Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

ઓ.પી.નય્‍યર ફેન કલબના સ્‍થાપક સનત દવેની સ્‍મૃતિમાં કાલે ‘સૂરાંજલી'

તેમના મિત્ર મહેશ યાજ્ઞિક દ્વારા મણીયાર હોલ ખાતે આયોજનઃ ગાયકો ધનંજય વ્‍યાસ, રાજેન્‍દ્ર શેઠ, સિકંદર ખાન પઠાણ, તૃપ્‍તિ દવે, પૂજા દવે, રશ્‍મિ મિશ્રા અને નરેન્‍દ્રસિંહ ગોહિલ જમાવટ કરશે

રાજકોટઃ સુમધુર સંગીત આપનારા આપણી હિન્‍દી ફિલ્‍મના સંગીતકાર ઓ.પી. નય્‍યરથી કોણ અજાણ હશે ! પોતાના મદહોશ સંગીતથી સતત રપ વર્ષો સુધી નય્‍યર સાહેબે સાંગીતિક જાહોજલાલી ભોગવી હતી. જો કે નય્‍યર સાહેબની કેરિયર તો ૧૯૫૨થી શરૂ થઈ હતી પરંતુ ૧૯૫૦ના મધ્‍યભાગથી તેમનો સૂર્ય ચમકવા લાગ્‍યો હતો.

આવા સફળ સંગીતકાર સાથે રાજકોટના સંગીતપ્રેમી અને નય્‍યર સાહેબના જબરા ફેન, સનતકુમાર દવેને જાણે આત્‍મીય સંબંધો હતા. સનતકુમાર વારેવારે મુંબઇ જતા ત્‍યારે ઓ.પી.સાહેબને ઘરે અચૂક જતા અને સંગાથે કલાકો પસાર કરતા હતા. આવા ઓ.પી.સાહેબની નજીકના મિત્ર સનતભાઇએ રાજકોટમાં ‘ઓ.પી.નય્‍યર ફેન ક્‍લબ'ની સ્‍થાપના કરી હતી અને સમયાંતરે ઓ.પી.નય્‍યરની સ્‍મૃતિમાં સંગીતના કાર્યક્રમોનું આયોજન પણ કરતા હતા. કમનસીબે ગત જાન્‍યુઆરી ૨૦૨૧માં કોરોનાકાળ દરમિયાન સનતભાઈનું નિધન થયું ,પરંતુ તેમણે શરૂ કરેલી આ પ્રવળત્તિ આજે પણ જીવંત છે.

સ્‍વ.સનતભાઇ દવેને સ્‍વરાંજલિ તથા તેમના ઋણ સ્‍વીકાર માટે એમના મિત્ર મહેશ યાજ્ઞિક ‘સૂરાંજલિ' કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. રાજકોટના સનતભાઇ દવેના મિત્ર વર્તુળમાં સનતભાઈ ‘ઓ.પી.'ના હુલામણા નામથી જાણીતા હતા. તેઓ ઉમદા વ્‍યકિતત્‍વ ધરાવતા, સારા ગાયક અને ટેબલ ટેનિસના ઉત્તમ ખેલાડી હતા.

આ કાર્યક્રમમાં અમરેલીના ડો.ભરત કાનાબાર પણ માર્ગદર્શન અને સહકાર આપી રહ્યા છે. રાજકોટના પ્રખ્‍યાત સંગીતકાર અને કોબોર્ડ વાદક શૈલેષ પંડ્‍યા તથા વાદકો ભાર્ગવ જાની, નિલેશ પાઠક, પંકજ મકવાણા, રોબર્ટસન તથા સચિન શર્મા સંગીત સંગાથ આપશે. રાજકોટના સુવિખ્‍યાત સંગીત શિક્ષક અને શાષાીય સંગીતના ઉમદા ગાયક અનવર હાજી પ્રમુખ ગાયક તરીકે પોતાની કલા પ્રસ્‍તુત કરશે. સાથે રાજકોટના જાણીતા ગાયક ધનંજય વ્‍યાસ, રાજેન્‍દ્ર શેઠ, અમરેલીના સુવિખ્‍યાત ગાયક સિકંદર ખાન પઠાણ, રાજકોટના ગાયિકાઓ તૃપ્‍તિ દવે, પૂજા દવે, રશ્‍મી મિશ્રા તથા ગોલ્‍ડન એરાના ગીતોના ભાવક નરેન્‍દ્ર સિંહ ગોહિલ ગાયન કલા રજુ કરશે.

આવતીકાલે તા.૬ મે, શુક્રવારે રાત્રે ૯ વાગે અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે યોજાનારા આ કાર્યક્રમ માટે મદહોશ અને લોકપ્રિય ગીતોની સ્‍ક્રિપ્‍ટ મહેશ યાજ્ઞિક તથા શૈલેષ પંડયા તૈયાર કરી છે.

કાર્યક્રમમાં પ્રવેશ મેળવવા માટે નિમંત્રણ પત્ર મેળવવા આયોજક મહેશ યાજ્ઞિક (મો.૯૪૨૭૪ ૫૫૫૧૪/ મો.૭૯૯૦૯ ૩૯૫૪૭)નો સંપર્ક કરવા આયોજકોની યાદી જણાવે છે.

(3:40 pm IST)