Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

કોર્પોરેશનની ટાઉન પ્‍લાનીંગ શાખા તથા શહેરના અમુક ભાડૂતી ગુંડાઓ સામે કલેકટરને આવેદનઃ ડીમોલેશન રોકવા અપીલ

નટરાજનગર-સાધુ વાસવાણી રોડના પ્‍લોટના લોકો દોડી આવ્‍યાઃ કોર્પોરેશને ગેરકાનુની નોટીસો મોકલ્‍યાના આક્ષેપો : કોંગ્રેસ અગ્રણી જશવંતસિંહ ભટ્ટી તથા અન્‍યોની રજૂઆતઃ ધાક ધમકીઓ અપાતી હોવાની રાવ

રાજકોટ તા. ર :.. શહેરના કોંગ્રેસ અગ્રણી તથા એડવોકેટ શ્રી જશવંતસિંહ ભટ્ટીએ અન્‍યોને સાથે રાખી કલેકટરને આવેદન પાઠવી કોર્પોરેશનના ટાઉન પ્‍લાનીંગ શાખા તેમજ અમુક ભાડુતી ગુંડાઓ દ્વારા મકાન ખાલી કરવાના ગેરકાનુની કૃત્‍યોને તાત્‍કાલીક અસરથી કોર્પોરેશનને ડીમોલેશન પ્રક્રિયા રોકવા આદેશ ફરમાવવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે, નટરાજનગર, સાધુ વાસવાણી, રોડ, રાજકોટ ખાતે પ્‍લોટો પૈકી પ્‍લોટ નં. ૧૬૪, ૪ર૬, ૪૩૭, ૪પ૦, ૪પ૮, ૪પ૯ માં અમો તમામ લોકો પોતાના પરિવાર સાથે પાકા મકાનોવાળા રહેણાંક વિસ્‍તારમાં રહીએ છીએ અને છેલ્લા આશરે ૩૦ વર્ષથી અમો અહીંયા મકાન વેરા તથા કોર્પોરેશનના તમામ પ્રકારના ટેક્ષ ભરીએ છીએ અહીં અમો સરકાર દ્વારા આપવામાં આવતા રાશનકાર્ડ ધરાવીએ છીએ તેમજ વર્ષોથી અમોને અહીં જી. ઇ. બી. કનેકશન આપવામાં આવેલ છે અને સમયસર અમો તમામ લાઇટબીલ ભરીએ છીએ. તેમજ કોર્પોરેશન દ્વારા સ્‍થળ અને મકાનની ખરાઇ કરીને મકાન વેરો વસુલવામાં આવે છે. અહીં રહેતા ૮૦ થી ૧૦૦ પરીવારોના મકાનો છેલ્લા થોડા સમયથી કોર્પોરેશનના ટાઉન્‍ પ્‍લાનીંગ વિભાગ દ્વારા યેનકેન પ્રકારે મકાન ખાલી કરાવવાની પ્રવૃતિ ચાલી રહી છે. તેમજ અસામાજીક તત્‍વો દ્વારા મકાન ખાલી કરાવવા માટે ધમકીઓ આપવામાં આવે છે. તેમજ કોઇ મોટા માથાભારે શખ્‍સ દ્વારા આ મકાનો ખાલી કરાવવા માટે કોન્‍ટ્રાકટ લીધો હોવાની વાત જાણવા મળેલ છે જયારથી આ પી. પી. પી. આવાસ યોજના બનાવવા માટે મહાનગરપાલીકાએ તજવીજ કરેલ છે ત્‍યારથી રહેવાસીઓની હાલત કફોળી બની ગયેલ છે. અને અનેક વખત અજાણયા શખ્‍સો રાત્રે ધમકીઓ આપવા આવે છે અને રાજકોટ કોર્પોરેશન માંથી તમને ૧૦ - ૧પ દિવસમાં નોટીસો મળશે અને પછી તમોના આ મકાન તમારી સંમતી વિના કોઇ વ્‍યવસ્‍થા કર્યા વિના તોડી પાડવામાં આવશે તેવી ધમકીઓ આપવામાં આવે છે સદરહું રહેણાંકવાળા મકાનો તોડી પાડવામાં આવે તો અમોને પારા વાર નુકશાન થાય તેમ છે અમો રસ્‍તે રજડતા  થઇ જઇએ તેમ છીએ અમારો પરીવાર રજડતો થઇ જાય તેમ છે અને હાલ કોર્પોરેશન દ્વારા અમોને આવી ગેરકાનુની નોટીસો પણ મોકલવામાં આવેલ છે તેમજ અમોને જાણવા મળેલ છે કે આશરે ૩૦ થી ૪૦ લોકોને ડરાવી ધમકાવીને તથા લોભ લાલચ આપી ખોટી રહેણાંકની વ્‍યવસ્‍થાની બાંહેધરી આપી કોરા કાગળોમાં સહી કરાવી લીધેલ છે.

 જેથી આપને નમ્ર અરજ છે કે આ માથાભારે શખ્‍સો અમોને હેરાન પરેશાન ન કરે તે માટે પોલીસ બંદોબસ્‍ત કરાવી આપો તથા અમોને ગેરકાયદેસર રીતે અમારા મકાન ખાલી કરાવે નહી તથા અમારા મકાન ડીમોલેશન કરે નહીં અને અમોને હાલની અમારી આજ જગ્‍યામાં રહેણાંકની વ્‍યવસ્‍થા કરી આપે તેવા તાકીદના અસરકારક પગલા સાથે આદેશો પાઠવવા વિનંતી કરીએ છીએ.

(3:57 pm IST)