News of Saturday, 19th August 2017

અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં 'મેઘાણી-સાહિત્ય' કોર્નર જાહેર જનતા માટે ખુલ્લુ મુકાયુ

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઇ મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ,ડીસીપી (ક્રાઇમ) દીપન ભદ્રન, ડીસીપી (ઝોન-૭) વિધીબેન ચૌધરી, એસીપી (મહિલા સેલ) પન્નાબેન મોમાયાની ઉપસ્થિતિ

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી, અમદાવાદ શહેરના સંનિષ્ઠ અને સાહિત્ય-પ્રેમી પોલીસ કમિશ્નર એ. કે. સિંઘ (આઈપીએસ), ડીસીપી (ક્રાઈમ) દીપન ભદ્રન (આઈપીએસ), ડીસીપી (ઝોન-૭) વિધીબેન ચૌધરી (આઈપીએસ), એસીપી (મહિલા સેલ) પન્નાબેન મોમાયા, પીઆઈ એમ. એ. સિંહ અને કે. આઈ. ગામિત, કોર્પોરેટર-બહેનો બીજલબેન પટેલ અને ભાવનાબેન પટેલ, રાજય મહિલા સમિતિના સદસ્ય સીતાબેન રબારી, શહેર મહિલા સમિતિનાં સદસ્યો, મહિલા અગ્રણીઓ રૂઝાનબેન ખંભાતા, ભૂમિકાબેન અંકિતભાઈ ત્રિવેદી, ડો. રીનાબેન શર્મા, નીલોફરબેન, રૂપાબેન-મિતાલી મહેતા, જતિનભાઈ ઘીયા, દેવેનભાઈ બદાણી તેમજ મહિલાઓ તથા પોલીસ-પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.      

મેઘાણી-સાહિત્યથી નવી પેઢી પરિચિત તેમ જ પ્રેરિત થાય તે હેતુથી સુરક્ષા સેતુ સોસાયટી અમદાવાદ શહેર પોલીસ તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા 'મેઘાણી-સાહિત્ય'કોર્નરની સ્થાપના થઈ છે. ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત-સંશોધિત-સંપાદિત વિપુલ સાહિત્યમાં સ્ત્રી-સશકિતકરણની અનેક ગૌરવભરી કથાઓ અને કવિતાઓ આલેખાયેલાં છે તેથી પોતાના પ્ર'ોનાં નિરાકરણ માટે મહિલા પોલીસ સ્ટેશને આવતી મહિલાઓ અને તેમનો પરિવાર અહિ મૂકાયેલ મેઘાણી-સાહિત્ય વાંચીને પ્રેરણા મેળવી શકશે તેવી આશા છે. ફરજ અર્થે સતત કાર્યરત રહેનાર પોલીસ પરિવાર પણ સમય મળ્યે આ સાહિત્યનો આસ્વાદ માણી શકશે. ઝવેરચંદ મેઘાણીની ૧૨૧મી જન્મજયંતી ૨૮ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ છે તેથી આનું સવિશેષ મહત્વ છે.

મહાત્મા ગાંધીએ જેમને 'રાષ્ટ્રીય શાયર'ના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીએ ૨૫ વર્ષના ટૂકાં ગાળામાં કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવા વિવિધ વિષયોનાં ૧૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં હતાં. આમાંનાં ૭૫ જેટલાં પ્રાપ્ય પુસ્તકો આ 'મેઘાણી-સાહિત્ય' કોર્નરમાં મૂકાયાં છે. ઝવેરચંદ મેઘાણીએ ૧૯૨૨માં લખેલ પ્રથમ પુસ્તક 'કુરબાનીની કથાઓ'થી લઈને ૧૯૪૭માં અવસાન થયુ ત્યારે અપૂર્ણ રહેલી નવલકથા 'કાળચક્ર' ઉપરાંત તેમના અતિ લોકપ્રિય પુસ્તકો યુગવંદના', 'સિંધુડો', 'રવીન્દ્ર-વીણા', 'વેવિશાળ', 'સોરઠ તારાં વહેતાં પાણી', 'માણસાઈના દીવા', 'સૌરાષ્ટ્રની રસધાર', 'સોરઠી બહારવટિયા', 'સોરઠી સંતો', 'રઢિયાળી રાત', 'સોરઠી સંતવાણી'અહિ ખાસ ઉપલબ્ધ કરાયાં છે.

