News of Tuesday, 16th January 2018

રાજકોટ પૂર્વમાં મદદનીશ પોલીસ કમિશ્નર કચેરીમાં મેઘાણી સાહિત્ય કોર્નરનું લોકાર્પણ

મેઘાણીજીના ૭૫ પુસ્તકો મુકાયાઃ તેમનો જન્મ ચોટીલાની પોલીસ લાઇનમાં થયેલઃ ગુજરાત પોલીસ ગૌરવ અનુભવે છે

રાજકોટ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૧મી જન્મજયંતી વર્ષ નિમિત્ત્।ે સુરક્ષા સેતુ સોસાયટી – રાજકોટ શહેર પોલીસ તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા 'મેઘાણી-સાહિત્ય' કોર્નરની સ્થાપનાનું પ્રેરક અભિયાન શરૂ થયું છે. આ નવતર પ્રયોગ થકી નવી પેઢીને આપણી મૂલ્યવાન માતૃભાષા, સંસ્કૃતિ અને સાહિત્યથી વધુ નિકટથી પરિચિત કરાવવાનો પ્રયાસ છે. અત્યાર સુધી ગુજરાતભરમાં ૨૦ જેટલાં 'મેઘાણી-સાહિત્ય'કોર્નરની સ્થાપના થઈ ચૂકી છે. 

આ અંતર્ગત હાલમાં રાજકોટ-પૂર્વમાં આવેલ મદદનીશ પોલીસ કમિશ્નરની કચેરી ખાતે 'મેઘાણી-સાહિત્ય'કોર્નરનું લોકાર્પણ થયું હતું. રાજકોટ શહેરના સંનિષ્ઠ અને સાહિત્ય-પ્રેમી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત (આઈપીએસ), પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી, મદદનીશ પોલીસ કમિ'ર (પૂર્વ વિભાગ) ભરત રાઠોડ, પી.આઈ. આર. એસ. ઠાકર, પી. એન. વાઘેલા, પી.એસ.આઈ. પી. બી. જેબલીયા, એમ. એમ. ઝાલા, કે. કે. પરમાર, આર. એસ. પટેલ, સિનિયર કલાર્ક એમ. ડી. મેરજા, ઈન્ચાર્જ રીડર જયેશભાઈ શુકલ, નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલિયા, વંદનાબેન ધ્રુવ, દીપકભાઈ - નયનાબેન જોષી, ભરતભાઈ કોટક (સાહિત્યધારા), વાલજીભાઈ પિત્રોડા સહિત મોટી સંખ્યામાં પોલીસ-પરિવાર ઉપસ્થિત રહ્યાં હતાં. પોતાના પ્રશ્નોનાં નિરાકરણ માટે મદદનીશ પોલીસ કમિ'રની કચેરીએ આવતા નાગરિકો તથા બાજુમાં આવેલ રામનાથપરા પોલીસ-લાઈનમાં વસતાં પોલીસ-પરિવાર મેઘાણી-સાહિત્ય વાંચીને પ્રેરણા મેળવી શકશે તેવી આશા છે. રાજકોટનાં પૂર્વ-વિસ્તારમાં સહુપ્રથમ વખત 'મેઘાણી-સાહિત્ય' કોર્નરની સ્થાપના થઈ છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લિખિત કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવા વિવિધ વિષયોનાં ૭૫ જેટલાં પ્રાપ્ય પુસ્તકો આ 'મેઘાણી-સાહિત્ય'કોર્નરમાં મૂકાયા છે.  ઝવેરચંદ મેઘાણીએ ૧૯૨૨માં લખેલ પ્રથમ પુસ્તક 'કુરબાનીની કથાઓ'થી લઈને ૧૯૪૭માં અવસાન થયુ ત્યારે અપૂર્ણ રહેલી નવલકથા 'કાળચક્ર' ઉપરાંત તેમના અતિ લોકપ્રિય પુસ્તકો યુગવંદના', 'સિંધુડો', 'રવીન્દ્ર-વીણા', 'વેવિશાળ', 'સોરઠ તારાં વહેતાં પાણી', 'માણસાઈના દીવા', 'સૌરાષ્ટ્રની રસધાર', 'સોરઠી બહારવટિયા', 'સોરઠી સંતો', 'રઢિયાળી રાત', 'સોરઠી સંતવાણી' અહિ ખાસ ઉપલબ્ધ કરાયા છે. ૨૫ વર્ષના ટૂકાં ગાળામાં ઝવેરચંદ મેઘાણીએ ૧૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં હતાં જે ખાસ ઉલ્લેખનીય છે.

