Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

અલાબામાં રાજયની તાજેતરમાં થયેલ સેનેટની ચુંટણીમાં ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર ડગ જોન્‍સનો થયેલો ભવ્‍ય વિજયઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે મતદારોને રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર રોય મોરને વિજયી બનાવવા કરેલ હાકલને મતદારોએ આપેલો જાકારો : રપ વર્ષના સમયગાળા દરમ્‍યાન ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર વિજયી બનતાં સમગ્ર અલાબામાં રાજયમાં પ્રસરી રહેલી આનંદની લાગણી : પ્રોગ્રેસીવ ગૃપનો મળેલો સારો એવો સહકાર

( સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) અલાબામાં રાજયની ખાલી પડેલ સેનેટની બેઠક માટે ડીસેમ્‍બર માસની ૧૨મી તારીખને મંગળવારે થયેલ ચુંટણીમાં ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર ડગ જોન્‍સનો ઝળહળતા વિજય થતા સમગ્ર અલાબામાં રાજયમાં વસવાટ કરતા તમામ રહીશોમાં એક અનેરા ઉત્‍સાહની લાગણી પ્રસરી રહેલી જોવા મળે છે અને જાણે લાંબા સમયના ગાળા દરમ્‍યાન આ સોનેરી અવસર પ્રાપ્ત થયો હોય તેવા વાતાવરણનું સર્જન થવા પામેલ છે આમતો અલાબામા રાજયમાં વસવાટ કરતા લગભગ તમામ રહીશો રૂઢી ચુસ્‍ત માનસ ધરવતા હોવાથી રીપબ્‍લીકન પાર્ટીના ગઢ માનવામાં આવે છે પરંતુ હવે નવીન પ્રકારની વિચારસરણી ધરાવતા રહીશો વસવાટ કરવાની શરૂઆત કરતાં તેમજ પ્રોગ્રેસીવ વિચારસરણી ધરાવતા રહીશોનો હવે જરૂરી ટેકો મળી રહેતા આ પરિસ્‍થિતિમાં અનેક પ્રકારના ફેરફારો જોવા મળી રહેલ છે પરંતુ ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવારના વિજયથી અમેરીકાના પાટનગર વોશીંગટન ડી.સીમાં જાણે મહાભયંકર ભૂકંપ થયો હોય તેવા વાતાવરણનું સર્જન થવા પામેલ છે.

આ અંગે જાણવા મળે છે તેમ ૨૫ વર્ષના સમયગાળા દરમ્‍યાન અલાબામાં રાજયને ડેમોક્રેટીક પાર્ટીનો સેનેટર પ્રાપ્ત થયેલ છે અમેરીકાના વહીવટી તંત્રમાં એટર્ની જનરલ તરીકે હોદ્દો ધરાવતા જેફ સેસન્‍સે અલાબામાં સેનેટર તરીકે રાજીનામુ આપતા આ બેઠક ખાલી પડી હતી અને તે અંગે સ્‍પેશીયલ ઇલેકસ જાહેર થતાં ડેમોક્રેટીક પાર્ટી તરફથી અલાબામાં રાજયના ભૂતપૂર્વ પ્રોસીકયુટર ડગ જોન્‍સ તથા રીપબ્‍લીકન પાર્ટી તરફથી રોય મોર આ સેનેટની ચુંટણીમાં જંપલાવ્‍યું હતું અને ૧૨મી ડીસેમ્‍બરના રોજ ચુંટણી થતા ત્‍યારે બાદ તેનું પરિણામ જાહેર થતં ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર ડગ જોન્‍સનો ઝળહળતો વિજય થયો હતો.

અલાબામાં રાજયની સેનેટની થનાર ચુંટણીમાં કોણ વિજયની વરમાળા પહેરશે તે અંગે અમેરીકામાં વસવાટ કરતા તમામ લોકોનું ધ્‍યાન કેન્‍દ્રિત થયેલું હતું કારણ કે આ ચુંટણી બંન્‍ને રાજકીય પાર્ટીઓ માટે મરણીયો જંગ હતી.