ઝવેરચંદ મેઘાણીનો પોલીસ પરિવાર સાથે વિશેષ લાગણીભર્યો નાતો હોવાનું જણાવીને પોલીસ કમિશ્નર એ. કે. સિંઘે ભાવભરી અંજલિ આપી હતી. ઝવેરચંદ મેઘાણીની મેધાવી અને બહુમુખી પ્રતિભા : સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, પત્રકાર, સ્વતંત્ર્ય-સેનાની, સમાજ-સુધારક, વિચારક, વકતા, ગાયક વિશે વિસ્તૃત માહિતી આપી. આઝાદીની લડત વખતે ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય અને દેશપ્રેમનાં ગીતોની ધારદાર અને વ્યાપક અસર વિશે પણ વાત કરી. નવ દાયકાઓ પછી આજે પણ મેઘાણી-સાહિત્ય એટલું જ પ્રસ્તુત અને યુવા પેઢી માટે પ્રેરણાદાયી છે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું. એસીપી (મહિલા સેલ) પન્નાબેન મોમાયાએ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા મહિલાઓના ઉત્કર્ષ અને સુરક્ષા માટે થતાં કાર્યો વિશે વિસ્તૃત માહિતી આપી. પોલીસ વિભાગની લાગણી માટે પિનાકીભાઈ અને કુસુમબેન મેઘાણીએ હૃદયથી આભાર માન્યો હતો.    

ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલાની પોલીસ-લાઈનમાં થયો હોવાથી ગુજરાત પોલીસ એમનું 'લાઈન-બોય'તરીકે સવિશેષ ગૌરવ અનુભવે છે. બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા પિતા કાળીદાસ દેવચંદ મેઘાણી નીડર અને નેક વ્યકિત હતા. પોલીસ-પરિવાર અને પોલીસ-બેડા સાથે ઝવેરચંદ મેઘાણીનાં બાળપણનાં અનેક સંસ્મરણો તથા સ્મૃતિઓ જોડાયેલ છે. ઝવેરચંદ મેઘાણી લાગણીસભર નોંધે છે : 'આ પોલીસ-બેડાની દુનિયા અનોખી છે. તમે એમાં ભમ્રણ કરી શકશો નહિ. એ માટે તો તમારે એ દુનિયામાં જ જન્મ ધરવો જોઈએ.'

પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણાથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના વિવિધ સ્મૃતિસ્થળોએ 'મેઘાણી-સાહિત્ય'કોર્નરની સ્થાપના થઈ રહી છે જે ખાસ ઉલ્લેખનીય છે. કાચનાં આકર્ષક પુસ્તક-કબાટનું કામ મિસ્ત્રી વાલજીભાઈ પિત્રોડા વિશ્વકર્મા ફર્નીચર (રાજકોટ) દ્વારા થયું છે.

(12:36 pm IST)
  • લોકસભામાં એક લેખિત જવાબમાં, રેલવેના રાજ્ય પ્રધાન રાજન ગોહૈને જણાવ્યું હતું કે ટિકિટ બુકિંગ માટે આધાર નંબર ફરજિયાત બનાવવા માટે કોઈ દરખાસ્ત નથી. જો કે, 1 જાન્યુઆરી, 2017થી વરિષ્ઠ નાગરિકો માટે રાહતભાવની રેલવે ટિકિટોના બુકિંગ માટે આધાર નમ્બરની નોંધણી સ્વૈચ્છિક ધોરણે રજૂ કરવામાં આવી છે. access_time 10:00 am IST

  • ગાણત્રીના કલાકોમાં પાકિસ્તાન વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરશે અમેરિકા : જેરૂસલમ મામલે સંયુકત રાષ્ટ્રમાં સાથ નહીં આપનાર દેશો સામે પણ અમેરિકા કરશે લાલઆંખ access_time 11:24 am IST

  • બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST