Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

મનોહરસિંહ જાડેજા-ગુનાખોરી ઘટાડવામાં મોખરે રહ્યા, માનવિય અભિગમમાં પણ અવ્‍વલઃ ભાવભર્યુ વિદાયમાન

ગીર સોમનાથના એસપી તરીકે નિમણુંક પામનાર રાજકોટના ડીસીપી ઝોન-૨ રાજકોટ શહેરમાં કાયદો વ્‍યવસ્‍થા જાળવી રાખવા સતત અગ્રેસર રહ્યા : નિર્વિવાદ અધિકારીની કાર્યકાળ દરમિયાન અનેક નોંધપાત્ર કામગીરીઃ ભીસ્‍તીવાડની ટોળકી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહીઃ ત્રણ એસઆઇટીમાં અધ્‍યક્ષ પદે રહ્યાઃ ક્રાઇમ મેપીંગની મદદથી વિશ્‍લેષણ કરી ગુનાઓ ઘટાડયાઃ સ્‍પાના ઓઠા હેઠળ ચાલતાં અનેક કૂટણખાના બંધ કરાવ્‍યાઃ શરીર સંબંધી-મિલ્‍કત સંબંધી ગુનાઓ ઘટાડયાઃ કુદરતી આફતોમાં પ્રસંશનીય કામગીરીઃ પોલીસ પરિવારો માટે પણ રહ્યા ઉપયોગીઃ ટ્રાફિક બ્રિગેડને સરકારી યોજનાઓનો લાભ અપાવ્‍યો

 

 

રાજકોટ તા. ૪: શહેરના ઝોન-૨ના ડીસીપી મનોહરસિંહ જાડેજાની બદલી થતાં અને ગીર સોમનાથના એસપી પદે નિમણુંક થતાં શહેર પોલીસબેડાએ ગોૈરવની લાગણી અનુભવી છે. રવિવારે શ્રી જાડેજાને ભાવભર્યુ વિદાયમાન શહેર પોલીસબેડા તરફથી અપાયું હતું. એ ક્ષણે તેઓ ભાવુક બની ગયા હતાં.  ડીસીપી મનોહરસિંહ જાડેજાના  કાર્યકાળ દરમિયાન અનેક મહત્‍વની અનેક કામગીરી થઈ હતી. જેમાં ભીસ્‍તીવાડ અને આસપાસના વિસ્‍તારમાં આતંક મચાવનાર ટોળકીના ૧૧ સભ્‍યો સામે ગુજસીટોક હેઠળ નોંધાયેલ ગુનો મહત્‍વનો છે. જેને કારણે વિસ્‍તારના રહીશો અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ગુનાખોરી ડામવામાં, ઘટાડવામાં મોખરે રહેલા આ અધિકારી માનવીય અભિગમમાં પણ અવ્‍વલ રહ્યા છે.

વર્ષ ૨૦૧૫થી ૨૦૧૮ સુધી નોંધાયેલા ગુનામાં વિશ્‍લેષણ કરી ક્રાઈમ મેપીંગથી તેમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાયો હતો. ઝોન-૨ હેઠળના પોલીસ મથકના વિસ્‍તારોમાં ૨૦૧૮ની સરખામણીમાં ૨૦૨૧માં શરીર સંબંધી અને મિલકત સંબંધી ૬૦૯ ગુનાઓમાં ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત પાસા અને તડીપાર જેવા અટકાયતી પગલા પણ વધુ લેવાયા હતા. પ્રોહિબિશનના ૪૭૮૯, જુગાર ૬૯૭ કેસો, ગેરકાયદે હથિયારના ૨૦ કેસો શોધવામાં આવ્‍યા હતા. વ્‍યાજખોરોને અંકુશમાં લેવા માટે ૯ લોક દરબાર યોજવામાં આવ્‍યા હતા. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં પરપ્રાંતિય શ્રમિકોને તેના વતન પહોંચાડવા માટે આધારકાર્ડ ભેગા કરીટ્રેનો મારફત બુકિંગ કરાવવામાં મદદ કરાઈ હતી. વરસાદ, તાઉતે વાવાઝોડા સહિતની કુદરતી આપતીઓ વખતે લોકોને સમયસર સ્‍થળાંતર કરાવી તેમના રહેવાની અને જમવાની વ્‍યવસ્‍થા કરાઈ હતી.

