Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

કોરોનાને કારણે સ્કૂલ બસ હજુ બંધ હોઇ પોરબંદર છાંયાના નિતીનભાઇએ એસિડ પી આપઘાત કર્યો

સ્કૂલ બસના ફેરા કરી ગુજરાન ચલાવતાં હતાં: ઘણા દિવસોથી આર્થિક ભીંસમાં આવી ગયા હોઇ કંટાળીને પગલુ ભર્યુઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૮: કોરોનાને કારણે શાળા કોલેજો હજુ પણ બંધ છે. ઓનલાઇન શિક્ષણ થઇ રહ્યું હોઇ સ્કૂલ વેન, સ્કૂલ રિક્ષા હંકારી ગુજરાન ચલાવનારા લોકોની હાલત ભારે કફોડી થઇ ગઇ છે. ઘણા ખરાએ ધંધા બદલવા મજબૂર થવું પડ્યું છે. ત્યારે પોરબંદર છાંયા વિસ્તારમાં વાછરાદાદાના મંદિર પાસે રહેતાં નિતીનભાઇ દેવજીભાઇ સુખડીયા (ખારવા) (ઉ.વ.૫૬)એ સ્કૂલ બસ સતત બંધ હોઇ આર્થિક ભીંસ ઉભી થતાં એસિડ પી જિંદગીથી છેડો ફાડી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ છાંયા નવાપાડામાં રહેતાં નિતીનભાઇ સુખડીયાએ ગઇકાલે બપોરે એકાદ વાગ્યે એસિડ પી લેતાં પોરબંદર હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ રાત્રીના તેમનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી પોરબંદર પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર નિતીનભાઇ ત્રણ બહેન અને બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પરિવારજનોના કહેવા મુજબ નિતીનભાઇ સ્કૂલ બસના ફેરા કરી ગુજરાન ચલાવતાં હતાં. પરંતુ કોરોનાને કારણે લાંબા સમયથી સ્કૂલ બંધ હોઇ તેના કારણે તેઓ કામ વગરના થઇ ગયા હતાં. આને લીધે હાલમાં આર્થિક ભીંસમાં આવી ગયા હોઇ કંટાળી જઇ આ પગલુ ભર્યુ હતું. પોરબંદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:11 pm IST)