૧૯૮૮-૮૯માં ભારત જોડો અભિયાન — અરૂણાચલથી ઓખા સુધી ૯૦૦૦ કી.મી.ની અનોખી સાયકલ યાત્રામાં ગુજરાતમાંથી આઠ યુવક-યુવતીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આમાંથી રાજકોટ-નિવાસી રાજેશભાઈ ભાતેલીયા, વંદનાબેન ધ્રુવ (ગોરસીયા) અને નયનાબેન જોષી (પાઠક)નું અભિવાદન કરાયું હતું. પૂર્વ વિભાગનાં છ પોલીસ-સ્ટેશનને ચૂંટેલું મેઘાણી-સાહિત્ય ભેટ અપાયું હતું.   

ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલાની પોલીસ-લાઈનમાં થયો હોવાથી ગુજરાત પોલીસ એમનું 'લાઈન-બોય'તરીકે સવિશેષ ગૌરવ અનુભવે છે અને વિવિધ સ્મૃતિ કાર્યક્ર્મોમાં લાગણીથી સહયોગ આપે છે. 'મેઘાણી-સાહિત્ય'કોર્નર માટે રાજકોટના સંનિષ્ઠ અને સાહિત્ય-પ્રેમી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, મદદનીશ પોલીસ કમિશ્નર (પૂર્વ વિભાગ) ભરત રાઠોડ અને રાજકોટ શહેર પોલીસનો લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત થયો છે. આકર્ષક કાચનાં પુસ્તક-કબાટનું કામ મિસ્ત્રી વાલજીભાઈ પિત્રોડા – વિશ્વકર્મા ફર્નીચર (રાજકોટ) દ્વારા થયું છે. પોતાનાં દાદાજી ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં પિનાકી મેઘાણીએ આ અનોખા અભિયાનની પરિકલ્પના કરી છે. ઝવેરચંદ મેઘાણીની ૧૨૧મી જન્મજયંતી વર્ષ નિમિત્ત્।ે ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર – વડોદરા મધ્યસ્થ ગ્રંથાલય તથા તમામ સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે 'મેઘાણી-સાહિત્ય' કોર્નરની સ્થાપના થાય તેવી લોકલાગણી છે.

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

www.jhaverchandmeghani.com

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

ઈ-મેઈલઃpinakimeghani@gmail.com

(10:14 am IST)
  • જમ્મુ કાશ્મીર વિધાનસભામાં હોબાળોઃ પાકિસ્તાન વિરોધી સુત્રોચાર ભાજપના ધારાસભ્યોએ નારા લગાવ્યાઃ કેમ્પની બાજુમાં જ રહેતા હતા રોર્હિગ્યાઃ જૈશે રોહિગ્યાને બનાવ્યા હથિયાર access_time 2:03 pm IST

  • મૈક્સિકોમાં ભૂકંપનો આંચકો : પશ્ચિમી પ્રશાંત કાંઠે 5,8ની તીવ્રતાનો ભૂકંપ : જલિસકો અને કોલીમાં રાજ્યની સીમા નજીક કિનારાથી 30 કી, મી, દૂર કેન્દ્રબિંદુ : નુકશાનના કોઈ અહેવાલ નથી access_time 9:22 am IST

  • પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરૂદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો : અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે access_time 9:22 am IST