તાજેતરમાં વર્જીનીયા તેમજ ન્‍યુજર્શી રાજયના ગવર્નરોના હોદ્દાઓની ચુંટણીઓ યોજવામાં આવી હતી અને તે ચુંટણીમાં ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવારો ગવર્નર તરીકે ચૂંટાઇ આવ્‍યા હતા અને તેથી આ પાર્ટીના ઉમેદવારોનો સિતારો ચતકતો હોવાથી આ સેનેટની બેઠક હસ્‍તગત કરવા માટે ડેમોક્રેટીક પાર્ટીએ ભારે પ્રમાણમાં કમર કસી હતી અને તેમાં આખરે ડેમોક્રેટીક પાર્ટીના ઉમદવાર ડગ જોન્‍સ મેદાન મારીને વિજયની વરમાળા આરોગી હતી.

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે પોતાની રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર રોય મોર માટે જરૂરી પ્રચાર કરીને તેને મત આપવા માટે આગ્રહ ભરી વિનંતી કરીને વિજયી બનાવવા માટે હાકલ કરી હતી પરંતુ આલાબામાં રાજયની પ્રજાએ અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે કરેલ અપીલને જાકારો આપ્‍યો હતો. જયારે ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર ડગ જોન્‍સે નાના નાના ગૃપોમાં વ્‍યક્‍તિગત પ્રચાર કરી સને ૧૯૬૩માં બર્મીગહામ બાપ્‍ટીસ ચર્ચમાં થયેલ બોંબના હુમલામાં ચાર અશ્વેત નાની વયની કિશોરીઓ ભોગ બનતા તે વખતના કેકેકે સંસ્‍થાના હુમલા ખોરોની સામે જે પગલા ભરાવા જોઇએ તે ન ભરાતા પોતે જયારે પ્રોસીકયુટર તરીકે ચાર્જ લીધો અને આ ગુનેગારો સામે કેસ કરી તેઓને સજા કરાવી હતી તે તમામ બીનાથી મતદારોને વાકેફ કરતા એક નવીન પ્રકારની જાગૃતિઓ મતદારોમાં આવી હતી અને તેની સાથે સાથે પ્રોગ્રેસીવ વિચારસહણી ધરાવતા મતદારોનો જરૂરી સાથ મળતા અંતે તેઓ વિજયી બન્‍યા હતા.

વધારામાં જાણવા મળે છે તેમ રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર રોય મોર સામે આઠ મહિલાઓએ તેમની સામે પોતાને જાતિય સતામણી તથા અભદ્ર વ્‍યવહાર કરવાનો આરોપો મુકયા હતા પરંતુ આ ઉમેદવારે તે તમામ આરોપોનો ઇન્‍કાર કર્યો હતો પરંતુ જેમ જેમ ચુંટણીના પરિણામો બહાર આવતા હતા તેમ તેમ તેઓ ક્રમેક્રમે વિજેતા જાહેર થયા હતો.

 હવે આ ચુંટણીની સમગ્ર પ્રક્રિયાને ધ્‍યાનમાં લઇને અલાબામાં રાજયના સેક્રેટરી ઓફ સ્‍ટેટ તે અંગેનું વિજેતાનું પ્રમાણપત્ર ડગ જોન્‍સને આપશે અને તે પ્રાપ્ત થયા બાદ તેઓ ગુપ્તતાના સોગંદ લીધા બાદ સેનેટમાં વિધીવત પ્રવેશ મેળવશે.

અમેરીકાની સેનેટમાં હાલમાં પર જેટલા સભ્‍યો રીપબ્‍લીકન પાર્ટીના છે જયારે તેની સામે ૪૮ જેટલા સભ્‍યો ડેમોક્રેટીક પાર્ટીના છે પરંતુ ડગ જોન્‍સનો વિજય થતાં ૪૯ સભ્‍યો ડેમોક્રેટીક પાર્ટીના તેમજ ૫૧ સભ્‍યો રીપબ્‍લીકન પાર્ટીના રહેશે.

ચુંટણીના પરિણામના દિવસે ેડેમોક્રેટીક પાર્ટીના વિજયી ઉમેદવાર ડગ જોન્‍સે પોતાના તમામ મતદારોનો ભાવ વિભોર બની આભાર માન્‍યો હતો અને આવોજ સહકાર ભવિષ્‍યમાં પણ તેમના તરફથી મળતો રહેશે એવી લાગણી તેમણે અંતમાં વ્‍યક્‍ત કરી હતી.

(4:00 pm IST)