Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

દબાણ હટાવ શાખાએ જપ્‍ત કરેલી રેંકડી-ફ્રુટ ન છોડતાં કનુભાઇનો એસિડ પી આપઘાત

બાબરીયા કોલોની વિરાટનગરમાંથી ૧૭મીએ રેંકડી ઉઠાવી જવાઇ હતીઃ રજૂઆતો છતાં નહિ છોડાતાં દેવીપૂજક યુવાને ૨૦મીએ એસિડ પી લીધુ હતું: આજે દમ તોડયોઃ નારાયણનગરના કુંવરીયા પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૮: ઢેબર કોલોની પાસે નારાયણનગરમાં રહેતાં દેવીપૂજક યુવાન કનુભાઇ ગોવિંદભાઇ કુંવરીયા (ઉ.વ.૩૫) નામના યુવાને ૨૦/૩ના રોજ સવારે ઘર પાસે એસિડ પી લેતાં બે અલગ અલગ ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અપાવ્‍યા બાદ સિવિલમાં ખસેડાયેલ. અહિ આજે સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભક્‍તિનગર પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર કનુભાઇ ત્રણ બહેન અને ચાર ભાઇમાં ત્રીજા હતાં. તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. કનુભાઇ સિઝન મુજબ ફ્રુટની ફેરી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેના પુત્ર વિશાલે આક્ષેપો સાથે જણાવ્‍યું હતું કે તા. ૧૭/૩ના રોજ મારા માતા સોમીબેન અને પિતા કનુભાઇ તરબુચ, દ્રાક્ષ સહિતના ફ્રુટ ભાડાની રેંકડીમાં ભરીને વિરાટનગરની માર્કેટમાં વેંચવા ગયા હતાં. તે વખતે અચાનક કોર્પોરેશનની દબાણ હટાવ શાખા આવી હતી અને અમારી તથા બીજા કેટલાકની રેંકડીઓ જપ્‍ત કરી લીધી હતી. અમારી રેંકડી સાથે ફ્રુટ સહિતનો માલ પણ ભરી જવાયો હતો.

ભાડાની રેંકડી હોવાથી મારા માતા-પિતા કોર્પોરેશનમાં જે તે વિભાગમાં રજૂઆત વિનંતી કરવા ગયા હતાં અને રેંકડી છોડી મુકવા અરજ કરી હતી. પરંતુ ત્રણ દિવસ ધક્કા ખાવા છતાં કોઇ ઉકેલ ન આવતાં ભાડાની રેંકડી હોઇ તે જપ્‍ત થઇ ગઇ હોઇ તેની ચિંતા વધી જતાં મારા પિતાએ ૨૦મીએ ઘર બહાર એસિડ પી લીધું હતું અને હવે તેનું મોત નિપજ્‍યું છે. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. 

(2:41 pm IST)