કોરોના દરમિયાન સુપર સ્‍પ્રેડર બનેલા શાકભાજીના ફેરીયાઓની મેડીકલ ચકાસણી કરાવી માસ્‍ક, સેનેટાઈઝર વગેરેનું વિતરણ કરાયું હતું. એટલું જ નહીં પોલીસ પરિવારના સભ્‍યો માટે મેડીકલ કેમ્‍પનું આયોજન કરાયું હતું. તપ પોલીસ મથકોમાં રજીસ્‍ટરોની જગ્‍યાએ પે પેપરલેસ કામગીરી થાય તે માટે વધુને વધુ એપનો ઉપયોગ થાય તે માટે સમજણ આપવામાં આવી હતી. મહિલાઓની સુરક્ષા માટે સુરક્ષીતા એપનું લોન્‍ચિંગ કરવામાં આવ્‍યું હતું. દર મહિને સારી કામગીરી કરતા પોલીસ કર્મચારીઓ માટે કોપ ઓફ ધ મન્‍થ એવોર્ડ જાહેર કરવામાં આવ્‍યો હતો. ડીસીપી મનોહરસિંહ જાડેજા ઉદય શિવાનંદ કોવિડ હોસ્‍પિટલમાં લાગેલી આગના કેસની તપાસ માટે, જેલોમાં  અવાર નવાર મળતા મોબાઇલ ફોનના કેસની તપાસ માટે, ગેરકાયદેસર મંડળીઓ સામે થયેલી તપાસ માટે રચાયેલી  એસ.આઈ.ટી. (સિટ)ના અધ્‍યક્ષ રહ્યા હતા. તાલુકા પોલીસ મથકમાં તરૂણીનુ અપહરણ કરી બળાત્‍કાર કરનાર આરોપીને ઉપરાંત એરપોર્ટ ફાટક પાસે આઈસ્‍ક્રિમના બહાને અપહરણ કરનાર આરોપીને તત્‍કાળ ઝડપી લેવાયો હતો. પોલીસ ભરતીનું કૌભાંડ આચરનાર, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના બી.કોમ. સેમેસ્‍ટર-૩નું પેપર લીક કરનાર આરોપીઓને ઝડપી લીધા હતા. સ્‍પાના નામે ચાલતા અનેક કુટણખાણાઓ પર રેડ કરાવી હતી.

 આ ઉપરાંત પોલીસ પરિવારોને પણ અનેક રીતે ઉપયોગી બન્‍યા હતાં. પોલીસ સ્‍ટેશનોમાં પેપરલેસ વર્ક થાય તે માટે અનેક વહિવટી સુધારાઓ કર્યા હતાં. સંપર્ક મોડેલ પોલીસ સ્‍ટેશન, સુરક્ષીતા એપ સહિતની કામગીરીઓ કરાવી હતી. ગુનાખોરીને કાબુમાં રાખવા, ઘટાડવાની કામગીરીમાં સતત સતર્ક અને અગ્રેસર રહેલા આ અધિકારી માનવીય અભિગમમાં પણ મોખરે રહ્યા છે.

રવિવારે શ્રી જાડેજાને ગ્રીનલીફ રિસોર્ટ ખાતે ભાવભર્યુ વિદાયમાન અપાયું હતું.  જેમાં મોટી સંખ્‍યામાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, પ્રિન્‍ટ-ઈલેક્‍ટ્રોનિક મિડીયાના મિત્રો ઉપસ્‍થિત રહ્યા છે. સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, રાજકોટ લોધીકા સંઘના ચેરમેન નરેન્‍દ્રસિંહ જાડેજા પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતાં. તમામનો સ્‍નેહ નિહાળી શ્રી મનોહરસિંહ જાડેજા ભાવુક બની ગયા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:16 pm IST)