ”ની કામગીરીને ઝુંબેશ સ્વરૂપે લઈને પરિણામલક્ષી કામગીરી કરવા માટેનું સુચન આપતાં કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે,  અસંગઠિત ક્ષેત્રના મહત્તમ  શ્રમયોગીઓ “ઈ-શ્રમ કાર્ડ” યોજનાથી પરિચિત થાય અને તેનો લાભ પ્રાપ્ત કરે તે માટે વિવિધ વિભાગના અધિકારી જવાબદાર ભુમિકા નિભાવીને કામગીરી કરવી જોઈએ. તેમજ ઔદ્યોગિક એકમો, બાંધકામ સાઈટ, સેવાભાવી સંસ્થાઓ સહિત વિવિધ એકમોમાં કેમ્પનું આયોજન કરવું જોઈએ.

 ઉપરાંત સરકારી કચેરીઓમાં પણ “ઈ-શ્રમ કાર્ડ” કઢાવી આપવાની વ્યવસ્થા ગોઠવીને વધુને વધુ શ્રમયોગીઓ આ યોજનાથી લાભાન્વિત થાય તેવા માઈક્રોપ્લાનીંગ સાથે કામગીરી કરવા ઉપર તેમણે ભાર મુક્યો હતો.

 અત્રે   ઉલ્લેખનીય છે કે, ૧૬ થી ૬૦ વર્ષ સુધીની ઉંમર ધરાવતાં અને આવકવેરો ન ચુકવતાં તથા પી.એફ. કે ઈ.એસ.આઈ.સી. હેઠળ સમાવિષ્ટ ન થયેલા કોઈ પણ શ્રમિકને આ કાર્ડ મળી શકે છે. આ કાર્ડ મેળવવા માટે મોબાઈલ પરથી www.esharm.gov.in પર જઈને જાતે જ નોંધણી કરી શકાય છે. અથવા શ્રમયોગી કલ્યાણ બોર્ડ ઓફિસ, નજીકના કોમન સર્વિસ સેન્ટર પર કે ઈ-ગ્રામ સેન્ટર પર જઈને પણ નોંધણી થઈ શકે છે.

(12:38 am IST)